Dailyhunt
Surat: ગુજરાતીઓને 'અભણ' કહેતા મલ્લિકાર્જુન ખડગે સામે સુરતમાં ભાજપે મોઢે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

Surat: ગુજરાતીઓને 'અભણ' કહેતા મલ્લિકાર્જુન ખડગે સામે સુરતમાં ભાજપે મોઢે કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

Surat News: ગુજરાતની અસ્મિતા અને રાજ્યના સાડા છ કરોડ નાગરિકોના સન્માન મુદ્દે ફરી એકવાર રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળની એક ચૂંટણી સભામાં ગુજરાતીઓને 'અભણ' ગણાવતા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ નિવેદનના વિરોધમાં આજે સુરતના અડાજન વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્રમક અને અનોખું મૌન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ

સુરતના અડાજન વિસ્તારમાં આજે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શનની ખાસ વાત એ હતી કે તમામ કાર્યકરોએ પોતાના મોઢા પર કાળી પટ્ટી બાંધી હતી. આ મૌન પ્રદર્શન દ્વારા ભાજપે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા હવે સહનશીલતાની સીમા વટાવી ગઈ છે. ભાજપના કાર્યકરોએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા, જેમાં “અમે ગુજરાતીઓ અભણ નથી” અને “કોંગ્રેસ માફી માંગે” જેવા લખાણો મુખ્ય હતા.

શું હતું ખડગેનું વિવાદાસ્પદ નિવેદન?

તાજેતરમાં કેરળના ઈડુક્કીમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે યોજાયેલી એક જનસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “કેરળના લોકો સુશિક્ષિત અને સમજદાર છે, એટલે તેમને કોઈ ભ્રમિત કરી શકતું નથી. જ્યારે ગુજરાતમાં લોકો અભણ છે, તેથી વડાપ્રધાન મોદી તેમને સરળતાથી મૂર્ખ બનાવી શકે છે.” આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ગુજરાતીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

ગાંધી-સરદારનું અપમાન

ભાજપના નેતાઓએ આ નિવેદનને માત્ર રાજકીય નિવેદન નહીં પરંતુ ગુજરાતની ઓળખ અને અસ્મિતા પરના પ્રહાર સમાન ગણાવ્યું છે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા નેતાઓએ જણાવ્યું કે, ગુજરાત એ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન વિભૂતિઓની ભૂમિ છે. કોંગ્રેસે વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવાની માનસિકતા કેળવી છે, જે હવે ગુજરાતની જનતા ચલાવી લેશે નહીં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગુજરાત સરકારમાં ક્લાસ-1 અને 2 અધિકારી બનવાની સુવર્ણ તક, જાણો સંપૂર્ણ માહિતી

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News