અમેરિકામાં ભણતા એક ઈન્ડિયન યુવકે જોબ ના મળતાં કંટાળી જઈને અંતિમ પગલું ભર્યું છે. ચંદુ નામનો આ યુવક મૂળ આંધ્રપ્રદેશનો હતો અને તેણે શિકાગોની ડીપૉલ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. જોકે, માર્ચ 2025માં ભણવાનું પૂરું થયા બાદ ચંદુ પર OPT એક્સપાયર થાય તે પહેલા જોબ શોધી લેવાનું જબરજસ્ત પ્રેશર હતું પરંતુ હાલ ચાલી રહેલી જોબ ક્રાઈસિસને કારણે તેને ક્યાંય તક નહોતી મળી રહી.
જૂન 2025થી ચંદુ ડેલ કંપનીમાં ડેવલપર તરીકે કામ કરી રહ્યો હતો પરંતુ કયા સંજોગોમાં તેની જોબ છૂટી ગઈ હતી અને ત્યારથી તે બેરોજગાર હતો તેની કોઈ ચોક્કસ વિગતો જાણવા નથી મળી. ચંદુએ અમેરિકામાં ભણવા માટે જંગી લોન લીધી હતી, પરંતુ જોબના અભાવે તેની ભરપાઈ કરવાનું મુશ્કેલ બનતા તે હિંમત હારી ગયો હતો. તેણે ક્યારે આ પગલું ભર્યું હતું તેની કોઈ ચોક્કસ તારીખ નથી જણાવાઈ.
જવાનજોધ દીકરાને ગુમાવનારા ચંદુના પરિવારજનો હાલ ઊંડા આઘાતમાં છે, સામાન્ય પરિવારના આ યુવકને અમેરિકા મોકલનારા તેના પેરેન્ટ્સ માટે તે જ ઘડપણનો આધાર હતો પરંતુ હવે તે આ દુનિયામાં નથી રહ્યો. ચંદુની બોડીને ઈન્ડિયા મોકલવા માટે અને તેના ફેમિલી મેમ્બર્સને મદદ કરવા 1.20 લાખ ડોલર એકત્ર કરવાના ટાર્ગેટ સાથે ક્રાઉડફન્ડિંગ શરૂ કરવામાં આવ્યું છે અને લોકો ઉદાર હાથે તેમાં દાન કરી રહ્યા છે. શુક્રવાર સુધીમાં ચંદુ માટે 80 હજાર ડોલરથી પણ વધુની રકમ એકત્ર કરી લેવામાં આવી હતી.
શરૂઆતમાં તો તેના માટે માત્ર 25 હજાર ડોલર ભેગા કરવાનો પ્લાન હતો પરંતુ મૃતકના પરિવારજનોને મદદ કરવામાં લોકોએ છૂટા હાથે ડોનેશન કરતાં તેનો ટાર્ગેટ પણ વધારીને 1.20 લાખ ડોલર કરી દેવામાં આવ્યો હતો. ક્રાઉડફન્ડિંગની અપીલમાં જણાવાયું છે કે ચંદુની બોડીને ઈન્ડિયા મોકલવા સહિતના ખર્ચા પેટે 25 હજાર ડોલર સાઈડમાં રાખ્યા બાદ બાકીની તમામ રકમ તેના પેરેન્ટ્સને આપી દેવામાં આવશે. ચંદુના મા-બાપે તેને અમેરિકા મોકલવા માટે કોના નામે લોન લીધી હતી અને તેના માટે ઘર કે બીજું કંઈ ગીરવે મૂક્યું હતું કે કેમ તેની માહિતી નથી મળી શકી પરંતુ જો આવું કંઈ થયું હશે તો કદાચ તેમને મળનારી તમામ રકમ લોન ચૂકતે કરવામાં જ પૂરી થઈ જશે.
ચંદુનો આ કેસ દર્શાવે છે કે હાલ ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ માટે અમેરિકામાં જોબ શોધવું કેટલું બધું મુશ્કેલ થઈ ગયું છે. અમેરિકાના કાયદા અનુસાર સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં માસ્ટર્સ કરનારાને ત્રણ વર્ષ સુધી કામ કરવાની પરમિશન મળે છે પરંતુ જો સતત ત્રણ મહિના સુધી નોકરી ના મળે તો અમેરિકા છોડવું પડે છે.
આવા સ્ટૂડન્ટ બીજા કોઈ ફિલ્ડમાં પણ જોબ નથી લઈ શકતા અને STEMની વેલિડિટી પૂરી થવા આવે ત્યાં સુધીમાં H-1B વિઝા મેળવી લેવાનું પણ જબરજસ્ત પ્રેશર રહેતું હોય છે. જોકે, હાલની સ્થિતિમાં અમેરિકાની મોટી કંપનીઓમાં કોઈ ખાસ ભરતી નથી થતી અને નાની કંપનીઓ H-1B સ્પોન્સર કરવા માટે તૈયાર ના હોવાથી સ્ટૂડન્ટ્સનો બંને બાજુથી મરો થઈ ગયો છે.
એવું નથી કે જેમની પાસે જોબ નથી તે લોકો જ ટેન્શનમાં જીવી રહ્યા છે, જેમને હાલ H-1B મળ્યા છે તે પણ ખર્ચા કાબૂમાં રાખીને લોન પૂરી કરવાની સાથે-સાથે સેવિંગ્સ કરવામાં લાગેલા છે કારણકે નોકરી ક્યાં સુધી રહેશે તેની કોઈ જ ગેરંટી નથી. અમેરિકાના કોર્પોરેટ વર્લ્ડમાં મોટાપાયે છટણી ચાલી રહી હોવાથી જે લોકો વર્ષોથી ત્યાં સેટલ હતા તેવા પણ ઘણા ઈન્ડિયન્સને પાછા આવી જવાની ફરજ પડી છે.
હજુ થોડા દિવસો પહેલા જ અમેરિકામાં જોબ ગુમાવ્યા બાદ ઈન્ડિયામાં પણ એકાદ વર્ષથી બેરોજગાર રહેલા એક યુવકે બેંગલોરમાં અંતિમ પગલું ભરી લીધું હતું અને તેની પાછળ તેની પત્નીએ પણ મોત વ્હાલું કરી લેતા આ ઘટનાએ જબરજસ્ત ચર્ચા જગાવી હતી.

