Wether News: ગુજરાતમાં એક તરફ ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરીને ખેડૂતો અને નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે.
પશ્ચિમી વિક્ષેપ છે જે સાઉથ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના આસપાસ સર્જાયેલું છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાત પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન છે. આના પ્રભાવને કારણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે વધુ એક પશ્ચિમી વિક્ષેપ સાતમી એપ્રિલથી આવી શકે છે. જેની અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગમાં થઈ શકે છે. જેથી સાતમી એપ્રિલના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં હાલ તાપમાન નીચે આવી ગયું છે આ સાથે આગામી સાત દિવસ બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની પણ શક્યતા છે. આવું તાપમાન આગામી સાત દિવસ એટલે કે નવમી એપ્રિલ સુધી રહેવાની શક્યતા છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણ પુર, ખાંભલિયા, ઓખામંડલ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને તલાલા કચ્છના અંજાર, મુંદ્રા, ગાંધીધામ, જામનગરના લાલપુર, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં આજે વરસાદ વરસી ચૂક્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે તાપમાન 36 અને ગાંધીનગરનું તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે.
15 જિલ્લામાં વરસાદની આગાહી
કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં થન્ડરસ્ટ્રોમ અને લાઈટનિંગ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અનેક જગ્યાએ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે.
માવઠાની સૌથી વધુ અસર અહીં થશે
ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં માવઠાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અહીં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સરહદી જિલ્લા કચ્છમાં પણ કમોસમી વરસાદની વકી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 7 એપ્રિલે પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.
તાપમાનમાં ઘટાડો અને ગરમીથી રાહત
વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળશે, પરંતુ ડબલ ઋતુનો અનુભવ થવાથી આરોગ્ય પર તેની અસર પડી શકે છે.
ખેડૂતો માટે ચિંતાનો વિષય
ઉનાળુ પાકની કાપણી અને રવિ પાકના સંગ્રહના સમયે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરમાં પડેલો પાક પલળી જવાની ભીતિને કારણે ખેડૂતોને સાવચેત રહેવા અને પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી રહી છે. આગામી 48 કલાક ગુજરાત માટે મહત્ત્વના છે. વાતાવરણમાં આવતા આ પલટાને કારણે ગરમીમાં તો ઘટાડો થશે, પરંતુ કમોસમી વરસાદ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

