Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાઘોડીયા ચોકડી બ્રિજ નીચે અને કેનાલ પાસે ભારે જળબંબોળ: ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા

વાઘોડીયા ચોકડી બ્રિજ નીચે અને કેનાલ પાસે ભારે જળબંબોળ: ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા

વડોદરા , 04 જુલાઈ (હિ.સ.)વડોદરામાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ શરૂ થતાં જ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને હાઇવે પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. ખાસ કરીને વાઘોડીયા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક અને પાણીના ભરાવાને કારણે સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. વાઘોડીયા ચોકડી બ્રિજ નીચે હાઇવે પર વહેલી સવારથી જ વરસાદી પાણી ફરી વળ્યા છે.

જેને કારણે નેશનલ હાઇવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.બ્રિજ નીચે ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે નાના વાહનો જેવા કે ટૂ-વ્હીલર અને રિક્ષાઓ બંધ પડી જવાના અસંખ્ય બનાવો બન્યા છે. વાહનો બંધ થઈ જતાં ચાલકોને ધોધમાર વરસાદમાં જ પોતાના વાહનો ધક્કો મારીને સેફ જગ્યાએ લઈ જવા મજબૂર બનવું પડ્યું છે. આ હાઇવે વડોદરાને અન્ય મોટા શહેરો સાથે જોડતો હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, પરંતુ પાણીના ભરાવાને લીધે વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને કલાકો સુધી ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે.બીજી તરફ, વાઘોડીયા ચોકડી પાસે આવેલી મુખ્ય કેનાલની આસપાસ પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ભારે ભરાવો થયો છે. કેનાલ પાસે પાણી ઓવરફ્લો થવાની કે સ્થાનિક ડ્રેનેજ લાઈન ચોકઅપ હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કેનાલ રોડ પરથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી બની ગયું છે, કારણ કે પાણીના કારણે રસ્તાના ખાડા દેખાતા નથી અને અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે.સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી. વાહનચાલકોએ વહેલી તકે આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા અને ટ્રાફિક હળવો કરવા માટે વહીવટી તંત્રને ઉગ્ર અપીલ કરી છે. શનિવાર સાંજ સુધી પણ આ વિસ્તારમાં પાણી ઓસર્યા ન હોવાથી વાહનચાલકોની હાલાકી યથાવત રહી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati