Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વાંકીમાં 30 બેડની CHC માટે મજબૂત પહેલ, 15થી 20 ગામોને મળશે વધુ સુવિધાસભર સારવાર

વાંકીમાં 30 બેડની CHC માટે મજબૂત પહેલ, 15થી 20 ગામોને મળશે વધુ સુવિધાસભર સારવાર

કચ્છ, 27 ઓગસ્ટ (હિ.સ.) : મુન્દ્રા તાલુકાના વાંકી અને આસપાસના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલી જન આરોગ્ય સમિતિની માસિક બેઠકમાં વાંકી ખાતે 30 બેડની ક્ષમતાવાળું સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) મંજૂર કરાવવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પહેલથી વાંકી સહિત આસપાસના 15થી 20 જેટલા ગામોના લોકોને નજીકમાં જ વધુ સુવિધાસભર તબીબી સારવાર મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

બેઠકમાં કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન અને સમાઘોઘા સીટના સભ્ય રણજીતસિંહ અગરસંગ જાડેજાએ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. તેમણે વાંકી પીએચસી હેઠળ આવતા ગામોમાં આયુષ્માન કાર્ડની કામગીરીને 100 ટકા પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને સસ્તા અનાજ મેળવવા પાત્ર પરિવારો તેમજ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને યોજનાનો લાભ મળે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરાશે.

બહારગામ રોજગાર માટે રહેતા લોકો પણ આરોગ્ય યોજનાઓથી વંચિત ન રહે તે માટે દરેક ગામમાંથી ચાર યુવા કાર્યકરોને જોડીને તેમને જરૂરી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.વાંકી પીએચસી 24 કલાક કાર્યરત હોવા છતાં ડોક્ટર, સ્ટાફ નર્સ અને વોર્ડબોય સહિતની કેટલીક જગ્યાઓ ખાલી હોવાથી આરોગ્ય સેવાઓને અસર થતી હોવાનો મુદ્દો બેઠકમાં ઉઠ્યો હતો. ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવા તેમજ ત્યાં સુધી જરૂરિયાત મુજબ ડેપ્યુટેશન પર કર્મચારીઓ ફાળવવા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો છે. પૂરતો સ્ટાફ ઉપલબ્ધ થાય તો પ્રસૂતિ, નાના ઓપરેશન અને દાખલ દર્દીઓની સારવાર જેવી સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ થઈ શકશે.

વાંકી ખાતે CHC મંજૂર કરાવવા આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ રજૂ કરી રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે. સાથે જ આરોગ્ય કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટરની સુવિધા ઊભી કરવાની પણ માંગણી કરવામાં આવશે.બેઠકમાં રણજીતસિંહ જાડેજાએ આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો જાણ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મેહુલ બલદાણીયાએ સ્ટાફ અને દવાઓ સંબંધિત પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. બેઠકમાં ભરતસિંહ ચનુભા જાડેજા, રાજીવ લાલજીભાઈ સુએડીયા, ડૉ. મિલન ભોજાણી, બ્રિજેશભાઈ ચારેલ, નાઝનીન સિદી સહિત આરોગ્ય કર્મચારીઓ, ગ્રામજનો અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindusthan Samachar Gujarati