Nepal: નેપાળમાં પૂરના કારણે સર્જાયેલી ભયાનક તારાજી બાદ રાહત અને બચાવ કામગીરી શુક્રવારે પણ સતત ચાલુ રહી છે. ભારતે પાડોશી દેશનો ધર્મ નિભાવતા નેપાળને સતત મદદ મોકલી છે. હવે ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે કે નેપાળમાં ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ નેપાળમાં ગુમ થયેલા લોકો, NDRF અને રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી આપી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રેસ્ક્યૂ ટીમ મોકલવાની તૈયારી
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું- “તમે જાણો છો કે તાજેતરની આપત્તિ બાદ ભારતે નેપાળને અત્યાર સુધી કેટલી માનવતાવાદી સહાય પહોંચાડી છે. હજુ પણ વધુ સહાય મોકલવામાં આવી રહી છે. રાહત સામગ્રી લઈને બે વિમાન રવાના થઈ ચૂક્યા છે અને રાહત સામગ્રીનો ત્રીજો જથ્થો આજે સાંજે રવાના થવાની શક્યતા છે. નેપાળની વિનંતી પર, અમે એક ટનલ રેસ્ક્યૂ ટીમ મોકલવાની તૈયારી કરી રહ્યા છીએ. આ માટે પહેલા એક રેકી (નિરીક્ષણ) ટીમ મોકલવામાં આવી રહી છે, જેથી જરૂરી ઉપકરણો વગેરેનું આકલન કરી શકાય. એક મેડિકલ ટીમ પણ મોકલવામાં આવી રહી છે. આ ઉપરાંત, અમે બેઈલી બ્રિજ (Baily Bridge) અને તેની ટેકનિકલ ટીમો મોકલવાની પણ ઓફર કરી છે, જેથી નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપર્ક વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય.”
બચાવાયેલા લોકોની વાપસીની વ્યવસ્થા ચાલુ
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું- “નેપાળમાં એક બેઈલી બ્રિજ પહેલાથી જ ઉપલબ્ધ છે અને તેનો ઉપયોગ રાહત કામગીરીમાં કરી શકાય છે. આ ઉપરાંત, અમે નેપાળના અધિકારીઓને NDRF ની ટીમો અને તેમનાં ઉપકરણો મોકલવાનો પણ વિશેષ પ્રસ્તાવ મૂક્યો છે. આ ટીમો ચાલી રહેલી શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરી શકે છે અને આપત્તિથી પ્રભાવિત લોકો સુધી રાહત પહોંચાડી શકે છે. અમે આ બાબતે નેપાળ સરકારના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છીએ. જ્યાં સુધી ગુમ થયેલા કે ફસાયેલા ભારતીયોનો સવાલ છે, ભારત સરકાર અત્યાર સુધી બચાવાયેલા લોકોની વતન વાપસીની વ્યવસ્થા કરી રહી છે. નેપાળના અધિકારીઓને અન્ય કોઈપણ સહાયની જરૂર પડશે તો અમે તે પૂરી પાડવા માટે તૈયાર છીએ.” તમને જણાવી દઈએ કે નેપાળમાં સર્જાયેલી તારાજીથી પ્રભાવિત લોકોની મદદ માટે ઈન્ડિયા ટીવીએ પણ એક હેલ્પલાઈન ઈ-મેલ જારી કર્યો છે. તેમાં ગુમ થયેલા પરિજનોની તસવીરો શેર કરી શકાય છે.
બચાવાયેલા નાગરિકો અંગે પણ અપડેટ
સામે આવેલી વિગતો અનુસાર, 21 ભારતીય નાગરિકો જે ગુરુવારે કાઠમંડુ પહોંચ્યા હતા, તેઓ હવે દિલ્હી પહોંચી ગયા છે. ત્રિશૂલી પાવર પ્રોજેક્ટમાં ફસાયેલા ૬૩ ભારતીય નાગરિકોને પણ બચાવી લેવામાં આવ્યા છે. ફસાયેલા ૯૩ ભારતીયો સુરક્ષિત રીતે ચીનની સરહદ પાર કરીને સડક માર્ગે નેપાળ પહોંચી ગયા છે. ભારતીય મૂળના 100 લોકો સાથે હજુ સંપર્ક થઈ શક્યો નથી; આ એવા લોકો છે જેમની પાસે અન્ય દેશનું નાગરિકત્વ છે. બીજી તરફ, ચીન તરફ ફસાયેલા આશરે 400 ભારતીય નાગરિકો સુરક્ષિત છે. તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમના પરિજનોએ પણ સરકારનો સંપર્ક કર્યો છે.
