Driverless car: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડ્રાઇવરલેસ એટલે કે ઓટો મોડમાં ચલાવવામાં આવી રહેલી કારના ટેસ્ટ દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. કારનો કંટ્રોલ અચાનક બગડતાં તે રસ્તાની બાજુમાં ઊભેલી પોલીસ વાન સાથે અથડાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
માહિતી મુજબ કારને ઇન્ટરનેટ અને સેટેલાઇટ કનેક્શન મારફતે દૂર બેઠેલા ઓપરેટર દ્વારા નિયંત્રિત કરવામાં આવી રહી હતી.
ટેસ્ટ દરમિયાન કનેક્શનમાં ખામી આવતા સ્ટિયરિંગ પરનો કંટ્રોલ ગુમાઈ ગયો અને કાર સીધી પોલીસ વાન તરફ વધી ગઈ.
ઇસ્લામાબાદના ડી-ચૌક વિસ્તારમાં ઘટના
આ ઘટના ઇસ્લામાબાદના ડી-ચૌક વિસ્તારમાં બની હતી. પાકિસ્તાની પત્રકાર મુહમ્મદ અલીજા કારની આગળની પેસેન્જર સીટ પર બેઠા હતા અને તેઓ કારની ટેક્નોલોજી તથા વિવિધ ફીચર્સ અંગે માહિતી આપી રહ્યા હતા.
શરૂઆતમાં કાર સામાન્ય રીતે આગળ વધી રહી હતી, પરંતુ થોડા સમય બાદ રિમોટ દ્વારા નિયંત્રિત સ્ટિયરિંગનો કાબૂ બગડી ગયો. કાર રસ્તાની બાજુમાં ઊભેલી પોલીસ વાન તરફ ઝડપથી આગળ વધવા લાગી.
હેન્ડબ્રેક ખેંચી, છતાં કાર અટકી નહીં
વાયરલ વીડિયોમાં પત્રકાર અલીજા કારને રોકવા માટે હેન્ડબ્રેક ખેંચવાનો પ્રયાસ કરતા પણ જોવા મળે છે. જોકે તેમની કોશિશ સફળ રહી નહોતી અને કાર અંતે પોલીસ વાન સાથે અથડાઈ ગઈ હતી.
અલીજાના જણાવ્યા મુજબ તેઓ એબટાબાદના ટેક્નોલોજી ઉત્સાહી એહસાન જફરના કહેવા પર આ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેક્નોલોજી અંગે રિપોર્ટિંગ કરી રહ્યા હતા.
ઇન્ટરનેટ કનેક્શન તૂટતાં સર્જાઈ ખામી
અલીજાએ જણાવ્યું કે ટેસ્ટની શરૂઆતમાં બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હતું, પરંતુ ઇન્ટરનેટ કનેક્શનમાં સમસ્યા સર્જાયા બાદ ટેક્નિકલ ખામી આવી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે કારને ઇન્ટરનેટ મારફતે રિમોટથી નિયંત્રિત કરવામાં આવી રહી હતી અને કનેક્શન ખોરવાતા કાર પરનો કંટ્રોલ જતો રહ્યો હતો. તેના કારણે વાહન બેકાબૂ બની ગયું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વ્યસ્ત રસ્તા પર હોત તો પરિણામ ગંભીર બની શકતું
ઘટના બાદ પત્રકાર અલીજાએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ યુવા ટેક્નોલોજી ઇનોવેટરને બદનામ કરવાનો નહોતો. પરંતુ નવી ટેક્નોલોજીનું પરીક્ષણ કરતી વખતે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો આવી જ ઘટના કોઈ વ્યસ્ત રસ્તા પર બની હોત તો પરિણામ અત્યંત ગંભીર અને જીવલેણ બની શકતું હતું.
સિસ્ટમ હજુ સંપૂર્ણ સુરક્ષિત નથી
અલીજાના જણાવ્યા મુજબ કારમાં ઉપયોગમાં લેવાયેલી ઓટોમેટેડ ડ્રાઇવિંગ સિસ્ટમ હજુ સંપૂર્ણપણે સુરક્ષિત અને વિશ્વસનીય નથી. ટેક્નોલોજીને જાહેર રસ્તા પર ઉપયોગમાં લેવા પહેલાં વધુ પરીક્ષણ અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે.
