AI features: સ્માર્ટફોન માર્કેટમાં ગ્રાહકોની પસંદગી હવે ઝડપથી બદલાઈ રહી છે. લોકો હવે માત્ર મેગાપિક્સેલ કે રેમ (RAM) જોઈને ફોન ખરીદતા નથી. એમેઝોન ઇન્ડિયાના 'બેસ્ટ ઇન ટેક સર્વે'માં એક મોટો ખુલાસો થયો છે. સર્વે અનુસાર, 82 ટકા ગ્રાહકોનો નવો ફોન ખરીદવાનો નિર્ણય હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર્સ પર નિર્ભર કરે છે. જુલાઈ 2026માં હાથ ધરાયેલા આ સર્વેમાં 40 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
સર્વે પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે AI હવે મોબાઇલ બજાર માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે. જોકે લોકો માત્ર નામના AI ફીચર્સ નહીં, પરંતુ રોજીંદા જીવનમાં ઉપયોગી બને તેવા ફીચર્સની માંગ કરી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોન્ટેક્સ્ચ્યુઅલ આસિસ્ટન્સની સૌથી વધુ માંગ
82% ગ્રાહકો AI ફીચર્સને ધ્યાનમાં રાખીને નવો સ્માર્ટફોન ખરીદી રહ્યા છે.
25% ગ્રાહકો ‘કોન્ટેક્સ્ચ્યુઅલ આસિસ્ટન્સ’ (Contextual Assistance) ફીચરની સૌથી વધુ માંગ કરી રહ્યા છે. આ ફીચર યુઝરની જરૂરિયાતો સમજીને આપમેળે સૂચનો આપે છે, જેમ કે સ્ક્રીન પર કંઈક સર્ચ કરવું કે મેસેજનો સ્માર્ટ રિપ્લાય સૂચવવો.
18% લોકો જનરેટિવ ફોટો એડિટિંગ (Generative Photo Editing) ફીચર પસંદ કરે છે.
17% ગ્રાહકો માટે વિઝ્યુઅલ સર્ચ (Visual Search) પ્રાથમિક પસંદગી છે.
11% લોકો એડેપ્ટિવ બેટરી મેનેજમેન્ટ (Adaptive Battery Management) ઇચ્છે છે.
આ આંકડાઓ દર્શાવે છે કે આધુનિક AI યુગમાં પણ સ્માર્ટફોનની બેટરી લાઇફ ગ્રાહકો માટે હજુ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
પરફોર્મન્સ આગળ બધું જ ઝાંખું
ભલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો હોય, પરંતુ મૂળભૂત ફીચર્સનું મહત્વ જરાય ઘટ્યું નથી. આજે પણ 87 ટકા ગ્રાહકો સ્માર્ટફોનના ‘પરફોર્મન્સ’ને સૌથી મહત્વપૂર્ણ પરિબળ માને છે. ત્યારબાદ 79 ટકા લોકો બેટરી લાઇફને અને 77 ટકા ગ્રાહકો કેમેરા ક્વોલિટીને ધ્યાનમાં રાખીને ફોન ખરીદે છે.
ગ્રાહકોની સૌથી મોટી ફરિયાદ પણ બેટરી લાઇફને લઈને જ જોવા મળી છે, જ્યાં 22 ટકા યુઝર્સ પોતાના હાલના ફોનની બેટરીથી પરેશાન છે. આ સિવાય કેમેરા ક્વોલિટી અને પરફોર્મન્સને લગતી ફરિયાદો પણ સામે આવી છે.
પ્રીમિયમ સ્માર્ટફોનનો વધતો ક્રેઝ
સર્વેક્ષણમાં એક રસપ્રદ બાબત સામે આવી છે કે દર ત્રણમાંથી એક ગ્રાહક પોતાના આગામી ફોન માટે ₹50,000થી વધુ ખર્ચ કરવા તૈયાર છે:
15% લોકો ₹50,000 થી ₹75,000 વચ્ચેની કિંમતનો ફોન ખરીદવા માંગે છે.
17% ગ્રાહકો ₹75,000થી વધુનું બજેટ ધરાવે છે.
42% ગ્રાહકો સાથે ₹25,000 થી ₹50,000ની સેગમેન્ટ સૌથી વધુ લોકપ્રિય છે.
માત્ર 7% ગ્રાહકો જ હવે ₹15,000થી ઓછી કિંમતના ફોન ખરીદવામાં રસ ધરાવે છે.
નાના શહેરોમાં મોંઘા ફોનની માંગ
લોકો હવે વારંવાર ઝડપથી ફોન બદલતા નથી; 54 ટકા ગ્રાહકો પોતાનો મોબાઇલ બે વર્ષ કે તેથી વધુ સમય સુધી વાપરે છે. તે જ સમયે, 48 ટકા લોકો આગામી ત્રણ મહિનામાં પોતાનો ફોન અપગ્રેડ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સૌથી ચોંકાવનારો આંકડો નાના શહેરોમાંથી સામે આવ્યો છે. ₹75,000થી વધુ કિંમતના પ્રીમિયમ ફોન ખરીદનારાઓમાં મેટ્રો શહેરોનો હિસ્સો 18 ટકા છે, જ્યારે તેની સામે ટિયર-2 શહેરોમાંથી 17 ટકા અને ટિયર-3 શહેરોમાંથી 15 ટકા લોકો આવા મોંઘા સ્માર્ટફોન ખરીદવામાં રસ દાખવી રહ્યા છે.
