Vadodara Viral Video: વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની દોડ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક યુવક બુલેટ ચલાવતો જોવા મળે છે અને તેની ટાંકી પર યુવતીને સામે-સામે બેસાડીને જોખમી રીતે સવારી કરતો દેખાય છે. આ વીડિયોએ માત્ર લોકોનું ધ્યાન જ ખેંચ્યું નથી, પરંતુ માર્ગ સલામતી અને જાહેર શિસ્ત અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે.
વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટ્રાફિકથી ભરેલા મુખ્ય માર્ગ પર કપલ કોઈ ભય વગર બાઈક પર અશોભનીય સ્થિતિમાં બેઠું છે. યુવતી બુલેટની ટાંકી પર યુવકની સામે ફેસ-ટુ-ફેસ બેસીને સવારી કરતી જોવા મળે છે, જે ન માત્ર જોખમી છે પરંતુ અન્ય વાહનચાલકો માટે પણ ખતરનાક પરિસ્થિતિ ઊભી કરે છે. આ દરમિયાન કપલ દ્વારા કરવામાં આવેલા ચેનચાળા અને બેદરકારીભર્યા વર્તનથી રસ્તા પર પસાર થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
માહિતી મુજબ, આ વીડિયો એક અન્ય વાહનચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે આ ઘટના ક્યારે બની તેની ચોક્કસ વિગતો સામે આવી નથી, છતાં વીડિયો વાયરલ થતાં જ લોકોમાં રોષ ફેલાયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ ઘટના માત્ર વ્યક્તિગત બેદરકારી પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ શહેરની ઓળખ અને સંસ્કૃતિ પર પણ અસર કરે છે. જાહેર માર્ગ પર આ પ્રકારની હરકતોને કારણે માર્ગ અકસ્માતનું જોખમ વધી શકે છે, જેમાં માત્ર સંકળાયેલા લોકો જ નહીં પરંતુ નિર્દોષ વાહનચાલકો પણ ભોગ બની શકે છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને જાહેરમાં શિસ્તનો ભંગ બન્ને બાબતો અહીં સ્પષ્ટપણે જોવા મળે છે.
હાલ વાયરલ વીડિયોમાં બાઈકનો નંબર સ્પષ્ટ દેખાઈ રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કારણે હવે પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવું સરળ બની શકે છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં ટ્રાફિક પોલીસ CCTV ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરીને ઈ-મેમો જારી કરે છે અથવા કાયદેસર ગુનો નોંધે છે.
આ ઘટનાને પગલે નાગરિકોમાંથી પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. લોકોનું માનવું છે કે આવા બેદરકાર અને જોખમી સ્ટંટ્સ પર સમયસર રોક લગાવવી જરૂરી છે, નહીં તો યુવાનોમાં ખોટો સંદેશ જાય અને આવાં કિસ્સાઓમાં વધારો થાય. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેટલી ઝડપથી તપાસ આગળ ધપાવે છે અને વાયરલ વીડિયોના આધારે યુવક-યુવતી સામે શું પગલાં લે છે.
SBI લૂંટકાંડના 2 આરોપી UPથી ઝડપાયા, ચોંકાવનારી વિગતો સામે આવી

