Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકામાં 27 વર્ષની ગુજરાતી યુવતીની ICE દ્વારા ધરપકડ

અમેરિકામાં 27 વર્ષની ગુજરાતી યુવતીની ICE દ્વારા ધરપકડ

I Am Gujarat 19 hrs ago

અમેરિકામાં રહેતી વધુ એક ગુજરાતી યુવતીની ICE દ્વારા ધરપકડ કરવામાં આવી છે, સોનલ પટેલ નામની આ યુવતીની ઉંમર 27 વર્ષ જણાવાઈ છે જે હાલ કન્ટકીના ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. સોનલને કયા ચાર્જ હેઠળ અરેસ્ટ કરાઈ છે તેની કોઈ વિગતો ઉપલબ્ધ નથી, તેમાં માત્ર એટલું જ જણાવાયું છે કે તેની સામે આ કાર્યવાહી DHS અથવા ICE દ્વારા હાથ ધરાઈ હતી. IamGujaratને મળેલી માહિતી અનુસાર ઓક્ટોબર 21ના રોજ સોનલ અરેસ્ટ થઈ હતી અને હાલ પણ તે ICEની કસ્ટડીમાં જ છે.

જેનો સીધો અર્થ એવો થાય છે કે તે અમેરિકામાં કોઈ સ્ટેટસ વિના રહેતી હતી અને હવે તેની સામે ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી થઈ શકે છે. ઓક્ટોબર 2026ની શરૂઆતમાં જ ઓહાયોમાં અન્ય એક ગુજરાતી યુવતીની ધરપકડ થઈ હતી, જેલ રેકોર્ડ્સ અનુસાર તેને બીજા દિવસે જ રિલીઝ પણ કરી દેવાઈ હતી. જોકે, સોનલ પટેલ હજુય કેદમાં હોવાથી હવે તેના છૂટવાના ચાન્સ ઘણા ઓછા લાગી રહ્યા છે.

સોનલ પટેલ કેટલા સમયથી અમેરિકામાં રહેતી હતી, તેની ધરપકડ કયા સંજોગોમાં કરાઈ તેમજ તેણે અસાયલમનો કેસ કર્યો હતો કે નહીં તેની કોઈ ચોક્કસ વિગતો નથી મળી શકી. આ ઉપરાંત તે અમેરિકામાં ફેમિલી સાથે રહેતી હતી કે કેમ તે પણ જાણવા નથી મળ્યું. ICE દ્વારા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની ધરપકડોનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે તેવામાં ઘણા ગુજરાતીઓ પણ હાલ ડિપોર્ટેશનની રાહ જોતા ડિટેન્શન સેન્ટરમાં બંધ છે, જેમાં અમુક તો એવા પણ છે કે જેમને જેલમાં જ છ મહિનાથી વધુનો સમય થઈ ગયો હોવા છતાંય તેમને હજુ સુધી ના તો રિલીઝ કરાયા છે કે ના તો તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ડિપોર્ટેશનના ડરથી જ હવે લોકો અસાયલમના કેસ પડતા મૂકી ઈમિગ્રેશન કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યા છે અને ધરપકડથી બચવા ઘણા દેસીઓએ ICEમાં હાજરી આપવાનું બંધ કરી દીધું છે. જે લોકોએ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાને બદલે અંડરગ્રાઉન્ડ થઈ જવાનું પસંદ કર્યું છે તે તમામ હવે અમેરિકાની સરકારના રડાર પર છે, તેમની ગેરહાજરીમાં ઈમિગ્રેશન કોર્ટ પહેલી જ હિયરિંગમાં ફાઈનલ રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ કરી રહી હોવાથી ધરપકડ બાદ તેમનું બોન્ડ પર છૂટવું પણ અશક્ય બની ગયું છે.

2025 પહેલા એવી સ્થિતિ હતી કે જો કોઈ દેસી અનકોડ્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ પોલીસ કે પછી ICEના હાથે પકડાય તો તે ત્યારે અસાયલમનો કેસ કરી બોન્ડ પર છૂટી શકતો હતો. ખાસ તો જેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ના હોય તેમને રિલીઝ થવામાં કોઈ ખાસ વાંધો નહોતો આવતો. જેલમાંથી છૂટ્યા બાદ અસાયલમનો કેસ વર્ષો સુધી ચાલતો હોવાથી લોકો અમેરિકામાં જ રહેવાની સાથે વર્ક પરમિટ મેળવીને કામ પણ કરી શકતા હતા. જોકે, હાલની સરકારે સિસ્ટમમાં જે ધરખમ ફેરફાર કર્યા છે તેના કારણે અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ કોર્ટ કે ICEમાં ના જવા મજબૂર બન્યા છે અને તેને લીધે તેમને ડિપોર્ટ કરવા પણ આસાન બની ગયા છે.

