Mohammad Shami favorite head coach Ravi Shastri: ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરના સૌથી ફેવરિટ ભારતીય હેડ કોચ તરીકે રવિ શાસ્ત્રીની પસંદગી કરી છે. શમીએ સ્પષ્ટ કહ્યું કે શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન તેમને મેદાન પર મુક્તપણે રમવાની અને પોતાની આક્રમક બોલિંગ દર્શાવવાની સંપૂર્ણ આઝાદી મળી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી પસંદગીકારોની યોજનાઓથી બહાર ચાલી રહેલા શમીને ટેસ્ટ, વનડે કે T20માંથી એકપણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. જોકે, તેમને આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફી ૨૦૨૬ માટે ઈસ્ટ ઝોનની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ગૌતમ ગંભીર અને અન્ય કોચ અંગે શમીએ શું કહ્યું?
એક મીડિયા ચેનલ સાથેની વાતચીત દરમિયાન શમીને તેમના આંતરરાષ્ટ્રીય કરિયરના ફેવરિટ હેડ કોચ વિશે પૂછવામાં આવ્યું હતું. જેમાં વિકલ્પ તરીકે ગૌતમ ગંભીર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજોના નામ હતા.
શમીએ જણાવ્યું કે, ગૌતમ ગંભીર સાથે તેમને વધુ સમય રમવાની તક મળી નથી, તેથી તેમની તુલના કરવી મુશ્કેલ છે. તેમણે કહ્યું: “સરખામણી કરવી થોડી મુશ્કેલ છે. હું ગૌતી ભાઈ સાથે વધુ રમ્યો નથી. રાહુલ ભાઈ અને અનિલ ભાઈ સાથે સારો સમય વિતાવ્યો છે, પરંતુ જો મારે કોઈ એક નામ પસંદ કરવાનું હોય તો હું રવિ ભાઈને પસંદ કરીશ. તેમણે ખેલાડીઓને પૂરી આઝાદી આપી. મેદાન પર જે આક્રમકતા ખેલાડીમાં દેખાય છે, તે તેમના કોચિંગ સ્ટાઈલમાં પણ જોવા મળતી હતી.”
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી સ્થાન મળ્યું નથી
મોહમ્મદ શમી છેલ્લે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારત માટે રમ્યા હતા. ત્યારબાદથી તેમને કોઈ પણ ફોર્મેટમાં ભારતીય ટીમમાં તક મળી નથી. હવે દુલીપ ટ્રોફીમાં તેમનું પ્રદર્શન ભારતીય ટીમમાં પુનરાગમન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
IPL 2026 માં કેવું રહ્યું પ્રદર્શન?
આઈપીએલ 2026 (IPL 2026) માં મોહમ્મદ શમી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમ્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદથી 10 કરોડ રૂપિયાની ટ્રેડ ડીલ દ્વારા LSG માં સામેલ થયેલા શમીએ 13 મેચોમાં 12 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેમનો ઈકોનોમી રેટ 9.85 અને બોલિંગ એવરેજ 32.83 રહી હતી. તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન 2/9 રહ્યું હતું, જે તેમણે પોતાની જૂની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે નોંધાવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
