Greater Noida Crime News: ગ્રેટર નોઇડાના હલ્દૌની ગામમાં 6 વર્ષની માસૂમ બાળકીની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. બાળકી 28 ઓગસ્ટે પોતાના ઘર નજીકથી અચાનક લાપતા થઈ ગઈ હતી. પરિવારજનોએ લાંબી શોધખોળ બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ઈકોટેક-3 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી બાળકીની શોધ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
CCTVથી મળ્યો મહત્વનો સુરાગ
પોલીસે હલ્દૌની ગામ અને આસપાસના રસ્તાઓના CCTV કેમેરાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ બાળકી સાથે જતો અને બાદમાં ખભા પર બોરી લઈને જતો હોવાનું ફૂટેજમાં જોવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીની ઓળખ બલરાજ તરીકે થઈ હતી. તે બાળકીના પરિવારને ઓળખતો હતો અને નજીકમાં જ રહેતો હતો. પોલીસ તપાસમાં એવો આરોપ છે કે તેણે બાળકીને ચોકલેટ અપાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો.
બોરીમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ
સ્થાનિક લોકો અને પોલીસની સંયુક્ત શોધખોળ દરમિયાન તળાવ નજીક ઝાડીઓમાંથી એક બોરી મળી હતી, જેમાં બાળકીનો મૃતદેહ હતો. પોલીસ અને FSLની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા હતા.
પોલીસનો પ્રાથમિક આરોપ છે કે બાળકીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને તેના શરીર પર છરીથી ઇજા પણ કરવામાં આવી હતી. જોકે બાળકી સાથે યૌન શોષણ થયું હતું કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ મેડિકલ અને ફોરેન્સિક રિપોર્ટ બાદ જ થશે. પરિવારજનોએ યૌન શોષણ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
આરોપીને પહેલા કસ્ટડીમાં લેવાયો
CCTV અને અન્ય પુરાવાના આધારે પોલીસ બલરાજ સુધી પહોંચી હતી અને તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યામાં વપરાયેલ છરી D-Park પોલીસ ચોકી નજીક ગ્રીન બેલ્ટ વિસ્તારમાં છુપાવી હોવાનું જણાવ્યું હતું.
હથિયાર રિકવરી દરમિયાન અથડામણ
પોલીસની ટીમ આરોપીને હથિયાર રિકવર કરવા સ્થળ પર લઈ ગઈ હતી. પોલીસના વર્ઝન મુજબ આરોપીએ ઝાડીઓમાંથી છરી કાઢ્યા બાદ ત્યાં અગાઉથી છુપાવેલી .32 બોરની પિસ્તોલ કાઢીને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગમાં ઈકોટેક-3 પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિ કુમાર ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં બલરાજને ગોળી વાગી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. સ્થળ પરથી પિસ્તોલ, ખાલી કારતૂસ અને જીવંત કારતૂસ મળ્યાનો પોલીસનો દાવો છે.
પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી
બાળકીનું પોસ્ટમોર્ટમ ડોક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું છે અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટથી બાળકીના મોતનું ચોક્કસ કારણ તેમજ યૌન શોષણ થયું હતું કે નહીં તે સ્પષ્ટ થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હલ્દૌનીમાં રોષ અને ભયનો માહોલ
ઘટના સામે આવ્યા બાદ હલ્દૌની ગામ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બાળકીનો મૃતદેહ ગામમાં પહોંચતાં પરિવારજનો અને સ્થાનિક લોકોએ કડક કાર્યવાહીની માંગ સાથે વિરોધ પણ કર્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં પોલીસ અને PACના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
પોલીસ હવે CCTV ફૂટેજ, ફોરેન્સિક પુરાવા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય સામગ્રીના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. સાથે જ આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
