05/08/2026: અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની SpaceXનું એક બેકાબૂ રોકેટ ચંદ્રની સપાટી સાથે અથડાયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. અંદાજે 4,000 કિલોગ્રામ વજન ધરાવતો અને પાંચ માળની ઇમારત જેટલો મોટો રોકેટનો ઉપરનો ભાગ લગભગ 8,690 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર સાથે અથડાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, આ ઘટનાથી પૃથ્વી માટે કોઈ જોખમ નથી.
વૈજ્ઞાનિકો હવે ઓર્બિટર દ્વારા મળનારી તસવીરોની રાહ જોઈ રહ્યા છે, જેના આધારે ટક્કરની અંતિમ પુષ્ટિ કરવામાં આવશે.
જાન્યુઆરી 2025ના મિશન બાદ અવકાશમાં જ રહ્યો હતો રોકેટનો ભાગ
માહિતી અનુસાર, આ ટુકડો SpaceXના ફાલ્કન-9 રોકેટના ઉપરના સ્ટેજનો છે. જાન્યુઆરી 2025માં ફ્લોરિડાથી અમેરિકા અને જાપાનના લુનર લેન્ડર મિશનને અવકાશમાં મોકલવા માટે આ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશન પૂર્ણ થયા બાદ તેનો ઉપરનો ભાગ અવકાશમાં જ ભટકતો રહ્યો હતો.
છેલ્લા લગભગ દોઢ વર્ષ દરમિયાન પૃથ્વી, ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણના પ્રભાવને કારણે તેનો માર્ગ સતત બદલાતો ગયો હતો. ખગોળશાસ્ત્રીઓએ અગાઉથી જ અનુમાન વ્યક્ત કર્યું હતું કે આ અવકાશી કાટમાળ અંતે ચંદ્ર સાથે અથડાશે.
આઈન્સ્ટાઈન ક્રેટર નજીક સર્જાઈ ટક્કર
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ ટક્કર ચંદ્રના આઈન્સ્ટાઈન ક્રેટર નજીક થઈ હતી. આ વિસ્તાર ચંદ્રના વિશાળ ખાડાઓમાંનો એક છે. ટક્કર સમયે સર્જાયેલો પ્રકાશ ખૂબ જ ઝાંખો હોવાથી સામાન્ય ટેલિસ્કોપથી તેને જોવો શક્ય નહોતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રીઓના અનુમાન પ્રમાણે આ અથડામણના કારણે ચંદ્રની સપાટી પરથી ધૂળનો વિશાળ ગુબ્બારો ઊંચે ઉડ્યો હોઈ શકે છે, જે લગભગ 100 કિલોમીટર સુધી ફેલાયો હશે.
હવે ઓર્બિટર કરશે તપાસ
ટક્કરના સમયે ચંદ્રની આસપાસ પરિક્રમા કરતું કોઈ સ્પેસક્રાફ્ટ યોગ્ય સ્થિતિમાં ન હોવાથી ઘટનાની લાઇવ તસવીરો મળી શકી નથી. આગામી દિવસોમાં દક્ષિણ કોરિયાનું દાનુરી ઓર્બિટર અને NASAનું લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) ટક્કર થયેલા વિસ્તાર પરથી પસાર થશે. ત્યારબાદ જૂની અને નવી તસવીરોની સરખામણી કરીને ચંદ્રની સપાટી પર બનેલા નવા ખાડા અને ફેરફારોનો અભ્યાસ કરવામાં આવશે.
ચંદ્ર પર સતત વધી રહ્યો છે માનવસર્જિત કાટમાળ
આ ઘટનાથી ચંદ્ર પર પડેલા માનવસર્જિત અવકાશી કાટમાળની સંખ્યા વધુ વધી છે. અંદાજે 3,000 જેટલી માનવસર્જિત વસ્તુઓ હાલમાં ચંદ્ર પર હાજર છે, જેનું કુલ વજન લગભગ 190 ટન હોવાનું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર પર વાતાવરણ ન હોવાથી આ કાટમાળથી કોઈ પર્યાવરણને નુકસાન થતું નથી, પરંતુ ભવિષ્યમાં વધતા લુનર મિશન અને ઐતિહાસિક એપોલો લેન્ડિંગ સાઇટ્સની સુરક્ષા માટે આ પડકારરૂપ બની શકે છે.
વૈજ્ઞાનિકોને મળશે મહત્વનો અભ્યાસનો અવસર
આ ઘટના વૈજ્ઞાનિકો માટે પણ મહત્વપૂર્ણ બની છે. કારણ કે રોકેટનું વજન, ઝડપ અને અથડામણનો અંદાજ પહેલેથી ઉપલબ્ધ હોવાથી ચંદ્રની સપાટી પર થયેલા ફેરફારોનું વધુ ચોકસાઈથી વિશ્લેષણ કરી શકાશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે નવા બનેલા ક્રેટર અને ઉડેલી ધૂળના અભ્યાસથી ચંદ્રની રચના, તેની સપાટી અને સૌરમંડળના પ્રારંભિક ઇતિહાસ વિશે નવી માહિતી મળી શકે છે.
ફાલ્કન-9નો બૂસ્ટર ફરી થશે ઉપયોગમાં
રસપ્રદ વાત એ છે કે જે ફાલ્કન-9 રોકેટનો ઉપરનો ભાગ ચંદ્ર સાથે અથડાયો, તેનો નીચેનો રીયુઝેબલ બૂસ્ટર સફળતાપૂર્વક પૃથ્વી પર પરત આવ્યો હતો. SpaceX તેને ફરી ઉપયોગમાં લઈ રહી છે અને તે જ બૂસ્ટરને આગામી મિશનમાં ફરી લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
