Devastation after avalanche in Nepal: નેપાળમાં બુધવારે હિમસ્ખલનને કારણે આવેલા અચાનક પૂર બાદ વૈજ્ઞાનિકો ઘટનાની વિગતોની તપાસ કરી રહ્યા છે. જોકે, પ્રાથમિક રીતે આ ઘટના 2021માં ઉત્તરાખંડના ચમોલીમાં બનેલી દુર્ઘટના જેવી હોવાનું જણાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે નેપાળની ઘટનાની અસર અને ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં થયેલો વિનાશ ચમોલી કરતાં પણ વધુ ગંભીર છે.
IIT ઇન્દોરના એસોસિયેટ પ્રોફેસર અને કાઠમંડુ સ્થિત ICIMODના ક્રાયોસ્ફિયર ગ્રુપના વડા ફારૂક આઝમે જણાવ્યું હતું કે નેપાળની ઘટના ચમોલી દુર્ઘટના જેવી લાગે છે, પરંતુ ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં તેની અસર અને થયેલા વિનાશને જોતા તે 2013ની કેદારનાથ દુર્ઘટના સાથે પણ સરખાવી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચમોલી અને કેદારનાથની ઘટનાઓમાં શું તફાવત હતો?
ચમોલી અને કેદારનાથ બંને ઘટનાઓએ પર્વતીય વિસ્તારોમાં મોટા પાયે નુકસાન કર્યું હતું, પરંતુ બંને પાછળની પ્રક્રિયા અલગ હતી.
2013ની કેદારનાથ દુર્ઘટના મુખ્યત્વે GLOF એટલે કે Glacial Lake Outburst Flood સાથે જોડાયેલી હતી. ગ્લેશિયરના અંતે બનેલું તળાવ તેની સીમા તોડે અથવા ઓવરફ્લો થાય ત્યારે અચાનક મોટી માત્રામાં પાણી નીચેની તરફ ધસી આવે છે. તેને કારણે નદીઓમાં અચાનક પાણીનું પ્રમાણ વધી જાય છે અને ફ્લેશ ફ્લડ સર્જાઈ શકે છે.
બીજી તરફ, 2021ની ચમોલી દુર્ઘટનામાં બરફ અને ખડકોનો વિશાળ હિમસ્ખલન થયો હતો. ગ્લેશિયરનો મોટો બરફનો ભાગ તૂટીને ઢોળાવ તરફ નીચે પડતાં આ ઘટના સર્જાઈ હતી. તેના કારણે પર્વતીય નદીઓમાં અચાનક ભારે પ્રવાહ આવ્યો અને downstream વિસ્તારોમાં વિનાશ સર્જાયો.
નેપાળની ઘટના સાથે સમાનતા શું છે?
નેપાળમાં બનેલી તાજેતરની ઘટના પણ હિમસ્ખલનથી શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. આ દૃષ્ટિએ તે 2021ની ચમોલી ઘટનાની યાદ અપાવે છે. જોકે, તેની અસર વધુ વિશાળ હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.
આ પ્રકારની ઘટનાઓમાં પર્વતીય વિસ્તારોમાં બરફ, ખડકો અને પાણીનો અચાનક મોટો પ્રવાહ નદીઓમાં પ્રવેશી શકે છે. પરિણામે નદીના પ્રવાહમાં ઝડપથી વધારો થાય છે અને નીચેના વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.
વૈજ્ઞાનિકો હાલમાં ઘટનાની ચોક્કસ પ્રક્રિયા, તેની તીવ્રતા અને ડાઉન સ્ટ્રીમ વિસ્તારો પર પડેલી અસર અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હિમાલય જેવા સંવેદનશીલ પર્વતીય વિસ્તારમાં આવી કુદરતી ઘટનાઓનું જોખમ અને તેની સંભવિત અસરને સમજવા માટે આ તપાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
