PM Balen Shah:નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ભારત સહિત અનેક દેશોએ મોકલેલી તાત્કાલિક માનવતાવાદી સહાય બદલ નેપાળના વડાપ્રધાન બાલેન શાહે સંસદમાં આભાર વ્યક્ત કર્યો છે. શાહે ખાસ કરીને ભારત અને ચીન દ્વારા મોકલવામાં આવેલી રાહત સામગ્રી, ટેકનિકલ ટીમ અને બચાવ કામગીરીમાં મળેલી મદદનો ઉલ્લેખ કર્યો હતો.
પૂર બાદ ભારતે શરૂઆતના કલાકોથી જ નેપાળ સાથે સંકલન શરૂ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટે બાલેન શાહ સાથે ફોન પર વાત કરીને જાનહાનિ અંગે સંવેદના વ્યક્ત કરી હતી અને ભારત તરફથી શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી હતી. ભારતની ટીમો નેપાળના અધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરી માટે સંકલનમાં હોવાનું વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું.
સંસદમાં બાલેન શાહે શું કહ્યું?
નેપાળની સંસદના પ્રતિનિધિસભાને સંબોધતા વડાપ્રધાન શાહે જણાવ્યું કે દેશે અત્યંત ગંભીર અને અણધારી આપત્તિનો સામનો કર્યો છે. સરકારે શરૂઆતથી બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી અને આંતરરાષ્ટ્રીય સહયોગ પણ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે ઘટના અંગે માહિતી મળ્યા બાદ તાત્કાલિક બેઠકો બોલાવવામાં આવી, હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા અને ઈમરજન્સી રેસ્ક્યૂ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી. સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોના બચાવને પ્રાથમિકતા આપવામાં આવી હતી. બાલેન શાહે ભારત અને ચીન સહિત મદદ માટે આગળ આવેલા દેશોનો આભાર માનતા કહ્યું કે આટલા મોટા સંકટમાં આંતરરાષ્ટ્રીય સહયોગ સ્વીકારવો જરૂરી છે. ભારત અને ચીને ઝડપથી રાહત તથા ટેકનિકલ મદદ મોકલી હોવાનું પણ અહેવાલોમાં જણાવાયું છે.
1,100થી વધુનાં મોત, હજારો હજુ ગુમ
2 સપ્ટેમ્બરે નેપાળ પોલીસના આંકડા ટાંકતા અહેવાલ મુજબ પૂરમાં મૃત્યુઆંક 1,127 સુધી પહોંચી ગયો હતો. વડાપ્રધાન શાહે સંસદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી 11,993 લોકોને બચાવવામાં આવ્યા છે, જ્યારે 3,916 લોકો હજુ ગુમ છે.
આપત્તિનો સૌથી વધુ પ્રભાવ રસુવા અને નુવાકોટ સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો છે. 26 ઓગસ્ટે હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર અને ખડકોના વિશાળ ધસારા બાદ પાણી, બરફ અને કાટમાળની વિનાશક લહેર નીચેના વિસ્તારો તરફ ધસી આવી હોવાનું પ્રાથમિક વૈજ્ઞાનિક વિશ્લેષણમાં સામે આવ્યું છે. રસ્તા, બ્રિજ, વસાહતો અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટને વ્યાપક નુકસાન થયું છે.
ભારતે પ્રથમ દિવસથી મોકલી રાહત સામગ્રી
ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર 26 ઓગસ્ટે જ ભારત તરફથી 10 ટન માનવતાવાદી સહાય નેપાળને સોંપવામાં આવી હતી. બીજા દિવસે 37.5 ટન HADR સામગ્રી, દવાઓ અને ખાદ્યસામગ્રીનો બીજો જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ ભારતે અનેક તબક્કામાં રાહત સામગ્રી મોકલવાનું ચાલુ રાખ્યું હતું.
ભારતે મૃતકોની ઓળખમાં પણ નેપાળને મદદ કરી છે. નેપાળના આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગ અને DNA મેનેજમેન્ટ માટે લેબોરેટરી સપોર્ટમાં ભારત સહયોગ આપી રહ્યું છે. ભારતીય દૂતાવાસે મૃતદેહોની ઓળખ અને તેમને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયામાં DNA અને ફોરેન્સિક સેમ્પલ સહિતની કાર્યવાહી અંગે પણ માર્ગદર્શન જાહેર કર્યું છે.
હાઇડ્રોપાવર ટનલોમાં રેસ્ક્યૂ મોટો પડકાર
પૂર સમયે અનેક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટના કર્મચારીઓ ટનલોમાં ફસાયા હોવાની આશંકા છે. બાલેન શાહે સંસદમાં જણાવ્યું કે આવી ટનલોમાં સામાન્ય બચાવ કામગીરી શક્ય નથી અને તેના માટે ખાસ ટેકનિકલ જાણકારી તથા સાધનો જરૂરી છે. નેપાળની સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઉપરાંત ભારત, ચીન સહિતના દેશોની વિશેષ ટીમો પણ શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. ખાસ કરીને હાઇડ્રોપાવર સાઇટ અને કાટમાળથી ઢંકાયેલા વિસ્તારોમાં હજુ મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યું છે.
11 લાખ લોકોને એલર્ટ મોકલ્યાનો સરકારનો દાવો
પૂર અંગે લોકોને સમયસર ચેતવણી ન આપવાના આરોપોનો જવાબ આપતા નેપાળ સરકારે કહ્યું છે કે જોખમની જાણ થતાં મોટા પાયે મોબાઇલ એલર્ટ અને અન્ય માધ્યમોથી નાગરિકોને માહિતી પહોંચાડવામાં આવી હતી. વડાપ્રધાન શાહે રાજ્ય અને સ્થાનિક તંત્ર વચ્ચે સંકલનના અભાવના આરોપોને પણ નકાર્યા અને કહ્યું કે સરકારના વિવિધ સ્તર સતત સંપર્કમાં રહીને રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. વિનાશક પૂર બાદ હવે નેપાળ માટે ગુમ થયેલા લોકોની શોધ, મૃતકોની ઓળખ, વિસ્થાપિત પરિવારોનું પુનર્વસન અને તૂટી ગયેલા બ્રિજ-રસ્તા તથા વીજ પ્રોજેક્ટનું પુનઃનિર્માણ સૌથી મોટો પડકાર બની રહ્યો છે.
કેમ્પાની સફળતા બાદ રિલાયન્સની નવી આઈસ્ક્રીમ લોન્ચ, ઘણી કંપનીઓ ચિંતિત
