Bilpower Loan Scam: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે આચરવામાં આવેલા કરોડો રૂપિયાના લોન ફ્રોડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની મુંબઈ ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બિલપાવર લિમિટેડ કંપની અને તેના સંચાલકો સાથે સંકળાયેલા મુંબઈ અને વડોદરાના 7 રહેણાંક તેમજ કોમર્શિયલ સ્થળો સહિત કુલ 10 પ્રિમાઇસીસ પર એકસાથે દરોડા પાડ્યા હતા.
આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ED એ ₹43.90 લાખની રોકડ રકમ અને ₹12.20 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. આ ઉપરાંત 2 બેંક ખાતાઓ ફ્રીઝ કરીને 3 બેંક લોકર પણ સીલ કરી દેવામાં આવ્યા છે.
મની લોન્ડરિંગ હેઠળ ED એ શિકંજો કસ્યો
આ સમગ્ર કૌભાંડમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર ફરિયાદના આધારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) નવી દિલ્હી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ CBI દ્વારા 30 સપ્ટેમ્બર 2024 ના રોજ બિલપાવર લિમિટેડ, તેના ડિરેક્ટરો અને સહયોગી કંપનીઓ સામે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ અને ગુનાહિત કાવતરાના પુરાવાઓને આધારે ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ગુનો નોંધીને કંપનીના આર્થિક વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
બોગસ કંપનીઓ મારફતે ₹160.55 કરોડનું બેંક ફ્રોડ
ED ના અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રાન્સફોર્મર લેમિનેશન અને કોર ઉત્પાદન ક્ષેત્રે કામ કરતી બિલપાવર લિમિટેડે SBI પાસેથી કરોડો રૂપિયાની વિવિધ લોન અને ક્રેડિટ સુવિધાઓ મેળવી હતી. પરંતુ કંપનીએ આ રકમનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે કરવાને બદલે નાણાંનું ડાયવર્ઝન કર્યું હતું. આ ગેરરીતિના કારણે બેંકને આશરે ₹160.55 કરોડનું ભારે નાણાકીય નુકસાન થયું હતું. કંપનીનું આ લોન એકાઉન્ટ 18 એપ્રિલ 2012 ના રોજ એનપીએ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શેલ કંપનીઓનું મોટું નેટવર્ક પકડાયું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે લોનના નાણાંનું રાઉન્ડ-ટ્રિપિંગ કરવા માટે અનેક શેલ (બોગસ) કંપનીઓનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું. લેટર ઓફ ક્રેડિટ (LC) મેળવવા માટે શંકાસ્પદ અને બોગસ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદે નાણાકીય વ્યવહારોનું સંચાલન રાજેન્દ્રકુમાર ચૌધરી, સુરેશકુમાર ચૌધરી અને નરેશકુમાર ચૌધરી દ્વારા કરવામાં આવતું હતું. દરોડા દરમિયાન ED એ જમીન, મિલકતો, મશીનરીના દસ્તાવેજો અને ડિજિટલ સાધનો જપ્ત કરી ઓગસ્ટ 2026 માં વધુ તપાસ તેજ કરી છે.
