Rajkot Murder Case: એક સમયનું શાંત અને સલામત ગણાતું રંગીલું રાજકોટ શહેર હાલ ગુનાખોરીના વિષચક્રમાં હોમાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના પુરાવારૂપે છેલ્લા 22 દિવસમાં જ 6 લોકોની હત્યાના બનાવો સામે આવ્યા છે. તાજેતરમાં જલારામ ચોકથી ભક્તિનગર સર્કલ રોડ પર આવેલા ધર્મજીવન એપાર્ટમેન્ટ પાસે બનેલી ખૂની હુમલાની ઘટનામાં એક યુવકનું કરુણ મોત થતાં આ મામલો હત્યામાં પલટાયો છે.
કારમાંથી બહાર બોલાવી આડેધડ છરીના 7 ઘા ઝીંક્યા
સહકાર મેઈન રોડ પર રહેતા અનુપસિંહ વાઘેલા (ઉ.વ. 70) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત શનિવાર, 1 ઓગસ્ટ 2026 ના રોજ બપોરે તેમનો ભત્રીજો ધર્મેન્દ્રસિંહ વાઘેલા અન્ય એક શખ્સ સાથે મળી તેમના પુત્ર ઘનશ્યામસિંહની શોધખોળ કરી રહ્યો હતો. સાંજે 6:00 વાગ્યાના સુમારે ધર્મજીવન એપાર્ટમેન્ટ સામે કારમાં બેઠેલા ઘનશ્યામસિંહને આરોપીએ બહાર બોલાવી, “આજે તો તને પતાવી જ દેવો છે” તેમ કહી છરીના આડેધડ 6 થી 7 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામસિંહનું ગોકુલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મધ્યરાત્રિએ 12:30 વાગ્યે મોત નીપજ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લીંબડી હાઈ-વે પરથી ફિલ્મી ઢબે આરોપીની અટકાયત
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ભક્તિનગર પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હુમલો કર્યા બાદ મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રથમ અમદાવાદ અને ત્યાંથી પરત લીંબડી તરફ ભાગી છૂટ્યો હતો. જોકે, ભક્તિનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં લીંબડી હાઈવે પરથી તેની અટકાયત કરી લીધી હતી. આ ગુનામાં તેને મદદ કરનાર અન્ય એક અજાણ્યા શખ્સની શોધખોળ હાલ ચાલુ છે.
અદાવત અને આડા સંબંધોનો ખૌફનાક અંત
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતક અને આરોપી સગા પિતરાઈ ભાઈઓ થાય છે. આરોપીના જણાવ્યા મુજબ, તેમની વચ્ચે જૂની અદાવત અને આડા સંબંધોને લઈને મનદુઃખ ચાલતું હતું. મૃતક ઘનશ્યામસિંહ છેલ્લા 2 વર્ષથી તેમને ધમકી આપતો હતો અને ઘટનાના આગલા દિવસે જ તેણે આરોપીને 40 થી 50 મિસ્ડ કોલ કર્યા હતા. “ઘનશ્યામસિંહ મારી હત્યા કરી નાખશે” તેવી દહેશતમાં આવી જઈને ધર્મેન્દ્રસિંહે સામો હુમલો કરી પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી છે.
