Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ક્રૂડ ઓઇલ $100 ની નજીક પહોંચતા બળતણ મોંઘુ થવાના એંધાણ: જાણો તમારા ખિસ્સા પર કેટલો પડશે બોજ!

Hum Dekhenge News 2 weeks ago

Crude Oil Price Surge: છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કચા તેલ) ના ભાવમાં સતત અને તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. 28 ઓગસ્ટથી ગલ્ફ દેશોમાંથી આવતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 10% નો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે 2 સપ્ટેમ્બરના રોજ બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $97 ની નજીક પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં કિંમતો વધવા છતાં ભારતીય તેલ વિતરણ કંપનીઓ ( OMCs ) હાલ પૂરતું આ નુકસાન સહન કરી રહી છે.

જોકે, ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર $100 ને વટાવી જવાની આશંકા સેવાઈ રહી છે. જો આવું થશે તો આગામી દિવસોમાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.

થોડા જ દિવસોમાં ક્રૂડના ભાવમાં 10% નો ઉછાળો

2 સપ્ટેમ્બરના રોજ બપોરે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $97 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. છેલ્લા માત્ર બે દિવસમાં જ ભાવમાં $5 થી વધુનો વધારો થયો છે. 28 ઓગસ્ટથી સરખામણી કરીએ તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં $8 પ્રતિ બેરલ એટલે કે 10% થી વધુનો વધારો થઈ ચૂક્યો છે. આ અચાનક ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો લશ્કરી તણાવ અને મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. અગાઉ મે મહિનામાં જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 7.5 નો વધારો કર્યો હતો, ત્યારે ઈરાન યુદ્ધના કારણે ભારતીય ક્રૂડ બાસ્કેટનો સરેરાશ ભાવ $106.23 પ્રતિ બેરલ પહોંચી ગયો હતો.

કંપનીઓ કેટલો સમય બોજ સહન કરી શકશે?

મીડિયા રિપોર્ટ્સ અને આંકડાઓ અનુસાર, સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ) પ્રતિ બેરલ $85-90 ની રેન્જમાં ક્રૂડ ઓઇલના ભાવ હોય ત્યાં સુધી નુકસાન સહન કરીને ‘બ્રેક-ઇવન’ સ્તરે કામ કરી શકે છે. આ સ્તર સુધી કંપનીઓ રિટેલ ભાવ વધારવાનું ટાળે છે. પરંતુ જો ક્રૂડના ભાવ સતત $95-100 ની ઉપર રહેશે તો ઇંધણના ભાવ પર પુનર્વિચાર કરવો અનિવાર્ય બનશે. હાલમાં પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ પર નકારાત્મક માર્જિન પર કામ કરી રહી છે, છતાં પણ નજીકના ભવિષ્યમાં તાત્કાલિક ભાવ વધારાની શક્યતા ઓછી છે પરંતુ જો ભાવ અઠવાડિયા સુધી $100 થી ઉપર રહેશે તો ભાવ વધારો ઝીંકાય તેવી પૂરી શક્યતા છે.

ડીઝલના વેચાણ પર પ્રતિ લિટર રૂ. 15 નું નુકસાન

રેટિંગ એજન્સી ICRA ની ગણતરી મુજબ, તેલ કંપનીઓ હાલમાં પેટ્રોલના વેચાણ પર પ્રતિ લિટર રૂ. 5 નું માર્કેટિંગ માર્જિન મેળવી રહી છે, પરંતુ ડીઝલના વેચાણ પર તેમને પ્રતિ લિટર રૂ. 15 નું નકારાત્મક માર્કેટિંગ માર્જિન એટલે કે સીધું નુકસાન થઈ રહ્યું છે. ICRA ના જણાવ્યા અનુસાર, કંપનીઓ પોતાની રિફાઇનરીઓમાં ઉત્પાદિત ડીઝલ પર $85-90 ના લેવલ સુધી બ્રેક-ઇવન કરી શકે છે, પરંતુ સ્ટેન્ડઅલોન રિફાઇનરીઓમાંથી ખરીદેલા ડીઝલ પર તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ $90.19 હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે વધશે?

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, તેલ કંપનીઓ હાલમાં રિફાઇનિંગ ક્ષેત્રે સારા માર્જિન કમાઈ રહી હોવાથી $85-90 ના ક્રૂડ ભાવની અસર સહન કરી રહી છે. એક સમયે તેલ કંપનીઓનું દૈનિક નુકસાન રૂ. 1,000 કરોડ સુધી પહોંચી ગયું હતું, જે હાલ ઘટીને રૂ. 500 કરોડ થયું છે. પરંતુ જો ક્રૂડ ઓઇલ $95-100 થી ઉપર લાંબો સમય રહેશે, તો કંપનીઓ અનિવાર્યપણે ભાવ વધારો ગ્રાહકો પર ટ્રાન્સફર કરશે. હાલ કંપનીઓ “વેટ એન્ડ વોચ” ની નીતિ અપનાવી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગેસ સિલિન્ડર પર પણ આકરો ફટકો

પેટ્રોલ-ડીઝલ ઉપરાંત રસોઈ ગેસ (LPG) ના મોરચે પણ સ્થિતિ ચિંતાજનક છે. OMCs હાલમાં સ્થાનિક LPG સિલિન્ડરના વેચાણ પર પ્રતિ સિલિન્ડર ₹200 નું ભારે નુકસાન (અંડર-રિકવરી) ભોગવી રહી છે. 10 ઓગસ્ટ ના રોજ પેટ્રોલિયમ મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધીમાં સ્થાનિક LPG વેચાણ પર તેલ કંપનીઓનું કુલ નુકસાન ₹59,000 કરોડને વટાવી ગયું છે. સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2027 સુધી ₹52,000 કરોડનું વળતર આપવામાં આવ્યું છે, પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાના ભયથી આંતરરાષ્ટ્રીય ભાવ વધતા કંપનીઓ પર આર્થિક સંકટ ઘેરું બન્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News