Instagram Facebook Teen Addiction: અમેરિકામાં મેટા સામે લાંબા સમયથી આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે Facebook અને Instagramમાં એવા ફીચર્સ અને સિસ્ટમ બનાવવામાં આવ્યા, જે બાળકો અને કિશોરોને વધુ સમય સુધી પ્લેટફોર્મ પર રોકી રાખે છે. રાજ્યોનો આરોપ હતો કે આ પ્રકારની ડિઝાઇનથી યુવાનોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે અને કંપનીએ પ્લેટફોર્મ ની સુરક્ષા અંગે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.
Metaએ આરોપોમાં કોઈ ગેરકાયદેસર કામગીરી કરી હોવાનો સ્વીકાર કર્યો નથી. તેમ છતાં કાનૂની વિવાદનો અંત લાવવા કંપનીએ અમેરિકાના લગભગ તમામ રાજ્યો સાથે સમાધાન કર્યું છે. મુખ્ય સેટલમેન્ટને અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ યવોન ગોન્ઝાલેઝ રોજર્સે મંજૂરી આપી છે.
18 વર્ષથી નાની ઉંમરના યુઝર્સ માટે 2 કલાકની મર્યાદા
સમાધાનની સૌથી મોટી અસર કિશોરોના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકના ઉપયોગ પર પડશે. Metaએ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે દિવસમાં બે કલાકના ઉપયોગની મર્યાદા લાગુ કરવા સંમતિ આપી છે. આ મર્યાદા દૂર કરવા માટે માતા-પિતાની મંજૂરી જરૂરી રહેશે.
મધરાતથી સવારે 6 વાગ્યા સુધી એપ બંધ
18 વર્ષથી નાની ઉંમરના યુઝર્સ માટે મધરાતથી સવારે 6 વાગ્યા સુધી Facebook અને Instagramનો ઉપયોગ બ્લોક કરવામાં આવશે. માતા-પિતાની મંજૂરી હોય તો તેમાં ફેરફાર થઈ શકશે. આ પગલાનો હેતુ રાત્રિના સમયે બાળકોનો સ્ક્રીન ટાઇમ ઘટાડવાનો છે.
સ્કૂલ દરમિયાન Push Notifications પર રોક
Meta સ્કૂલના સમય દરમિયાન મોટાભાગના Push Notifications પણ બંધ કરશે. અમેરિકામાં સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી કિશોર યુઝર્સને મોટાભાગના નોટિફિકેશન મોકલવામાં નહીં આવે, જેથી અભ્યાસ દરમિયાન વારંવાર સોશિયલ મીડિયા તરફ ધ્યાન ન જાય. નવા નિયમો હેઠળ કિશોરોના એકાઉન્ટ પર લાઈક કાઉન્ટ છુપાવવા સહિતના કેટલાક ફેરફારો કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર મળતા લાઈક્સને લઈને બાળકોમાં સરખામણી, લોકપ્રિયતાનું દબાણ અને માન્યતા મેળવવાની હોડ ઓછી કરવાનો આ પ્રયાસ હોવાનું માનવામાં આવે છે.
ઉંમરની ચકાસણી વધુ કડક બનશે
Metaને બાળકોની ઉંમર ઓળખવાની પોતાની ટેક્નોલોજી વધુ મજબૂત કરવી પડશે. 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્લેટફોર્મથી દૂર રાખવા અને 13થી 17 વર્ષના યુઝર્સ યોગ્ય ટીનએકાઉન્ટ્સનો જ ઉપયોગ કરે તે માટે પોતાની તેમજ થર્ડ-પાર્ટી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ સિસ્ટમનું સ્વતંત્ર ઓડિટ પણ થશે. પેરેન્ટલ કન્ટ્રોલને પણ વધુ મજબૂત કરવામાં આવશે. ખાસ કરીને બે કલાકની સમયમર્યાદા અને રાત્રિના ઉપયોગ જેવા નિયંત્રણોમાં માતા-પિતાની મંજૂરી મહત્ત્વપૂર્ણ રહેશે. આમ બાળકો કેટલો સમય Instagram-Facebook પર પસાર કરે છે તેના પર પરિવારોને વધુ નિયંત્રણ મળશે.
Meta કેટલી રકમ ચૂકવશે?
Meta આગામી દસ વર્ષમાં મહત્તમ 18 અબજ ડોલર (₹1.72 લાખ કરોડ) ચૂકવી શકે છે. લગભગ 12.7 અબજ ડોલરની ચુકવણી નિશ્ચિત છે, જ્યારે વધારાના આશરે 5 અબજ ડોલર સ્નેપચેટ, ટિકટોક અને યુટ્યુબ જેવી અન્ય મોટી સોશિયલ મીડિયા સેવાઓ બાળકો માટે સમાન સુરક્ષા પગલાં અપનાવે છે કે નહીં તે સહિતની શરતો સાથે જોડાયેલા છે. મુખ્ય સમાધાન હેઠળ 47 અમેરિકન રાજ્યો ઉપરાંત વોશિંગ્ટન ડીસી, પ્યુઅર્ટો રિકો, અમેરિકન સમોઆ અને નોર્ધન મરિના આઈલેન્ડને મહત્તમ લગભગ 16.7 અબજ ડોલર મળશે. ટેક્સાસ સાથે મેટાએ અલગથી એક અબજ ડોલરથી વધુનું સમાધાન કર્યું છે.
Metaએ શું કહ્યું?
Metaએ સમાધાન કરતી વખતે કોઈ ગેરરીતિ સ્વીકારી નથી. કંપનીનું કહેવું છે કે કિશોરોને પોતાના પ્લેટફોર્મ પર સુરક્ષિત અને સકારાત્મક અનુભવ મળે તે તેની પ્રાથમિકતા છે. મેટા પહેલેથી ટીન એકાઉન્ટ્સ અને અન્ય ચાઈલ્ડ સેફ્ટી ફીચર્સ અમલમાં મૂકી ચૂકી છે. જોકે બાળ સુરક્ષા ક્ષેત્રે કામ કરતા કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે બે કલાકની મર્યાદા અને પેરેન્ટલ કન્ટ્રોલ મહત્ત્વના પગલાં છે, પરંતુ રેકમેન્ડેશન અલગોરિધમ સહિતના મૂળભૂત પ્રશ્નો હજુ સંપૂર્ણપણે ઉકેલાયા નથી.
પેન્શનરોને ટૂંક સમયમાં મળશે રાહત? 8મા પગાર પંચ પાસે કરી રહ્યા છે આ માંગ
