Agniveer Pension Case: ફરજ દરમિયાન શહીદ થયેલા અગ્નિવીરના પરિવારને અન્ય શહીદ સૈનિકોની જેમ લાભ મેળવવાનો હક છે કે નહીં તે મુદ્દે કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું કે સેવા લાભોના મામલે અગ્નિવીર અને નિયમિત સૈનિકો સમાન શ્રેણીમાં આવતા નથી. તેથી તેમને મરણોત્તર પેન્શન લાભ આપવામાં આવી શકાતા નથી. એક અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે જો કોઈ અગ્નિવીરનું ફરજ દરમિયાન મૃત્યુ થાય, તો તેમના પરિવારજનો નિયમિત સૈનિકોને મળતા પેન્શન અને અન્ય લાભો માટે દાવો કરી શકશે નહીં.
હાઈકોર્ટમાં આ અરજી અગ્નિવીર મુરલી નાયકની માતા જ્યોતિબાઈ નાયકે દાખલ કરી હતી. મુરલી ગયા વર્ષે 9 મે, 2025ના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયા હતા. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ફરજ દરમિયાન શહીદ થતા નિયમિત સૈનિકોને જેમ મરણોત્તર લાભો, જેમ કે પેન્શન અને અન્ય કલ્યાણકારી સહાય આપવામાં આવે છે, તેવી જ સુવિધા અગ્નિવીરોને પણ આપવામાં આવે.
જ્યોતિબાઈની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અગ્નિપથ યોજના અગ્નિવીરો અને નિયમિત સૈનિકો વચ્ચે મનસ્વી ભેદભાવ ઉભો કરે છે. અગ્નિવીરોને પણ નિયમિત સૈનિકોની જેમ અનેક પ્રકારના જોખમોનો સામનો કરવો પડે છે.
અગ્નિપથ યોજના એક ટૂંકાગાળાની વ્યવસ્થા
કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં કહ્યું કે અગ્નિપથ યોજના એક ટૂંકાગાળાની વ્યવસ્થા છે, જેને હાલની રાષ્ટ્રીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. કેન્દ્રના જણાવ્યા મુજબ અગ્નિવીરોને નિયમિત સૈનિકોની જેમ સમાન સુવિધાઓ ના મળી શકે, કારણ કે તેમની નિમણૂક ચાર વર્ષ માટે જ કરવામાં આવે છે. જ્યારે સશસ્ત્ર દળોમાં પેન્શન અને અન્ય ભથ્થાં લાંબા ગાળાની સેવા સાથે જોડાયેલા હોય છે.
જવાબમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “બે અલગ પરિસ્થિતિ ધરાવતા વર્ગોના લોકો વચ્ચે સમાનતા હોઈ શકે નહીં. આ વર્ગીકરણ અને ભેદભાવ અગ્નિપથ યોજનાના હેતુઓ સાથે તર્કસંગત રીતે જોડાયેલા છે, તેથી તે સંવિધાનની કલમ 14 (સમાનતાનો અધિકાર) હેઠળ બંધારણીય રીતે માન્ય છે."
આગળ કહેવામાં આવ્યું કે આ યોજનાની સેવા શરતો સ્વીકારી લીધા બાદ, શહીદ અગ્નિવીરની માતા હવે એવી માંગ કરી શકતા નથી કે નિયમિત સૈનિકોને મળતા સેવા લાભો અગ્નિવીર શ્રેણી પર પણ પૂર્વલક્ષી અસરથી લાગુ કરવામાં આવે.
અરજદારની ગેરસમજ: કેન્દ્ર
કેન્દ્રએ કહ્યું, "અગ્નિવીર અને નિયમિત સૈનિકો વચ્ચેનું વર્ગીકરણ ચોક્કસ સમજી શકાય તેવા તફાવતો પર આધારિત છે, જેમાં સેવા સમયગાળો, નિમણૂકનું સ્વરૂપ અને ભરતીની વિવિધ શરતોનો સમાવેશ થાય છે.
હાઈકોર્ટ પાસે અરજી ફગાવવાની માંગ કરતા કેન્દ્ર સરકારે કહ્યું કે અગ્નિવીરોની ભરતી રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયેલો નીતિગત નિર્ણય છે અને આવા નીતિગત નિર્ણયોની ન્યાયિક સમીક્ષા મર્યાદિત હોય છે.
કેન્દ્રના જવાબમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અરજદાર ખોટી માન્યતામાં હતા કે અગ્નિવીરો પણ નિયમિત સૈનિકોની જેમ પેન્શન લાભ મેળવવા હકદાર છે. જ્યારે યોજનામાં સ્પષ્ટ રીતે કોઈ જોગવાઈ નથી કે મૃત્યુ પામેલા અગ્નિવીરના નજીકના પરિવારજનોને ફેમિલી પેન્શન આપવામાં આવે.
જવાબમાં વધુમાં જણાવાયું હતું કે મુરલી નાયકના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈનિક સન્માન સાથે કરવામાં આવ્યા હતા અને તેમની માતાને રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર તરફથી નિયમિત સૈનિકોના કેસમાં આપવામાં આવે છે તેવી જ રીતે એક હાર્દિક શોકપત્ર પણ આપવામાં આવ્યું હતુ. તેમને કુલ 2.3 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.

