Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ફોર્બ્સ 'બેસ્ટ અંડર અ બિલિયન' યાદી જાહેર: ભારતે વિશ્વમંચ પર ફરી બતાવ્યો પોતાનો દબદબો

Hum Dekhenge News 2 weeks ago

Forbes Asia Best Under A Billion 2026: ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારોમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે પણ એશિયા-પેસિફિક ક્ષેત્રની નાની અને મધ્યમ કદની કંપનીઓએ અદભુત નાણાકીય પ્રદર્શન કર્યું છે. ફોર્બ્સ એશિયા દ્વારા પ્રતિષ્ઠિત 'બેસ્ટ અંડર અ બિલિયન' યાદીની 25મી આવૃત્તિ જાહેર કરવામાં આવી છે. વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારતીય ઉદ્યોગોએ આ યાદીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

પાછલા વર્ષોની જેમ આ વખતે પણ ચીન 28 કંપનીઓ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે ભારત 27 કંપનીઓ સાથે સમગ્ર એશિયામાં બીજા ક્રમે મજબૂત સ્થિતિમાં છે.

AI અને ટેક ક્ષેત્રનો વધતો દબદબો

આ વર્ષની યાદીમાં એશિયા-પેસિફિક ક્ષેત્રની 19,000 થી વધુ લિસ્ટેડ કંપનીઓમાંથી કડક માપદંડોના આધારે શ્રેષ્ઠ 200 લિસ્ટેડ કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં એવી જ કંપનીઓને સ્થાન મળ્યું છે જેમનું વાર્ષિક વેચાણ $10 મિલિયનથી $1 બિલિયન વચ્ચે છે. હાલમાં સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સેમિકન્ડક્ટર અને અદ્યતન ટેકનોલોજીની જે તેજી ચાલી રહી છે, તેનો લાભ લેનારી કંપનીઓનો આ યાદીમાં પ્રભાવ જોવા મળે છે. કુલ પાત્ર કંપનીઓમાંથી 25% કંપનીઓ સેમિકન્ડક્ટર સાધનો, ઇલેક્ટ્રોનિક ઘટકો અને સૉફ્ટવેર ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે સેવાઓ આપતી કંપનીઓ પણ ઝડપથી આગળ વધી રહી છે.

જાપાન અને તાઇવાનને પાછળ છોડ્યા

ભારત 27 કંપનીઓ સાથે યાદીમાં બીજા ક્રમે છે. જોકે, અગાઉના વર્ષ 2024 અને વર્ષ 2023 માં ભારતની 30-30 કંપનીઓ આ યાદીમાં સામેલ હતી, જેની સરખામણીએ આ વખતે ભારતીય કંપનીઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. તેમ છતાં ભારત ચીન પછી બીજા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આ યાદીમાં જાપાન અને તાઇવાનની 22-22 કંપનીઓ સામેલ છે, જ્યારે મલેશિયાની કંપનીઓની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ જેવા દેશોની 5 થી પણ ઓછી કંપનીઓ આ યાદીમાં સ્થાન મેળવી શકી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ક્ષેત્રોમાં જોવા મળી તેજી

ફોર્બ્સ દ્વારા પસંદ કરવામાં આવેલી ભારતીય કંપનીઓમાં ટેકનોલોજી, ઊર્જા, એન્જિનિયરિંગ અને કેમિકલ ક્ષેત્રના અગ્રણી નામોનો સમાવેશ થાય છે. જેમાં એક્યુટાસ કેમિકલ્સ, અદ્વૈત એનર્જી ટ્રાન્ઝિશન, AGI ઇન્ફ્રા, ઓરિયનપ્રો સોલ્યુશન્સ, આઝાદ એન્જિનિયરિંગ, BSE, CCL પ્રોડક્ટ્સ, આઇનોક્સ ઇન્ડિયા, ગ્રેવિટા ઇન્ડિયા, ઇક્લાર્ક્સ સર્વિસિસ, બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝ, બેંકો પ્રોડક્ટ્સ, નેટવેબ ટેક્નોલોજીસ ઇન્ડિયા, મનોરમા ઇન્ડસ્ટ્રીઝ અને NGL ફાઇન કેમ જેવી અગ્રણી ભારતીય કંપનીઓ સામેલ છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર આ કંપનીઓની પસંદગી માત્ર આવક આધારિત નથી, પરંતુ કંપનીઓ પરનું દેવું, શેર દીઠ 1 અને 3 વર્ષની કમાણી વૃદ્ધિ અને ઇક્વિટી પર 1 અને 5 વર્ષનું વળતર જેવા કડક નાણાકીય માપદંડોના આધારે કરવામાં આવી છે.

ઇન્ફોસિસ અને વિપ્રોના નકશેકદમ પર

ફોર્બ્સના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે ભૂતકાળમાં જે કંપનીઓ આ યાદીનો હિસ્સો હતી, તે આગળ જતાં વૈશ્વિક સ્તરે દિગ્ગજ કંપનીઓ બની ગઈ છે. ભારતની ઇન્ફોસિસ, વિપ્રો અને બાયોકોન જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ એક સમયે આ જ યાદીમાં સ્થાન પામી હતી. આ બાબત સાબિત કરે છે કે આજના ‘બેસ્ટ અંડર અ બિલિયન’ લિસ્ટમાં સામેલ ભારતીય નાની અને મધ્યમ કદની કંપનીઓમાં ભવિષ્યમાં ગ્લોબલ ગાયન્ટ બનવાની સંપૂર્ણ ક્ષમતા છે. આ કંપનીઓ આગામી સમયમાં દેશના મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને નિકાસ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News