Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ જુદા-જુદા વિસ્તારમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સાયન્સ સિટી, રામોલ અને સરખેજ જેવા વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓને પગલે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને અલગ-અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સાયન્સ સિટી વિસ્તારમાં કારમાંથી મળ્યો મૃતદેહ
સાયન્સ સિટી વિસ્તારમાં રોડ સાઈડ પર પાર્ક કરેલી એક કારમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ 45 વર્ષીય હર્ષદ પટેલ તરીકે થઈ છે, જેઓ શેલા વિસ્તારમાં રહેતા હતા. પોલીસના અનુમાન મુજબ, તેઓ પોતાના ઘરેથી કાર લઈને નીકળ્યા હતા અને ત્યારબાદ કાર રોડ સાઈડ પર ઉભી રહી ગઈ હતી. શરૂઆતની તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
રામોલ વિસ્તારમાં ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો
રામોલ વિસ્તારમાંથી એક અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની મદદથી ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
સરખેજ-ધોળકા હાઈવે નજીક વૃદ્ધાનો મૃતદેહ મળ્યો
આ ઉપરાંત સરખેજ વિસ્તારમાંથી સરખેજ-ધોળકા હાઈવે નજીકથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. બાદમાં તેમની ઓળખ 85 વર્ષીય સમુબેન તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા અને ઘરમાંથી કોઈને કહ્યા વિના બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ તેમનો મૃતદેહ તલાવડી નજીકથી મળી આવ્યો હતો. પોલીસએ જણાવ્યું છે કે તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.
ત્રણેય કેસમાં પોસ્ટમોર્ટમ અને તપાસ ચાલુ
ત્રણેય અલગ-અલગ સ્થળેથી મળેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મોતના કારણોને લઈને અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં એક જ દિવસમાં ત્રણ મૃતદેહ મળતા લોકોમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. પોલીસે તમામ કેસમાં જરૂરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
MS ધોનીએ ટ્રેનિંગમાં કરી બેટિંગ પ્રેક્ટિસ, પંજાબ કિંગ્સ સામે રમશે?

