05/08/2026: ગુજરાત સરકારના નારી વંદન સપ્તાહ અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બોટાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા, દીકરીના શિક્ષણ, બાળ અધિકારો અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન બોટાદ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં દીકરીઓના શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, મહિલા સન્માનની ભાવના મજબૂત બનાવવાની તેમજ મહિલાઓ અને બાળકો માટે ઉપલબ્ધ સરકારી સેવાઓ અને કાનૂની સુરક્ષા અંગે માહિતી પહોંચાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને દીકરીના શિક્ષણનું મહત્વ, મહિલા સુરક્ષા, બાળ અધિકારો, સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, બાળલગ્ન નિવારણ અને જાતિ સમાનતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે શિક્ષિત દીકરી માત્ર પોતાના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ અને બાળકો માટે અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓની પણ વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC), સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, વુમન એમ્પાવરમેન્ટ હબ (DHEW), ચાઈલ્ડ હેલ્પલાઇન-1098 તેમજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની શી ટીમના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને મહિલાઓ અને બાળકોના કાનૂની અધિકારો, આપત્તિના સમયે મદદ મેળવવાના માર્ગો તેમજ સરકારની વહાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના અને સ્વાવલંબન યોજના સહિતની વિવિધ સહાયકારી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહિલા સન્માન, સુરક્ષા, શિક્ષણ તથા સમાનતાનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ આવા જાગૃતિ કાર્યક્રમો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સુમિત પટેલ, સંતોષ મિશ્રા, શર્મા સર તેમજ શાળાના પ્રિન્સિપાલ પલક પરીખ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ, પોલીસ વિભાગના પ્રતિનિધિઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
નારી વંદન સપ્તાહ અંતર્ગત આયોજિત આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓના સશક્તિકરણ, દીકરીઓના શિક્ષણ અને સુરક્ષિત સમાજના નિર્માણ માટે સરકારના પ્રયાસોને વધુ મજબૂતી મળી રહી છે.
