Nepal Rasuwa flash floods: એક પૂરના પાણી ઓસરતાં નથી ત્યાં જ આગામી ભયની ચિંતા શરૂ થઈ જાય છે. નેપાળનું રસુવા ક્ષેત્ર છેલ્લા 5 વર્ષમાં પાંચ મોટા પૂરનો સામનો કરી ચૂક્યું છે. આખરે હિમાલયનો આ વિસ્તાર વારંવાર આવી તબાહીના નિશાના પર કેમ આવે છે? નેપાળનો રસુવા જિલ્લો ફરી એકવાર ભયાનક પૂરની ચપેટમાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
26 ઓગસ્ટે અહીં અચાનક આવેલી પૂરની હોનારતે ભારે નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ રસુવામાં આવું પૂર પહેલા પણ અનેક વખત આવી ચૂક્યું છે. નેપાળની નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા મુજબ, 2022 થી 2026 વચ્ચે રસુવામાં ઓછામાં ઓછા પાંચ મોટા પૂર આવ્યા છે. 2025માં આવેલા બે પૂર દરમિયાન ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા.
રસુવામાં વારંવાર કેમ આવે છે પૂર?
રસુવામાં વારંવાર પૂર આવવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. આ વિસ્તાર નેપાળ-ચીન સરહદ નજીક ઊંચા પહાડોમાં વસેલો છે. ઉપર પહાડો અને હિમનદીઓ (ગ્લેશિયર્સ) પરથી પાણી નીચે તરફ આવે છે. પરંતુ અહીં પહાડો વચ્ચે ખુલ્લી સમતલ જમીન ખૂબ જ ઓછી છે. તેથી પાણીને ફેલાવવા કે તેનો પ્રવાહ ધીમો પડવા માટે પૂરતી જગ્યા મળતી નથી. પાણી અત્યંત ઝડપથી નીચે આવે છે અને રસ્તામાં આવતા ગામડાઓ, રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચાડે છે.
સાઈબર ફ્રોડના કેસ વધતા લેવાયો મોટો નિર્ણયઃ હવે એક લાખથી ઓછી રકમમાં પણ ઈ-એફઆઈઆર થશે
2023માં ભોટેકોશી નદીમાં પાણીનું સ્તર બે વાર અચાનક વધી ગયું હતું. પહેલીવાર 3 જૂન અને બીજીવાર 13 જુલાઈએ પૂર આવ્યું હતું. ત્યારબાદ 25 ઓગસ્ટ 2024ના રોજ કેરુંગ નદીની એક નાની શાખામાં પૂર આવ્યું. આ બંને વર્ષોમાં લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ ખસેડી લેવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી.
પરંતુ 2025નું પૂર વધુ ખતરનાક સાબિત થયું. 8 અને 30 જુલાઈએ લ્હેંદે-ભોટેકોશી નદીમાં ભયાનક પૂર આવ્યું. આ બંને ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા. 8 જુલાઈના પૂર વખતે તિબ્બતના પ્યોરપુ ગ્લેશિયર પાસે બનેલી એક સરોવરમાંથી અચાનક મોટા પ્રમાણમાં પાણી બહાર ધસી આવ્યું હતું. આ સ્થળ નેપાળ-ચીન સરહદથી લગભગ 35 કિલોમીટર ઉપર તરફ આવેલું છે. આ પાણી તીવ્ર ઝડપે નીચે આવ્યું અને માર્ગમાં ભારે તારાજી સર્જી.
પહાડો વચ્ચે ઘેરાયેલું છે રસુવા
રસુવાના તિમુરે, રસુવાગઢી અને સ્યાફ્રુબેસી જેવા વિસ્તારો પહાડોની વચ્ચે આવેલા છે. અહીં સમતલ જમીન નહિવત છે. જ્યારે ઉપરથી પુષ્કળ પાણી નીચે આવે છે, ત્યારે તે સાંકડી જગ્યાઓમાંથી થઈને તીવ્ર ઝડપે આગળ વધે છે. પાણીને ફેલાવવાની જગ્યા ન મળવાને કારણે તેની તાકાત ઓછી થતી નથી અને નીચાણવાળા વિસ્તારોમાં નુકસાન વધી જાય છે. નદીની આસપાસ હવે રસ્તાઓ, પુલ, મકાનો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પણ બની ગયા છે. જ્યારે અચાનક નદીનું પાણી વધે છે, ત્યારે આ તમામ નિર્માણો પૂરની ચપેટમાં આવી જાય છે.
ઝડપથી પીગળી રહ્યા છે ગ્લેશિયર્સ
હિમાલય ક્ષેત્રમાં વધી રહેલી ગરમી પણ આ ભયમાં વધારો કરી રહી છે. ICIMOD ના 2026ના રિપોર્ટ મુજબ, વર્ષ 2000 પછી ગ્લેશિયર્સ પીગળવાની ઝડપ લગભગ બમણી થઈ ગઈ છે. છેલ્લા 50 વર્ષમાં આશરે 89 ટકા ગ્લેશિયર્સે બરફ ગુમાવ્યો છે. એટલે કે ગ્લેશિયર્સ જેટલો બરફ જમા કરે છે, તેના કરતાં વધુ બરફ પીગળી રહ્યો છે.
ગ્લેશિયર્સ પીગળવાથી તેમની પાસે બનેલા તળાવોમાં પાણીનું સ્તર વધે છે. જો આ તળાવની પાળ કે દીવાલ તૂટી જાય તો અચાનક વિપુલ પ્રમાણમાં પાણી નીચે ધસી આવે છે. જેને ‘ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ’ (GLOF) કહેવામાં આવે છે. આવું પૂર ખૂબ જ ઓછા સમયમાં નીચાણવાળા વિસ્તારો સુધી પહોંચીને ભારે તબાહી મચાવે છે.
આગામી સમયમાં શું કરવું જરૂરી?
નિષ્ણાતોનું કહેવું છે કે પૂર આવ્યા પછી માત્ર તૂટેલા રસ્તાઓ અને પુલોનું પુનઃનિર્માણ કરી દેવું પૂરતું નથી. ગામડાંઓ, રસ્તાઓ અને અન્ય મોટા પ્રોજેક્ટ્સ ક્યાં બનાવવામાં આવી રહ્યા છે તેનું યોગ્ય પ્લાનિંગ કરવું જરૂરી છે. ગ્લેશિયર્સના ઝડપી પીગળવા વચ્ચે રસુવા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં અગાઉથી ખતરાની જાણકારી મેળવવી (Early Warning System) અનિવાર્ય છે. જો લોકોને સમયસર ચેતવણી મળે અને નદીના કાંઠે મોટા બાંધકામો અટકાવવામાં આવે, તો પૂરથી થતા નુકસાનને ઘણું અંશે ઘટાડી શકાય છે.
CJP પ્રદર્શન કેસમાં દેશના પાંચ રાજ્યોમાં નોંધાયેલી તમામ FIR રદ, સુપ્રીમનો મોટો નિર્ણય
