B.K. Hariprasad: કર્ણાટક કોંગ્રેસના સંગઠનમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા વરિષ્ઠ નેતા બી.કે. હરિપ્રસાદની કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના નવા પ્રમુખ તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. તેમણે ડી.કે. શિવકુમારનું સ્થાન લીધું છે, જેમણે આજે જ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.
પક્ષની આંતરિક સત્તા-વહેંચણીની ફોર્મ્યુલા અંતર્ગત 3 વર્ષ બાદ શિવકુમારને મુખ્યમંત્રી પદ સોંપાયા પછી હવે સંગઠનની કમાન હરિપ્રસાદના હાથમાં સોંપવામાં આવી છે. આ રેસમાં પૂર્વ મંત્રી સતીશ જરકીહોલીનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ હાઈકમાન્ડે આખરે હરિપ્રસાદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
કોણ છે બી.કે. હરિપ્રસાદ?
બી.કે. હરિપ્રસાદ કોંગ્રેસના અત્યંત અનુભવી અને વરિષ્ઠ નેતા છે. તેઓ હાલમાં કર્ણાટક વિધાન પરિષદ (MLC) ના સભ્ય તરીકે કાર્યરત છે અને તેમનો વર્તમાન કાર્યકાળ આ જ મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે. તેઓ ભૂતકાળમાં લાંબા સમય સુધી રાજ્યસભાના સાંસદ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હરિપ્રસાદને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર, ભારતીય જનતા પાર્ટી (BJP) અને આરએસએસ (RSS) ના પ્રખર તેમજ સ્પષ્ટવક્તા ટીકાકાર માનવામાં આવે છે. તેમણે અગાઉ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં રાષ્ટ્રીય સ્તરે વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પછાત વર્ગમાંથી આવે છે હરિપ્રસાદ
29 જુલાઈ 1954 ના રોજ જન્મેલા બી.કે. હરિપ્રસાદ કર્ણાટકના શક્તિશાળી બિલાવ સમુદાયમાંથી આવે છે, જે રાજ્યમાં અન્ય પછાત વર્ગો (OBC) હેઠળ વર્ગીકૃત છે. આ પૂર્વે પણ આ સમુદાયના અગ્રણી નેતાઓ જનાર્દન પૂજારી અને એસ. બાંગરપ્પા કર્ણાટક કોંગ્રેસ (KPCC) ના પ્રમુખ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી ચૂક્યા છે. હરિપ્રસાદની નિમણૂક પાછળ કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં પછાત વર્ગના મતદારોને પક્ષ તરફ આકર્ષિત કરવા માંગે છે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.
રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી લડી ચૂક્યા છે
બી.કે. હરિપ્રસાદ દેશના રાજકારણમાં મોટું કદ ધરાવે છે. તેઓ સંસદના ઉચ્ચ ગૃહ એટલે કે રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે વિપક્ષી ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર રહી ચૂક્યા છે, જોકે આ પ્રતિષ્ઠિત ચૂંટણીમાં તેમને એનડીએ (NDA) ના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, તેમણે વર્ષ 1999 ની લોકસભા ચૂંટણી બેંગ્લોર દક્ષિણ બેઠક પરથી લડી હતી, જેમાં ભાજપના દિવંગત કેન્દ્રીય મંત્રી અનંત કુમાર સામે તેમની હાર થઈ હતી. હવે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને પ્રમુખ બી.કે. હરિપ્રસાદની જોડી કર્ણાટકમાં સરકાર અને સંગઠન વચ્ચે કેવું તાલમેલ બેસાડે છે તેના પર સૌની નજર રહેશે.
કર્ણાટકમાં સત્તા પરિવર્તન: ડી.કે. શિવકુમારે નવા મુખ્યમંત્રી જ્યારે જી. પરમેશ્વરે Dycm તરીકે લીધા શપથ

