
વાપી, 07 જુલાઈ (હિ.સ.) સતત વરસી રહેલા વરસાદને કારણે વાપી શહેરના અનેક વિસ્તારોમાં ભારે જળજમાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમાન પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વાપી જ્યારે નગરપાલિકા હતી ત્યારે જે-ટાઈપ વિસ્તાર પાસે બનાવવામાં આવેલો મોટો અંડરબ્રિજ દર વર્ષે ચોમાસા દરમિયાન પાણીથી છલકાઈ જાય છે.
આ વર્ષે પણ વરસાદ પડતાં જ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અંડરબ્રિજની સ્થિતિ એવી બની ગઈ હતી કે જાણે સ્વિમિંગ પૂલ હોય. પરિણામે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને લોકોને લાંબો રસ્તો અપનાવવો પડ્યો હતો.બીજી તરફ વાપી મહાનગરપાલિકા દ્વારા જગત નાકા ખાતે નિર્માણ કરાયેલો અંડરબ્રિજ પણ વરસાદની કસોટીમાં નિષ્ફળ સાબિત થયો હોવાનું જોવા મળ્યું. અહીં પણ ભારે જળજમાવને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરના અનેક માર્ગો પર પાણી ભરાતા દૈનિક જીવન પ્રભાવિત થયું હતું.સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે વિકાસના નામે કરોડો રૂપિયાના ખર્ચ છતાં વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક આયોજન કરવામાં આવ્યું નથી. દર વર્ષે ચોમાસામાં એકસરખી સ્થિતિ સર્જાતી હોવા છતાં કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું લોકોનું કહેવું છે.નાગરિકોએ વાપી મહાનગરપાલિકા પાસે શહેરની ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનાવવાની, અંડરબ્રિજોમાં કાયમી પમ્પિંગ સિસ્ટમ કાર્યરત કરવાની તેમજ જળજમાવવાળા વિસ્તારોમાં તાત્કાલિક પગલાં લઈ કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha

