Bilawal Bhutto Zardari: પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના લગ્નને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં ચર્ચા તેજ બની છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બિલાવલ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે અને તેમની સંભવિત જીવનસાથી તરીકે ઓસ્ટ્રિયાના પૂર્વ શાહી પરિવાર સાથે જોડાયેલી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ નું નામ ચર્ચામાં છે.
જોકે, આ તમામ દાવાઓની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
લગ્નની અટકળો ત્યારે વધુ તેજ થઈ જ્યારે એવા અહેવાલો સામે આવ્યા કે બિલાવલના પિતા અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પોતાના પુત્રના લગ્ન અંગે વાતચીત કરવા અને તારીખ નક્કી કરવા માટે યુરોપના નાના દેશ લિકટેન્સ્ટાઇન ગયા છે. લિકટેન્સ્ટાઇન સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચે આવેલો દેશ છે.
ઓસ્ટ્રિયાના શાહી પરિવાર સાથે જોડાણનો દાવો
કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે બિલાવલની સંભવિત દુલ્હન યુરોપિયન પરિવારની છે અને તેનો સંબંધ ઓસ્ટ્રિયાના જૂના શાહી પરિવાર સાથે છે. સોશિયલ મીડિયા પર ગ્લોરિયા વોન હેબ્સબર્ગનું નામ વાયરલ થયું હતું. એવો પણ દાવો થયો કે તેઓ ઓસ્ટ્રિયાના છેલ્લા સમ્રાટ કાર્લ પ્રથમના પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
કેટલાક અહેવાલોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો કે બિલાવલની સંભવિત પત્ની લિકટેન્સ્ટાઇનની રાજધાની વાદુઝની રહેવાસી છે અને લગ્ન વર્ષના અંત સુધીમાં થઈ શકે છે. જોકે, આ પૈકી કોઈ પણ માહિતીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઝરદારીની વિદેશ યાત્રાથી અટકળોને વેગ
27 ઓગસ્ટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે માત્ર એટલી માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી ખાનગી પ્રવાસે વિદેશ ગયા છે. તેઓ કયા દેશમાં ગયા છે અને પ્રવાસનો હેતુ શું છે તે અંગે કોઈ વિગતો આપવામાં આવી નહોતી. આ કારણે સોશિયલ મીડિયા પર ચાલતી લગ્ન સંબંધિત અટકળોને વધુ વેગ મળ્યો.
કેટલાક અહેવાલોમાં તો બિલાવલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાના દાવા પણ કરવામાં આવ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
PPP નેતાએ અહેવાલોને ગણાવ્યા ખોટા
આ દરમિયાન કરાચીના મેયર અને PPPના નેતા મુર્તઝા વહાબે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બિલાવલ ભુટ્ટોની સગાઈ અને લગ્નને લઈને ચાલી રહેલા દાવાઓને નકારી કાઢ્યા છે. તેમણે આ અહેવાલોને ખોટા અને આધારવિહોણા ગણાવ્યા.
આથી હાલ બિલાવલ ભુટ્ટોના લગ્ન અંગે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ પાર્ટી તરફથી સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે. સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ઓસ્ટ્રિયાના શાહી પરિવાર સાથે લગ્નની વાત માત્ર અટકળ તરીકે જ જોવી યોગ્ય રહેશે.
