Nepal Flood: નેપાળમાં આવેલા વિનાશક પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. 29 ઓગસ્ટના તાજા અપડેટ મુજબ નેપાળમાં મૃત્યુઆંક વધીને 626 થયો છે, જ્યારે સરહદપાર તિબેટમાં 7 લોકોના મોત નોંધાયા છે. નેપાળ અને તિબેટના પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજુ 2,500થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. મૃતકો અને લાપતા લોકોના આંકડા સતત બદલાઈ રહ્યા છે અને વધી રહ્યા છે.
320 ભારતીય નાગરિકો અંગે ચિંતા
અગાઉ જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા પ્રમાણે લાપતા લોકોમાં 320 ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. 28 ઓગસ્ટના આંકડા મુજબ નેપાળ અને તિબેટમાં કુલ 2,482 લોકો લાપતા હતા, જેમાં નેપાળમાં 1,924 અને તિબેટમાં 558 લોકોનો સમાવેશ થતો હતો. સ્થિતિ સતત બદલાતી હોવાથી લાપતા ભારતીયોની સંખ્યામાં પણ ફેરફાર થઈ શકે છે.
ભારતની 11 સભ્યોની ટીમ કાઠમંડુ પહોંચી
નેપાળ સરકારની વિનંતી બાદ ભારતે રાહત અને બચાવ કામગીરી માટે મદદ વધારી છે. તબીબી કર્મચારીઓ અને બચાવ નિષ્ણાતો સહિતની 11 સભ્યોની ભારતીય ટીમ કાઠમંડુ પહોંચી છે. ટીમને પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક તંત્રની મદદ માટે મોકલવામાં આવી રહી છે. ભારત અગાઉ પણ રાહત સામગ્રી નેપાળ મોકલી ચૂક્યું છે. નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે આ સંકટની ઘડીએ ભારત દ્વારા કરવામાં આવેલી મદદ માટે ભારત સરકાર અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો આભાર વ્યક્ત કર્યો છે.
ચિતવનમાં મળેલા 233 મૃતદેહોની ઓળખ મુશ્કેલ
પૂરની ભયાનકતા ચિતવન જિલ્લામાંથી સામે આવેલા આંકડાઓ પરથી સમજી શકાય છે. અહીંથી મળેલા 233 મૃતદેહોમાંથી માત્ર ચારની ઓળખ થઈ શકી હતી, જ્યારે બાકીના મૃતદેહો અને અવશેષોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. લાંબો સમય પાણીમાં રહેવાના કારણે ઓળખ પ્રક્રિયા વધુ મુશ્કેલ બની છે. NDRRMAના અપડેટ પ્રમાણે ચિતવન ઉપરાંત નાવલપરાસી ઈસ્ટ, નુવાકોટ, ગોરખા, નાવલપરાસી વેસ્ટ, ધાદિંગ, તનહું અને રસુવા સહિતના જિલ્લાઓમાંથી મૃતદેહો મળ્યા છે.
રસ્તા, પુલ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટને મોટું નુકસાન
26 ઓગસ્ટે આવેલા અચાનક પૂરે નેપાળ-તિબેટ સરહદ નજીકના વિસ્તારોને સૌથી વધારે અસર કરી છે. ભારે કાટમાળ અને પાણીના પ્રવાહે અનેક રસ્તાઓ, પુલો, મકાનો અને હાઇડ્રોપાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડ્યું છે. અનેક વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી જતાં બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે. પ્રાથમિક તપાસમાં હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર તૂટવાથી સર્જાયેલા પ્રચંડ જળપ્રવાહને આ વિનાશનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં બનેલા નવા ગ્લેશિયલ અથવા કુદરતી તળાવોને કારણે ફરીથી પૂર આવવાનું જોખમ પણ યથાવત્ છે. ખરાબ હવામાન અને મુશ્કેલ પહાડી ભૂગોળને કારણે કેટલાક વિસ્તારોમાં સર્ચ અને રેસ્ક્યૂ કામગીરી અસરગ્રસ્ત થઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બચી ગયેલા ભારતીય યાત્રીઓ વતન પરત ફર્યા
આ દરમિયાન નેપાળની આપત્તિમાંથી બચી ગયેલા તમિલનાડુના 21 યાત્રીઓ ચેન્નઈ પહોંચ્યા છે. તેઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયા હતા ત્યારે 26 ઓગસ્ટે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. એરપોર્ટ પર પરિવારજનો સાથે તેમના મિલનના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. રાહત-બચાવ કામગીરી હજુ ચાલુ છે અને હજારો પરિવારો પોતાના લાપતા સ્વજનોના સમાચારની રાહ જોઈ રહ્યા છે. નેપાળે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી ખાસ કરીને ટેક્નિકલ રેસ્ક્યૂ, સંપર્ક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને DNA ઓળખ જેવી કામગીરી માટે મદદ માગી છે.
નેપાળ-તિબેટમાં વધુ એક તળાવ તૂટ્યું! બિહારના ગંડક-કોસી બેરેજ પર હાઇ એલર્ટ
