Daren Sammy and Alzarri Joseph Dispute: વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટિંગ દિગ્ગજ સર વિવિયન રિચાર્ડ્સે ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ અને ટીમના મુખ્ય કોચ ડેરેન સેમી વચ્ચે ચાલી રહેલા મતભેદો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંનેને અંગત કડવાશ ભૂલીને પોતાના સંબંધો સુધારવા અને ટીમ તેમજ વિન્ડીઝ ક્રિકેટના શ્રેષ્ઠ હિતમાં વિવાદનો ઝડપથી ઉકેલ લાવવા આગ્રહભરી વિનંતી કરી છે.
ટેસ્ટ શ્રેણીમાંથી હટવાનો મામલો
અલ્ઝારી જોસેફે અંગત કારણોસર પાકિસ્તાન સામે ચાલી રહેલી 2 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ બાદ કોચ ડેરેન સેમીએ નિવેદન આપ્યું હતું કે જોસેફે ટીમની પસંદગી સ્વીકારી નથી. સેમીના આ નિવેદન પર જોસેફે ભારે નારાજગી વ્યક્ત કરતાં તેને પૂરતા સંદર્ભ વગરનું અને વિવાદાસ્પદ ગણાવ્યું હતું. હાલ વેસ્ટ ઈન્ડિઝની ટીમ શ્રેણીમાં 1-0 થી આગળ છે અને બીજી ટેસ્ટ ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘અવ્યાવસાયિક નિવેદનોથી ખેલાડીના કરિયરને થાય છે નુકસાન’
સર વિવિયન રિચાર્ડ્સે જણાવ્યું હતું કે જાહેર મંચ પર આપવામાં આવેલા આવા વિવાદાસ્પદ નિવેદનો ખેલાડીના વ્યાવસાયિક કરિયર પર નકારાત્મક અસર પાડે છે. તેમણે કહ્યું કે, જો કોઈ નિવેદન સંપૂર્ણ રીતે સચોટ ન હોય, તો તેની નકારાત્મક અસર લાંબા સમય સુધી રહે છે. સેન્ટ લુસિયા ફ્રેન્ચાઇઝી દરમિયાન સેમી અને જોસેફ વચ્ચે ખૂબ જ સારા સંબંધો રહ્યા છે, તેથી હવે બંને વચ્ચે આવી કડવાશ ઊભી થવી તે દુઃખદ છે.
‘ભૂલો ભૂલીને સંબંધો સુધારવાનો સમય’
વિન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે, પરંતુ નિષ્ઠાવાન પ્રયાસોથી બગડેલા સંબંધોને ફરીથી સુધારી શકાય છે. રિચાર્ડ્સે સેમીના જાહેર નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને ઉમેર્યું હતું કે કોચ દ્વારા ખેલાડીએ પસંદગીનો ઇનકાર કર્યાનું નિવેદન અતિશયોક્તિપૂર્ણ હતું. જો સમગ્ર પ્રક્રિયા વ્યાવસાયિક ધોરણે હાથ ધરાઈ હોત તો આ વિવાદ સાર્વજનિક ન થયો હોત. તેમણે આશા વ્યક્ત કરી કે બંને ટૂંક સમયમાં પરસ્પર વાતચીત દ્વારા આ વિવાદનો સુખદ અંત લાવશે.
