Surat Online Dating App Fraud: સુરતમાં ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી પૈસા અને મોબાઈલ ફોન લૂંટી લેતી એક શાતિર ગેંગને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીના સભ્યો 'રાજ' નામનું ફેક આઈડી બનાવીને અજાણ્યા યુવકો સાથે મિત્રતા કેળવતા હતા. ત્યારબાદ તેમને મળવાના બહાને વરાછાની એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બોલાવીને ઢોર માર મારી લૂંટ ચલાવતા હતા.
પોલીસે તપાસ દરમિયાન આ ગેંગે છેલ્લા 15 દિવસમાં 3 લોકોને નિશાન બનાવ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
ફ્રૂટની લારી ચલાવતા યુવકને ડેટિંગ એપ પર મિત્રતા પડી મોંઘી
સુરતના લિંબાયત વિસ્તારમાં ફ્રૂટની લારી ચલાવતા એક યુવકે થોડા દિવસો અગાઉ ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. એપ પર ‘રાજ’ નામના આઈડી પરથી તેની સાથે ચેટિંગ શરૂ થયું હતું. મિત્રતા વધતાં ‘રાજે’ યુવકને 28 જૂનના રોજ વરાછા ખાતે મળવા માટે બોલાવ્યો હતો. યુવક બપોરના સમયે વરાછા પહોંચતાં ‘રાજ’ તેને ઓરેન્જ પાર્ક સ્થિત એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં લઈ ગયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રોકડ, મોબાઈલ અને Google Pay થી રકમ લૂંટી
બિલ્ડિંગમાં પહોંચતા જ ત્યાં અગાઉથી સંતાઈને બેઠેલા અન્ય બે શખસોએ યુવક પર અચાનક હુમલો કરી દીધો હતો. ત્રણેય જણાએ યુવકને ઢોર માર મારી તેના ખિસ્સામાંથી રોકડ રકમ અને મોબાઈલ ફોન આંચકી લીધા હતા. આટલેથી ન અટકતાં, આરોપીઓએ ધમકાવીને યુવકના ફોનમાંથી 1,000 રૂપિયા Google Pay મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને દબોચ્યા
લૂંટ ચલાવ્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. શરૂઆતમાં બદનામી અને ડરના કારણે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ પરિવારજનોએ હિંમત આપતાં આખરે વરાછા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સુશાંત ઉર્ફે આકાશ વર્મા (21), સોમરાજ ગામેતી (21) અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની ધરપકડ કરી છે.
અન્ય ભોગ બનેલા યુવકો અંગે તપાસ શરૂ
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ પહેલા પણ તેમણે બે યુવકોને આ જ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં બોલાવી લૂંટી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મોબાઈલ અને રોકડ રકમ કબ્જે કરી છે. આ ગેંગે અન્ય કોઈ વ્યક્તિને નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