અસાયલમનો કેસ પેન્ડિંગ હોય તેવા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટની જો ધરપકડ કરવામાં આવે તો તેને હજુય બોન્ડ મળી શકે છે, પરંતુ તેના માટેની પ્રોસેસ ખૂબ જ લાંબી અને ખર્ચાળ છે જે દરેક વ્યક્તિ અફોર્ડ કરી શકે તેમ નથી. તો બીજી તરફ, જેમના નામનો રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ થઈ ચૂક્યો છે તેમના માટે ધરપકડ બાદ બચી શકવાના ચાન્સ લગભગ ઝીરો થઈ ચૂક્યા છે. આ જ કારણે ડિપોર્ટેશનના લિસ્ટમાં આવી ગયા હોય તેવા ઈમિગ્રન્ટ્સની સંખ્યા સતત વધી રહી છે. સોનલ પટેલના કેસમાં પણ કંઈક આવું જ થયું હોય તેવી પૂરી શક્યતા છે. મહત્વની વાત એ પણ છે કે આખીય ફેમિલીને એક સાથે પકડીને ડિપોર્ટ કરવાને બદલે એકાદ મેમ્બરને જ પકડીને ડિટેન્શન સેન્ટરમાં નાખી દેવાય છે અને તેના ઘરભેગા થયા બાદ બાકીના ફેમિલી મેમ્બર્સ માટે અમેરિકામાં રહેવું મુશ્કેલ હોવાથી તેમને પણ જાતે જ અમેરિકા છોડવાની ફરજ પડે છે. આમ તો આ તરકીબ ઘણી જૂની છે પરંતુ ટ્રમ્પની સરકારમાં તેનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો હોવાથી ઘણા અનડોક્યુમેન્ટેડ પરિવારો વિખૂટા પડી ગયા છે.

સૂત્રોનું માનીએ તો જેમણે અસાલયમના કેસ લડવાનું પડતું મૂક્યું છે તે હવે કેશમાં જોબ કરવા માડ્યા છે અને સાથે જ મોટાભાગના લોકોએ જોબ પણ ચેન્જ કરી દીધી છે. ICEવાળા પોતાને ટ્રેક ના કરી શકે તે માટે મોબાઈલ નંબર બદલી દેનારા લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે. જોકે, ડિપોર્ટેશનથી બચવાના આ જૂગાડ ક્યારસુધી કામે લાગશે તે કંઈ જ નક્કી નથી. મોટાભાગના લોકો હવે તો ગમે તેમ કરીને 2028 પૂરું થાય તેની રાહ જોઈ રહ્યા છે અને પોલીસથી બચવા માટે ઘણાએ લાઈસન્સ હોવા છતાંય કાર ચલાવવાનું બંધ કરી દીધું છે. આટલું કર્યા બાદ પણ જો કોઈ પકડાઈ જાય તો અમુક વકીલો તેમની ગરજનો લાભ લઈ સાચા-ખોટા રસ્તા બતાવવાના નામે પૈસા પડાવતા રહે છે, પરંતુ ઘણાને ફેડરલ કોર્ટમાં હેબિયર્સ કોર્પસ કર્યા બાદ પણ કોઈ રાહત નથી મળી રહી.

તાજેતરમાં જ ફિફ્થ યુએસ સરકિટ કોર્ટ ઓફ અપીલ્સે પણ આ બાબતે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે ઈલીગલ એન્ટ્રી કરી હોય તેવા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટને બોન્ડ હિયરિંગની માગ કરવાનો કોઈ હક્ક નથી અને સરકાર તેને ઈચ્છે ત્યાં સુધી કેદમાં રાખી શકે છે. આ મામલે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ શકે છે, પરંતુ તેમાં હજુ ઘણો સમય લાગશે અને ત્યાં સુધી જેટલા લોકો ICE દ્વારા અરેસ્ટ થશે તેમના માટે જેલમાંથી બહાર આવવું જરાય આસાન નથી રહેવાનું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: I Am Gujarat