Dailyhunt
Vadodara: ભયંકર વાવાઝોડા સાથે માવઠું, APMCમાં વૃક્ષો ધરાશાયી અને ખેતીને વ્યાપક નુકસાન

Vadodara: ભયંકર વાવાઝોડા સાથે માવઠું, APMCમાં વૃક્ષો ધરાશાયી અને ખેતીને વ્યાપક નુકસાન

Vadodara News: હવામાન વિભાગની આગાહી વડોદરા જિલ્લા માટે આફત બનીને ત્રાટકી છે. ડેસર તાલુકામાં આજે અચાનક બદલાયેલા હવામાન અને ભયંકર વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. તેજ પવન અને કમોસમી વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે, જ્યારે મકાનો અને દુકાનોના છાપરા હવામાં ઉડતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાનું તાંડવ

ડેસર તાલુકાના ઈટવાડ, વાંટા, વર્ણોલી, વાલાવાવ, વેજપુર, પ્રતાપપુરા, સિહોરા, વરસડા અને જાંબુગોલ સહિતના ગામોમાં કુદરતી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાલાવાવ ચોકડી પાસે પવનની ગતિ એટલી તેજ હતી કે અનેક દુકાનોના પતરા કાગળની જેમ હવામાં ઉડ્યા હતા. ડેસર APMC ગ્રાઉન્ડમાં ઘટાદાર લીમડાના વૃક્ષો ધરાશાયી થઈને વાહનો પર પડતા મોટું આર્થિક નુકસાન થયું છે. આ આફત વચ્ચે એક દુખદ ઘટના પણ બની હતી, જેમાં એપીએમસીની દીવાલ ધરાશાયી થતાં તેની નીચે દબાઈ જવાથી એક ભેંસનું કરુણ મોત નીપજ્યું હતું.

ખેડૂતો અને વેપારીઓને લાખોનું નુકસાન

આ કમોસમી માવઠાએ જગતના તાતની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ખેતી અને વેપાર ક્ષેત્રે નીચે મુજબની અસરો જોવા મળી છે:

  • તમાકુના પાકને ફટકો: APMCમાં વેચાણ માટે લાવેલી તમાકુની હજારો ગુણો સુરક્ષિત જગ્યાના અભાવે વરસાદી પાણીમાં પલળી ગઈ છે.

  • ઉભો પાક બરબાદ: ખેતરોમાં તૈયાર થયેલી બાજરી, તમાકુ અને શાકભાજીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. તેજ પવનને કારણે ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે.

  • આર્થિક પાયમાલી: તૈયાર માલ પલળી જવાથી ખેડૂતો અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hum Dekhenge News