SBI Loan Fraud Case Ahmedabad: અમદાવાદના દસ્કોઈ તાલુકાના ગત્રાડ ગામ સ્થિત સાહિત્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બે અલગ-અલગ કંપનીઓના માલિકોએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની લઘુ ઉદ્યોગ શાખામાંથી કરોડો રૂપિયાની લોન મેળવ્યા બાદ છેતરપિંડી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. જંતુનાશક દવાઓ બનાવવાનો મોટો પ્લાન્ટ સ્થાપવાના નામે કરોડોની ધિરાણ રકમ મેળવીને બાદમાં હપ્તા ન ભરીને ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
આ બંને કંપનીઓના માલિકોએ બેંકને કુલ ₹4.95 કરોડનો ચૂનો લગાવ્યો છે. SBI ના વરિષ્ઠ અધિકારી પુરુષોત્તમ શર્માની લેખિત અરજીના આધારે સીઆઈડી (CID) ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની તપાસ ચક્ર ગતિમાન કરી છે.
પ્રથમ બનાવ
આ છેતરપિંડીના પ્રથમ કિસ્સામાં ‘Hyta Crop Care Industries’ ના માલિક ત્રિભુવનદાસ શ્રીમાળીએ વર્ષ 2020 માં જંતુનાશક દવાઓના ઉત્પાદન અર્થે ₹1.25 કરોડની ટર્મ લોન અને ₹65 લાખની કેશ ક્રેડિટ સુવિધા મેળવી હતી. શરૂઆતમાં થોડો સમય ધંધો ચલાવ્યા બાદ વર્ષ 2022 થી તેમણે અચાનક લોનના હપ્તા ભરવાના બંધ કરી દીધા હતા. બેંક અધિકારીઓએ જ્યારે સ્થળ તપાસ કરી ત્યારે યુનિટ સંપૂર્ણ બંધ મળ્યું હતું. આરોપીએ બેંકને એવી ગોળગોળ વાતો કહી હતી કે મશીનરી ચોરી થઈ ગઈ છે, પરંતુ બેંકની તપાસમાં આ દાવો સાવ ખોટો સાબિત થયો હતો. બેંકે મોર્ગેજ મિલકતની હરાજી કરી હોવા છતાં, વ્યાજ અને અન્ય લિમિટ મળી કુલ ₹2.14 કરોડની રકમ ન ભરતાં તેમની સામે ગુનો દાખલ કરાયો છે.
બીજો બનાવ
બીજા બનાવમાં તે જ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં સ્થિત ‘Hyta Bio Science Industry’ ના માલિક પંકજ પ્રજાપતિ સામે પણ બેંક સાથે ગંભીર છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. પંકજ પ્રજાપતિએ પણ વર્ષ 2020 માં જંતુનાશક દવાઓના ઉત્પાદન માટે બેંકમાંથી ₹80 લાખની કેશ ક્રેડિટ અને ₹1.95 કરોડની ટર્મ લોન પાસ કરાવી હતી. ત્યારબાદ તેમણે પણ વર્ષ 2022 થી પોતાના યુનિટને તાળાં મારી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. આ કંપની પાસે વ્યાજ અને અન્ય બેંક લિમિટ મળીને કુલ ₹2.81 કરોડ લેણાં નીકળતાં હોવાથી SBI ના અધિકારીઓ દ્વારા પંકજ પ્રજાપતિ વિરુદ્ધ પણ CID ક્રાઈમમાં અલગથી આકરી ફરિયાદ દાખલ કરાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
CID ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં
બેંક સાથે મોટો વિશ્વાસઘાત કરી, ખોટા બહાના બતાવી અને કરોડો રૂપિયાની લોનની રકમ અન્યત્ર ડાયવર્ટ કરનારા બંને ઉદ્યોગકારો સામે સીઆઈડી ક્રાઈમે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. બેંકના નાણાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
