Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખાણી-પીણીના શોખીનોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. ખાસ કરીને 'એનાલોગ પનીર' (નોન-ડેરી પ્રોડક્ટ) ના વધતા ઉપયોગને ધ્યાને રાખીને તંત્ર દ્વારા હાથ ધરાયેલા ચેકિંગમાં ગંભીર ક્ષતિઓ બહાર આવતા બે જાણીતી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે અને શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર રેસ્ટોરન્ટ સીલ
AMC ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન વસ્ત્રાલમાં આવેલી 'ભૈરવનાથ પંજાબી તડકા' નામની રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી હતી. આ એકમમાં પનીરના પ્રકાર અંગેનું ફરજિયાત ડિસ્પ્લે કાર્ડ નહોતું અને તેની પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ પણ ઉપલબ્ધ નહોતું. બીજી તરફ, નવરંગપુરા પોલિટેકનિક પાસે આવેલી 'પંજાબ દી મહેક' રેસ્ટોરન્ટના રસોડામાં અત્યંત ગંદકી અને જીવાત જોવા મળતા, અનહાઇજેનિક કન્ડિશનને કારણે તેને પણ તાત્કાલિક અસરથી તાળા મારી દેવામાં આવ્યા છે.
ડેરીઓ પર તવાઈ અને શંકાસ્પદ પનીર જપ્ત
ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા મુજબ, ગોતા વિસ્તારમાં વિશ્વાસ સીટી-6 માં આવેલી ક્રિષ્ના ડેરીમાંથી 140 કિલો અને નરોડાની રાધે ડેરીમાંથી 104 કિલો મળી કુલ 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ફૂડ બિઝનેસ ઓપરેટર મિલ્ક પનીરને બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે, તો તેણે મેનૂ કાર્ડ પર ગ્રાહકોને સ્પષ્ટપણે જાણ કરવી પડશે.
સઘન તપાસ અને કડક કાર્યવાહી
છેલ્લા પાંચ દિવસમાં (3 થી 7 એપ્રિલ દરમિયાન) ફૂડ વિભાગે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું:
કુલ તપાસ: 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી.
નમૂના: પનીરના 69 સહિત કુલ 188 ખાદ્ય પદાર્થોના નમૂના લેબોરેટરીમાં મોકલાયા.
કાર્યવાહી: નિયમોનું ઉલ્લંઘન કરનાર 235 એકમોને નોટિસ ફટકારાઈ.
નાશ: 199 કિલો ઘન પદાર્થ અને 318 લિટર અખાધ પ્રવાહીનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો.
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ગેરમાર્ગે દોરનારા એકમો વિરુદ્ધ આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ તેજ કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

