Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

IIT દિલ્હીમાં તણાવ વધ્યો, સૂત્રોચ્ચારને લઈને ડિરેક્ટરે વિદ્યાર્થીઓને આપી ચેતવણી

Hum Dekhenge News 2 weeks ago

Delhi : IIT દિલ્હીમાં 31 વર્ષીય એમ.એસસી. (M.Sc.)ના વિદ્યાર્થી ઋષિકેશ કુમારના મૃત્યુ બાદ ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે સંસ્થાના ડિરેક્ટર પ્રો. રંગન બેનર્જીએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને શિસ્તભંગના પગલાં (ડિસિપ્લિનરી એક્શન) લેવાની ચેતવણી આપી છે.

શુક્રવારે વિદ્યાર્થીઓને મોકલેલા સત્તાવાર સંદેશામાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે પ્રદર્શનની સ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી.

તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રદર્શનકારીઓના એક જૂથે રાત્રે 10:30 થી 12:30 વાગ્યા સુધી સંસ્થાના રહેણાંક (રેસિડેન્શિયલ) વિસ્તારમાં પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર દરમિયાન વાંધાજનક, અપમાનજનક અને ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

ડિરેક્ટરે ઉમેર્યું હતું કે ફેકલ્ટી નિવાસસ્થાન સામે આ પ્રકારનું પ્રદર્શન પ્રાધ્યાપકો અને તેમના પરિવારો, જેમાં નાના બાળકો અને વડીલો પણ સામેલ છે તેમની સુરક્ષા, ગોપનીયતા અને શાંતિપૂર્ણ જીવનને પ્રભાવિત કરે છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સંકુલની શાંતિપૂર્ણ કામગીરીમાં ખલેલ પહોંચાડનારા વ્યક્તિઓ સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. જેમાં રહેણાંક વિસ્તાર, વર્ગખંડો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસ્થાની અન્ય દૈનિક કામગીરીઓમાં વિક્ષેપ પાડવાનો સમાવેશ થાય છે.

પાંચમા દિવસે મધ્યરાત્રિ સુધી પ્રદર્શન

ઋષિકેશ કુમારના મોતના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન સતત પાંચમા દિવસે પણ ચાલુ રહ્યું હતું. ગુરુવારે રાત્રે વિદ્યાર્થીઓએ મધ્યરાત્રિ સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કેમ્પસના વિવિધ વિસ્તારોમાં કૂચ (માર્ચ) કાઢી હતી.

પ્રદર્શનકારીઓના હાથમાં “IIT દિલ્હીના વિદ્યાર્થીઓ ન્યાયની માંગ કરે છે: તપાસ, વળતર અને રાજીનામું” જેવા સંદેશા લખેલાં બેનરો હતાં. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સુરક્ષાકર્મીઓએ સંસ્થાના મુખ્ય ગેટ પર બેરિકેડિંગ પણ ગોઠવી દીધું હતું.

તપાસ સમિતિએ કામગીરી શરૂ કરી

ડિરેક્ટરે વિદ્યાર્થીઓને મોકલેલા સંદેશામાં સંસ્થા દ્વારા લેવાયેલા પગલાંની માહિતી પણ આપી હતી. તેમણે જણાવ્યું કે બાહ્ય તપાસ સમિતિએ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે.

આ સાથે જ ઋષિકેશના પરિવારને સંસ્થાના ‘બેનેવોલન્ટ ફંડ’માંથી આર્થિક સહાય આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને સ્ટાફના સ્વૈચ્છિક યોગદાનથી એક અલગ રાહત ફંડ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ટેન્ટમાં ડ્રેસિંગ રૂમ, 500 મીટર દૂર વોશરૂમ! BCCIએ વ્યક્ત કરી નારાજગી

તેમણે વધુમાં માહિતી આપી કે આગામી સપ્તાહમાં સ્વતંત્ર બાહ્ય લોકપાલ (Ombudsperson)ની નિમણૂક કરવામાં આવશે. ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, સંસ્થાનું વહીવટીતંત્ર વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને અન્ય વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છે અને તેમની ચિંતાઓને સમજવા માટે સદ્ભાવનાપૂર્ણ સંવાદ જાળવી રાખવામાં આવ્યો છે.

રાજકીય હસ્તક્ષેપ નથી, વિદ્યાર્થીઓનું પોતાનું આંદોલન છે

વિરોધ પ્રદર્શનને લઈને વિદ્યાર્થીઓએ બહારના તત્વો અને રાજકીય હસ્તક્ષેપના તમામ આક્ષેપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આ આંદોલન સંપૂર્ણપણે સામૂહિક અને લોકશાહી ઢબે ચાલી રહ્યું છે. તેમની મુખ્ય માંગણીઓમાં નિષ્પક્ષ તપાસ, યોગ્ય વળતર અને જવાબદારોનું રાજીનામું સામેલ છે. વિદ્યાર્થીઓએ વધુમાં ઉમેર્યું કે તેઓ હોસ્ટેલોમાં રૂબરૂ જઈને વિદ્યાર્થીઓને આ આંદોલનમાં જોડાવા અને સમર્થન આપવા માટે અપીલ કરી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News