Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

નેપાળના પૂરમાં વહેતી તિજોરીમાંથી 92 લાખ ઉડાવ્યા, મૃત મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી પણ ચોરી

Nepal Flood:નેપાળ વિનાશક પૂરની ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. એક તરફ લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે અને રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ આફત વચ્ચે માનવતાને શરમાવે તેવી ઘટનાઓ સામે આવી છે. પૂરના પાણીમાં વહેતી આવેલી રોકડ ભરેલી તિજોરી તોડીને લાખો રૂપિયા લઈ જવાના મામલે પોલીસે 29 લોકોને પકડી પાડ્યા છે. બીજી ઘટનામાં પૂરમાં મૃત્યુ પામેલી મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ચોરવાના આરોપમાં બે લોકો ઝડપાયા છે.

આમ બંને કેસમાં કુલ 31 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પૂરમાં વહેતી તિજોરી નદી કિનારે પહોંચી

અહેવાલ મુજબ રસુવાના ભોટેકોશી વિસ્તારમાંથી પૂરના પ્રચંડ પ્રવાહમાં એક ભારે તિજોરી તણાઈ ગઈ હતી. બાદમાં આ તિજોરી ધાદિંગ જિલ્લાના ગલ્છી ગ્રામ્ય નગરપાલિકા-4ના બેલખુખોલા વિસ્તારમાં ત્રિશૂલી નદી નજીક મળી આવી હતી. સ્થાનિક લોકોએ તિજોરી તોડીને તેમાં રહેલી રોકડ કાઢી લીધી હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતી મળતાં જ ધાદિંગ પોલીસે તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન 29 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને તેમની પાસેથી કુલ 92,68,505 નેપાળી રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ હવે આ તિજોરી અને તેમાં રહેલી રકમ ક્યાંથી આવી હતી તેમજ આ ઘટનામાં અન્ય લોકો સામેલ હતા કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. પકડાયેલા લોકોમાં મોટાભાગના ગલ્છી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે કેટલાક લોકો ધાદિંગમાં રહેતા અન્ય જિલ્લાઓના હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

મૃત મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ચોરી

આ વચ્ચે બીજી વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. નારાયણી નદીમાં પૂરના પ્રવાહમાં તણાઈ આવેલી એક મહિલાના મૃતદેહમાંથી બે વ્યક્તિઓએ સોનાની બુટ્ટી કાઢી લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોના આધારે પોલીસે બંને વ્યક્તિઓની ઓળખ કરી તેમને કસ્ટડીમાં લીધા હતા. વાયરલ વીડિયોમાં મૃતદેહને પાણીમાંથી બહાર કાઢતી વખતે સોનાની બુટ્ટી કાઢવામાં આવતી હોવાનું દેખાયું હતું. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી.

પૂરની તબાહી વચ્ચે ગુનાખોરી સામે પણ પોલીસ સતર્ક

નેપાળમાં હાલ પૂરને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે અને હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. આવા સંજોગોમાં રાહત-બચાવ કામગીરીની સાથે લૂંટ અને ચોરી જેવી ઘટનાઓને રોકવી પણ સુરક્ષા એજન્સીઓ માટે પડકાર બની રહી છે. તિજોરીમાંથી રોકડ લઈ જવાનો કેસ અને મૃતદેહ પરથી ઘરેણાં ચોરવાની ઘટનાએ આફત વચ્ચે માનવતા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Nepal Flood: વધી રહ્યો છે મોતનો આંકડો, અત્યાર સુધી 626ના મોત, ભારતે ટીમ મોકલી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News