Surat Drug Accused Escapes Police Custody: સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓને ચકમો આપીને ₹5 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલો એક આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આરોપીએ પેટમાં દુખાવો અને કબ્જિયાત હોવાનું નાટક કરીને શૌચાલયની બારીના કાચ તોડીને ભાગવાનો આખો પ્લાન ઘડ્યો હતો. જોકે, ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે સઘન નાકાબંધી કરીને આરોપીને 19 કિમી દૂર કડોદરા પાસેથી ફરી ઝડપી પાડ્યો હતો.
કબ્જિયાતના નામે દવાની માગણી
ઉત્રાણ સ્થિત રાધે રેસિડેન્સીમાં રહેતો અને મૂળ જૂનાગઢના વિસાવદરનો 29 વર્ષીય આરોપી કેતન મનસુખ પટેલ NDPS એક્ટ હેઠળના ગુનામાં ₹5 લાખના ડ્રગ્સ સાથે પકડાયા બાદ રિમાન્ડ હેઠળ હતો. વહેલી સવારે આશરે 05:15 વાગ્યે તેણે કબ્જિયાત અને ગભરામણ થતી હોવાનું બહાનુ કાઢી પત્ની આપી ગયેલી દવા માગી હતી. પોલીસે માનવતા દાખવી તેને દવા આપીને શૌચાલયમાં જવાની છૂટ આપી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બારીના કાચ તોડી અંધારામાં થયો ગાયબ
શૌચાલયમાં ગયા બાદ આરોપી કેતને અંદરથી દરવાજો બંધ કરી નળ ચાલુ કરી દીધો હતો. થોડી જ વારમાં કાચ તૂટવાનો અવાજ આવતાં બહાર ઊભેલા પોલીસ કર્મચારીઓ સતર્ક થઈ ગયા હતા. દરવાજો ન ખૂલતાં પોલીસે પાછળ જઈને જોયું તો આરોપી શૌચાલયની પાછળની બારીના કાચ તોડી, સરકારી મિલકતને નુકસાન પહોંચાડીને પાછળની દીવાલ પરથી અંધારામાં ફરાર થઈ ચૂક્યો હતો.
19 કિમી દૂર કડોદરા ચાર રસ્તા પાસેથી ફરી દબોચાયો
બનાવ અંગેની જાણ થતાં જ પી.આઈ. એચ.આર. ગોસ્વામી અને તેમની ટીમે શહેરમાં તમામ એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકાબંધી ગોઠવી દીધી હતી. સર્વેલન્સ ટેકનોલોજી અને બાતમીદારોની મદદથી પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઉત્રાણ પોલીસ સ્ટેશનથી 19 કિમી દૂર કડોદરા ચાર રસ્તા પાસેથી આરોપીને ઘેરીને ઝડપી પાડ્યો હતો.
કાયદેસરની કડક કાર્યવાહી શરૂ
ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 262, 324 (3) તથા પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ નવો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
