ભાવનગર: જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના ટોડી ગામ નજીક પશુ ચરાવી રહેલા પશુપાલક પર સાંજના સમયે સિંહે અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા પશુપાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિક પશુપાલકોમાં ભારે ફાળ પડી છે.
માલઢોર ચરાવતા હતા ત્યાં સિંહ આવી પહોંચ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોર તાલુકાના ટોડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ગૌચરણમાં વિજયભાઈ બલિયા પોતાના માલઢોર ચરાવી રહ્યા હતા. એ જ સમયે અચાનક આવી ચડેલા સિંહે (સિંહણ કે સિંહના ટોળામાંથી છૂટા પડીને) તેમના એક પશુ પર હુમલો કરી દીધો હતો. પોતાના પશુને સિંહના જડબામાંથી બચાવવા માટે વિજયભાઈ વચ્ચે પડ્યા હતા અને શ્વાસોશ્વાસના જંગમાં સિંહને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ પશુને છોડીને સિંહે સીધો વિજયભાઈ બલિયા પર જ હુમલો કરી દીધો હતો. સિંહના અચાનક થયેલા હુમલામાં વિજયભાઈના શરીરના વિવિધ ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસથી લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત પશુપાલકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં પાલીતાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
વારંવારના હુમલાઓથી ભય અને રોષ
ઘટના અંગે પાલીતાણા વન વિભાગને જાણ કરવામાં આવતાં વનકર્મીઓનો કાફલો દોડી ગયો હતો. નોંધનીય છે કે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવો અને ખાસ કરીને સિંહોના માનવ વસવાટ તરફના આંટાફેરા અને હુમલા વધી રહ્યા છે. વારંવાર થતા જીવલેણ હુમલાઓથી પશુપાલકોમાં ભય અને રોષનો માહોલ છે. ગ્રામજનો વન વિભાગ પાસે સિંહોનું યોગ્ય લોકેશન ટ્રેક કરવા અને માલધારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી રહ્યા છે.
ગીર સોમનાથ: દરિયામાં નહાતા પાંચ કિશોરો કરંટની ઝપેટમાં ફસાયા; ત્રણ બચ્યા, બેના મોત
