Dailyhunt
ઉદ્યોગપતિઓને રાહત તો સામાન્ય નાગરિકોને નોટિસ, સરકારની વિરોધાભાસી નીતિ પર ઉઠ્યા સવાલ

ઉદ્યોગપતિઓને રાહત તો સામાન્ય નાગરિકોને નોટિસ, સરકારની વિરોધાભાસી નીતિ પર ઉઠ્યા સવાલ

Common man issues: આજે દેશમાં એક એવી વિરોધાભાસી અને અસમાન વ્યવસ્થા દેખાઈ રહી છે, જે સામાન્ય માણસ માટે પ્રશ્નો ઊભા કરે છે. જો કોઈ નાના વેપારી, ખેડૂત કે સામાન્ય વ્યક્તિ હજારો રૂપિયાની લોન ચૂકવી શકતો નથી, તો તેને નોટિસ અને જેલની ધમકીઓ મળે છે. પરંતુ જ્યારે મોટા કોર્પોરેટ હાઉસ લાખો કરોડોની લોન લઈને ચૂકવતા નથી, ત્યારે બેંકો તેને 'રાઇટ-ઓફ' કરી દે છે, એટલે કે તે લોનને પોતાના હિસાબી પુસ્તકોમાંથી દૂર કરી દેવામાં આવે છે.

આથી બેંકની બેલેન્સ શીટ સાફ દેખાય છે અને નવી લોન આપવાની જગ્યા પણ બની જાય છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓને રાહત મળી જાય છે. આ અસમાનતા આજે ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ, બેરોજગાર યુવાનો અને ગરીબ વર્ગની જીવનશૈલીને સીધી અસર કરી રહી છે.

સરકારી આંકડા મુજબ, છેલ્લા 10 વર્ષમાં સૂચિત વ્યાપારી બેંકોએ 16.35 લાખ કરોડ રૂપિયાની લોન “બેડ લોન્સ” તરીકે જાહેર કરી છે, એવી લોન જે પાછી વસૂલ થવાની શક્યતા ઓછી હોય અને બેંક માટે ખોટ ગણાય. તેમાં લગભગ 85% લોન મોટા કોર્પોરેટ હાઉસને આપવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, કોર્પોરેટ ક્ષેત્રના 9.87 લાખ કરોડ રૂપિયા બેંકોએ “રાઇટ-ઓફ” કરી દીધા છે, જ્યારે ખેતી અને સંલગ્ન ક્ષેત્રોને માત્ર 1.67 લાખ કરોડ રૂપિયાની જ રાહત મળી છે. બેંકો કહે છે કે “રાઇટ-ઓફ”નો અર્થ લોન માફ કરવી નથી, બેક વસુલાત કરી શકે છે. પરંતુ હકીકતમાં વસુલાતનો દર માત્ર 15-16% જેટલો જ છે. એટલે મોટાભાગની રકમ પાછી આવતી જ નથી, અને આ નુકસાન આખરે સામાન્ય લોકોના ટેક્સ પૈસે ભરપાઈ કરવુ પડે છે.

કરોડો ખેડુુત પરિવારો દેવાના બોજ નીચે

હવે ખેડૂતોની સ્થિતિ પર નજર કરીએ તો ચિત્ર વધુ ચિંતાજનક લાગે છે. છેલ્લા ઘણા વર્ષોથી કેન્દ્ર સરકાર તરફથી દેશવ્યાપી કોઈ મોટી ખેડૂત લોન માફી જાહેર કરવામાં આવી નથી. રાજ્ય સરકારો ક્યારેક પોતાના સ્તરે થોડી રાહત આપે છે, પરંતુ તે અપૂરતી અને અસ્થાયી સાબિત થાય છે. દેશમાં કરોડો કૃષિ પરિવારો દેવાના બોજ નીચે જીવી રહ્યા છે. માર્ચ 2025 સુધીમાં ખેતી અને સંલગ્ન ક્ષેત્રો પર 28.50 લાખ કરોડ રૂપિયાથી વધુનું ઔપચારિક દેવું (બેંક લોન) ઊભું છે. ખેડૂતોને બેંકો તરફથી વારંવાર નોટિસ મળે છે, અને દેવું ચૂકવી ન શકવાના કારણે આત્મહત્યાના બનાવો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

