Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વડોદરામાં વરસાદ વચ્ચે રસ્તો ધસી પડ્યો: તાંદલજા SOG પોલીસ સ્ટેશન બહાર ભુવામાં કાર ફસાઈ, તંત્ર સામે ઉઠ્યા સવાલ

વડોદરામાં વરસાદ વચ્ચે રસ્તો ધસી પડ્યો: તાંદલજા SOG પોલીસ સ્ટેશન બહાર ભુવામાં કાર ફસાઈ, તંત્ર સામે ઉઠ્યા સવાલ

Hindusthan Samachar 4 months ago

વડોદરા, 07 જુલાઈ (હિ.સ.) : શહેરમાં મંગળવારે દિવસભરની ભારે ગરમી અને ઉકળાટ બાદ સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદ અને પવન વચ્ચે તાંદલજા વિસ્તારમાં આવેલા SOG પોલીસ સ્ટેશનની બહાર અચાનક રસ્તો ધસી પડતાં ભુવો સર્જાયો હતો, જેમાં એક ફોરવ્હીલ કાર ફસાઈ જવાની ઘટના બની હતી.

અચાનક બનેલી આ ઘટનાથી વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક લોકોની મદદથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, જોકે કારને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર અશફાક મલેક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે રસ્તાના નિર્માણ અને પ્રિ-મોન્સૂન કામગીરી અંગે તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ચોમાસાની શરૂઆત થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા ધસી પડવા અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જે કામગીરીની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા કરે છે.

સ્થાનિક રહીશોએ પણ વરસાદી પાણીના યોગ્ય નિકાલ, રસ્તાઓની મજબૂતી અને સમયસર જાળવણીની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો ઘટના સમયે કોઈ રાહદારી, બાઇકચાલક અથવા અન્ય વાહન ત્યાંથી પસાર થઈ રહ્યું હોત, તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત.

ચોમાસાની શરૂઆત સાથે જ આવી ઘટનાઓ સામે આવતાં વડોદરા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. હવે શહેરવાસીઓ તંત્ર પાસેથી માત્ર દાવાઓ નહીં, પરંતુ સ્થળ પર અસરકારક અને કાયમી કામગીરીની અપેક્ષા રાખી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati