BJP leader Dhirendra Pratap Singh Murder: ઉત્તર પ્રદેશના દુબગ્ગા વિસ્તારમાં ભાજપ (BJP) ના નેતા અને મહારાણા પ્રતાપ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધીરેન્દ્ર પ્રતાપ સિંહ (35) ની નિર્મમ હત્યાથી સમગ્ર પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. રવિવારે સાંજે 5:30 વાગ્યે સરાઈ પ્રેમરાજ સ્થિત શારદા સહાયક નહેરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
તેમના માથાના પાછળના ભાગમાં અને જમણી છાતીમાં ગોળી મારવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
બેભાન કરીને છાતી અને માથામાં મારી ગોળી
ઇન્સ્પેક્ટર શ્રીકાંત રાયના જણાવ્યા અનુસાર, ધીરેન્દ્ર પ્રતાપ સિંહ મૂળ ઉન્નાવના રહેવાસી હતા અને હાલ પીજીઆઈની વૃંદાવન કોલોનીમાં રહેતા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે તેમના અંગત ડ્રાઇવર રવિ તિવારીએ જ આ દગાખોર કૃત્ય આચર્યું હતું. આરોપી રવિ તિવારીએ કબૂલાત કરી હતી કે તેણે પ્રથમ ધીરેન્દ્ર પ્રતાપને રૂમાલ વડે કોઈ નશીલો પદાર્થ સુંઘાડી બેભાન કર્યા હતા અને ત્યારબાદ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી છાતી અને માથામાં ગોળીઓ મારી હત્યા કરી દીધી હતી.
લાશ સીઝ કરી કેનાલમાં ફેંકી
હત્યા કર્યા બાદ આરોપીઓએ મૃતદેહને કારમાં મુકી દુબગ્ગા કિસાન પથ પાસેના એક નિર્જન વિસ્તારમાં પહોંચાડ્યો હતો. ત્યાં રસ્તાથી આશરે 50 મીટર દૂર શારદા સહાયક નહેરમાં લાશને ફેંકી દેવામાં આવી હતી. સુશાંત ગોલ્ફ સિટી પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને આરોપી ડ્રાઇવર રવિ તિવારી અને તેની સાથે રહેલા અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી કડક પૂછપરછ હાથ ધરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મિલકતનો વિવાદ કે મોટું રાજકીય કાવતરું?
પોલીસ હાલ હત્યા પાછળના સાચા કારણો શોધવા માટે મથામણ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ મિલકતનો વિવાદ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે, પરંતુ ધીરેન્દ્ર પ્રતાપ હિન્દુ યુવા સંગઠન સાથે પણ સક્રિય રીતે જોડાયેલા હતા, તેથી કોઈ મોટા રાજકીય કે અંગત કાવતરાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ હત્યામાં માત્ર ડ્રાઇવર જ સામેલ હતો કે પછી તેની પાછળ કોઈ અન્ય માસ્ટરમાઇન્ડ છે. ગુનામાં વપરાયેલું હથિયાર, વાહન અને અન્ય મહત્વના પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે.