વધી રહ્યો છે બેરોજગારીનો દર

આ અન્યાય માત્ર ખેડૂતો સુધી મર્યાદિત નથી રહ્યો. લાખો બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ, મજૂર વર્ગ, મધ્યમ વર્ગ, નોકરીયાત લોકો, નવા ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ અને પેન્શનરો પણ આ વ્યવસ્થાનો ભોગ બની રહ્યા છે. યુવાનોમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે, જેમાં શિક્ષિત અને શહેરી યુવાનોને વધુ તકલીફ પડે છે. તેઓ લાંબા સમય સુધી નોકરીની શોધમાં રહે છે, છતાં વિકાસના ફાયદા તેમના સુધી પહોંચતા જ નથી.

નાના વેપારીઓ અને MSME ક્ષેત્રની સ્થિતિ પણ ચિંતાજનક છે. લાખો નાના દુકાનદારો અને માઈક્રો એન્ટરપ્રાઇઝને લોન તો મળે છે, પરંતુ જો એક-બે હપ્તા ચૂકવવામાં વિલંબ થાય, તો તરત નોટિસ અને કડક કાર્યવાહીનો સામનો કરવો પડે છે. વધતા વ્યાજ અને દેવાના બોજને કારણે ઘણા નાના વ્યવસાયો બંધ થવાની કગાર પર આવી ગયા છે.

મજૂરો અને ગરીબો તો આ અસમાનતાનો સૌથી વધુ ભોગ બન્યા છે. એક તરફ મોટી કોર્પોરેટ કંપનીઓની હજારો-લાખો કરોડની લોન રાઇટ-ઓફ કરીને માફ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ અન્નદાતા ખેડૂતો, બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ અને ગરીબ મજૂરોને માત્ર નોટિસ, વ્યાજનો બોજ અને અનિશ્ચિતતાનો ભાર સહન કરવો પડે છે. આ જ અસમાનતા આજે દેશના સામાન્ય માણસને સતાવી રહી છે

ટ્રેડ ડિલમાં ખડુતોને અન્યાય

આ અન્યાય હવે અમેરિકા સાથેના વેપાર કરારમાં પણ દેખાઈ રહ્યો છે. 2026ના ઇન્ટરિમ ટ્રેડ ડીલમાં અમેરિકાના સબસિડીવાળા કોર્ન, સોયાબીન ઓઇલ, ડીડીજીએસ અને અન્ય કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે આથી સ્થાનિક બજારમાં કિંમતો ઘટશે અને તેમની આવક પર અસર પડશે. વિવિધ રાજ્યોમાં આ મુદ્દે વિરોધ પણ જોવા મળી રહ્યા છે. વેપાર મંત્રી કહે છે કે ખેડૂતો સુરક્ષિત છે, પણ ખેડૂતો માને છે કે આ ડીલ અમેરિકાના હિતમાં છે.

આ માત્ર લોનનો મુદ્દો નથી. નાના વેપારીઓ GST અને ડિજિટલ વ્યવસ્થાના બોજ તળે કચડાઈ રહ્યા છે. મજૂરોને કાયમી રોજગાર મળતો નથી, યુવાનોમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે અને ગરીબ વર્ગ મોંઘવારીથી પીડાઈ રહ્યો છે. એક તરફ કોર્પોરેટ્સને ઇલેક્ટોરલ બોન્ડ્સ અને લોન વેઇવર્સની સુવિધા, તો બીજી તરફ સામાન્ય માણસને માત્ર વચનો અને નોટિસ મળે છે.

આજે જરૂર છે કે આ વ્યવસ્થામાં બદલાવ લાવવામાં આવે. જ્યારે ખેડૂત દેશનો અન્નદાતા છે, ત્યારે તેની સાથે અન્યાય કેમ? જ્યારે નાના વેપારીઓ અને મજૂરો દેશની અર્થવ્યવસ્થાના આધારસ્તંભ છે, ત્યારે તેમની અવગણના કેમ? સાચો વિકાસ તો એને કહેવાય, જે ગરીબ અને સામાન્ય માણસને સાથે લઈને આગળ વધે ના કે માત્ર મોટા ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News