Dailyhunt
ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં થશે ધરખમ ફેરફારો, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે

ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં થશે ધરખમ ફેરફારો, કોઈપણ વ્યક્તિ ખેડૂત બની શકશે

Hum Dekhenge News 2 years ago

મદાવાદ, 7 માર્ચ 2024, ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે.આ કાયદામાં કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે તેનો અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી ટુંક સમયમાં પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે તેવું સુત્રો જણાવી રહ્યાં છે. લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોતધારાના કાયદામાં આમુલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યાં છે.

જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રિમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે પણ તેની આવક પણ વધી જાય.

નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે
અત્યારે ગુજરાતમાં ગણોતધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગુંચવણો છે. તેનુ પ્રિમિયમ ભરવામાં પણ નાગરીકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે. ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે. જેમાં કુલ જમીનના જંત્રીના 35થી 40 ટકા જેટલુ સરકારને પ્રિમિયમ ભરવુ પડે. ત્યાર બાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈપણ વ્યક્તિને વેચી શકાય છે.

ગુજરાત સરકારે એક કમિટી પણ બનાવી છે
સરકારે ત્રણથી ચાર મહિના પહેલા જ નિવૃત્ત મહેસુલ સચિવ સી એલ મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી ફીડબેક લેવાઈ રહ્યો છે. હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે. કમિટીના સભ્યો જૂદા જૂદા કલેક્ટરો,જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટીંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યાં છે. કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજયોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોતધારાના કાયદાની જૂદી જૂદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે.

ગુજરાતમાં માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે
સચિવાલયના સૂત્રો જણાવે છે કે, એક મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે. કેન્દ્ર સરકારની લીલી જંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે.કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનુ બિલ લાવવુ પડશે. ઓર્ડિનન્સ પણ લાવી શકાય. અત્યારે સ્થિતિ એવી છે કે, જે પરિવારમાં દાદા-પિતા કે પર દાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે. જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી.

ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે
જાણકારો કહે છે કે, ગણોતધારોનો કાયદો દેશના અન્ય રાજ્યોમાં એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોતધારાનો કાયદો ખુબ જ સરળ છે. કોઈ મોટી ગુંચવણો નથી ઘણી છૂટછાટો મળે છે. ગુજરાતમાં જો ગણોતધારાના કાયદામાં ફેરફારો થશે તો ગુજરાતના જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉધોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉધોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે. જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ થશે. તેમજ ખેતીની જમીનનુ વેચાણ થયા બાદ તેના પર કોંક્રીટના જંગલો ઉભા થવાનુ જોખમ પણ ઉભુ થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News