Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નેપાળમાં મહાવિનાશ: મૃત્યુઆંક 788 થયો, 2500થી વધુ લાપતા

Hum Dekhenge News 3 weeks ago

Nepal Floods: નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ સ્થિતિ હજુ પણ ગંભીર છે. બચાવ અને શોધખોળ દરમિયાન સતત મૃતદેહો મળી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધીને 788 પર પહોંચી ગયો છે. બીજી તરફ 2,502 લોકો હજુ પણ લાપતા હોવાનું નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)ના આંકડાઓમાં સામે આવ્યું છે. અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 9,500 લોકોને બચાવવામાં આવ્યા છે.

ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધ્યું

26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરે ઉત્તર અને મધ્ય નેપાળના અનેક વિસ્તારોને તબાહ કરી નાખ્યા હતા. હવે ભોટેકોશી નદીનું જળસ્તર ફરી વધતાં તંત્રની ચિંતા વધી છે. NDRRMAએ રાસુવા, નુવાકોટ, ધાદિંગ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમજ બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

નદીના ઉપરવાસમાં કુદરતી રીતે બનેલા અવરોધ અને સરોવરો તૂટવાની શક્યતા હોવાના કારણે ફરી અચાનક મોટું પૂર આવી શકે તેવી આશંકા છે. તેથી નદીકાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

બરફ અને ખડકો ધસી પડતાં સર્જાયો વિનાશ

પ્રાથમિક માહિતી પ્રમાણે નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને ખડકોનો વિશાળ જથ્થો ધસી પડવા અથવા ગ્લેશિયર કોલેપ્સ જેવી ઘટનાને કારણે અચાનક પૂર આવ્યું હતું. ભોટેકોશી અને ત્યારબાદ ત્રિશૂલી નદીમાં આવેલા પ્રચંડ પ્રવાહે ગામો, મકાનો, વાહનો, રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન પહોંચાડ્યું.

પૂરના કારણે અનેક હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પણ અસરગ્રસ્ત થયા છે અને વિવિધ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા સેંકડો કર્મચારીઓ હજુ લાપતા છે.

તિબેટમાં 16નાં મોત, 500થી વધુ લાપતા

વિનાશની અસર માત્ર નેપાળ સુધી મર્યાદિત રહી નથી. ચીનના તિબેટ વિસ્તારમાં પણ પૂરથી ભારે જાનહાનિ થઈ છે. ઉપલબ્ધ અહેવાલો પ્રમાણે ત્યાં 16 લોકોનાં મોત થયા છે, જ્યારે 546 લોકો હજુ લાપતા છે. લાપતા લોકોમાં અનેક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

લાપતા લોકોમાં 591 વિદેશી

નેપાળમાં લાપતા 2,502 લોકોમાં 591 જેટલા વિદેશી નાગરિકો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ભારત સહિત અમેરિકા, ચીન, રશિયા, બ્રિટન, સ્પેન, જર્મની, ઇટાલી અને અન્ય દેશોના પ્રવાસીઓ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા હતા.

ભારતના વિદેશ મંત્રાલયેપણ નેપાળમાં ફસાયેલા અને સંપર્કવિહોણા ભારતીયોની શોધ માટે નેપાળી તંત્ર સાથે સંકલન વધાર્યું છે. ભારત તરફથી રાહત સામગ્રી સાથે ટેક્નિકલ અને ફોરેન્સિક ટીમો પણ નેપાળ મોકલવામાં આવી છે.

મૃતદેહોની ઓળખ સૌથી મોટો પડકાર

આ ભયાનક દુર્ઘટના બાદ નેપાળના હોસ્પિટલોમાં પોતાના લાપતા સ્વજનોની શોધમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ઘણા મૃતદેહો લાંબા સમય સુધી પાણી અને કાટમાળમાં રહેવાને કારણે અત્યંત ખરાબ હાલતમાં મળ્યા છે, જેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે અનેક અજાણ્યા મૃતદેહોમાંથી DNA નમૂના લેવામાં આવ્યા છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ કેટલાક મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે, જેથી બાદમાં DNA મેચિંગ દ્વારા તેમના પરિવારજનો સુધી ઓળખ પહોંચાડી શકાય. ભારતમાંથી DNA વિશ્લેષણમાં નિષ્ણાત ફોરેન્સિક ટીમ પણ નેપાળ પહોંચી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હજુ ટળ્યું નથી સંકટ

એક તરફ હજારો લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ બીજી તરફ હજારો લોકો હજુ પોતાના પરિવારજનોની રાહ જોઈ રહ્યા છે. ખરાબ હવામાન, તૂટેલા રસ્તા-પુલ અને ફરી પૂર આવવાની આશંકાને કારણે બચાવ કામગીરી અત્યંત પડકારજનક બની છે.

નેપાળ સરકારે હજારો સુરક્ષાકર્મીઓને રાહત અને બચાવ કામગીરીમાં ઉતાર્યા છે. હેલિકોપ્ટર દ્વારા દૂરના વિસ્તારોમાં ખાદ્યસામગ્રી અને જરૂરી વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. હાલ સમગ્ર દેશની નજર લાપતા લોકોની શોધ અને ભોટેકોશી નદીની સ્થિતિ પર ટકી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News