Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

પાસપોર્ટ વેરિફિકેશનમાં મોટો સુધારો: હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે

Hum Dekhenge News 2 weeks ago

મદાવાદ: નાગરિકો માટે પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયાને વધુ સરળ અને નાગરિક-મૈત્રીપૂર્ણ બનાવવા રાજ્ય પોલીસ વડાએ મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનોને સ્પષ્ટ સૂચના આપી છે કે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે બિનજરૂરી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી. હવે અરજદારને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની પણ જરૂર રહેશે નહીં.

શું બદલાયું છે પ્રક્રિયામાં?

પાસપોર્ટ વેરિફિકેશનની વહીવટી પ્રક્રિયામાં કેટલાક મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા (Citizenship) અને તેનો કોઈ ગુનાઈત પૂર્વ ઇતિહાસ (Criminal Record) છે કે નહીં, તે બાબતની જ ચકાસણી કરવાની રહેશે. પોલીસે અરજદારના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ પ્રક્રિયા દરમિયાન અરજદારને રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની પણ જરૂરી નથી.

જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ કર્મચારીએ અરજદારના રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે, આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવી શકાશે નહીં.

કડક પાલનની સૂચના અને નાગરિકોને અપીલ

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને આ નવા દિશા-નિર્દેશોનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સુધારેલી સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયા કે ગેરસમજમાં ન પડે.

2011નો પરિપત્ર અને વારંવાર આદેશની ચર્ચા

આશ્ચર્યની વાત એ છે કે આ પહેલાં 2011માં પણ તત્કાલીન ગુજરાત પોલીસ વડાએ અરજદારોને રૂબરૂ નહીં બોલાવવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં રાજ્ય પોલીસ વડાને ફરી આદેશ આપવો પડ્યો છે. આ પ્રકારના વારંવાર આદેશોને પગલે લોકમુખે ચર્ચા થઈ રહી છે કે આખરે પોલીસ વડાએ વારંવાર આવા આદેશ કેમ આપવા પડે છે!

આ સુધારાથી પાસપોર્ટ અરજદારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. હવે નાગરિકોને બિનજરૂરી મુસાફરી અને સમયનો વ્યય કરવો નહીં પડે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News