અમેરિકામાં પૈસાદાર વધુ પૈસાવાળા થઈ રહ્યા છે જ્યારે ઓછી આવક ધરાવતા લોકો મોંઘવારી સામે સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે, તેની અસર દેશમાં મકાનોની ડિમાન્ડ પર પણ જોવા મળી રહી છે. છેલ્લા દોઢ-બે વર્ષમાં મકાનોની કિંમતોમાં ખાસ્સું કરેક્શન આવ્યા બાદ પણ હજુય તે ઉંચી હોવાથી હાઉસિંગ ક્રાઈસિસનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો તેવામાં સસ્તા એટલે કે અપાર્ટમેન્ટ ટાઈપના મકાનોનો સપ્લાય વધ્યો હોવા છતાંય તેની ડિમાન્ડ ઘટી છે જ્યારે મોંઘા મકાનોની ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે.
નેશનલ અસોસિએશન ઓફ રિઆલ્ટર્સના એક રિપોર્ટ પ્રમાણે મકાનોની કિંમતોમાં થઈ રહેલો વધારો ધીમો પડ્યો છે, ઓનલાઈન પ્રોપર્ટી પ્લેટફોર્મ ઝિલોના જણાવ્યા અનુસાર મે 2025માં એન્ટ્રી લેવલના મકાનોનો વચ્ચેનો ભાવ એટલે કે મેડિઅન પ્રાઈસ 2 લાખ ડોલર જેટલો રહ્યો હતો જ્યારે તેની ઈન્વેન્ટરીમાં ગયા વર્ષની સરખામણીએ સાડા ચાર ટકાનો વધારો થયો હોવા છતાંય તેનું વેચાણ 5.4 ટકા જેટલું ઘટ્યું હતું, પરંતુ મે 2025ની સરખામણીએ લક્ઝરી હોમ્સની ડિમાન્ડમાં 6.2 ટકાનો વધારો નોંધાયો હતો, એટલે કે જેમની પાસે મોટું મકાન ખરીદવાના પૈસા છે તેમને કોઈ સમસ્યા નથી પરંતુ જે લોકો નાનું મકાન ખરીદવા માગે છે તેમની પાસે પૈસા નથી.
અમેરિકાની ઈકોનોમી છેલ્લા ઘણા સમયથી K શેપ આગળ વધતી જોવા મળી રહી છે, મતલબ કે પૈસાદાર વધુ પૈસાદાર થઈ રહ્યા છે જ્યારે ઓછી આવક ધરાવતા લોકોની આવક સતત ઘટી રહી છે. આ જ K શેપ હાઉસિંગ સેક્ટરમાં પણ જોવાઈ રહ્યો છે જેમાં મોંઘા મકાનોની ડિમાન્ડ વધી રહી છે જ્યારે એન્ટ્રી લેવલના મકાનો ખરીદવા ઈચ્છતો વર્ગ ઓછી આવક અને વધતી મોંઘવારી વચ્ચે ફસાયેલો છે. નવા રિસર્ચમાં એવું પણ જણાવાયું છે કે ઓછી કિંમતો ધરાવતા મકાનોનો સપ્લાય સતત વધી રહ્યો હોવા છતાંય તેની ડિમાન્ડમાં વધારો નથી થયો. મે 2026માં સ્ટાર્ટર હોમ્સ અથવા તો લૉ પ્રાઈસ હોમ્સની કિંમત મે 2025ની સરખામણીએ 2.3 ટકા જેટલી વધી હતી.
આ ટ્રેન્ડ અંગે પ્રોપર્ટી એક્સપર્ટ્સનું કહેવું છે કે એન્ટ્રી લેવલના મકાન ખરીદનારાને વધુ ઓપ્શન્સ મળી રહે છે, તેની કિંમતો પણ ના બરાબર વધી છે અને આ સેગમેન્ટમાં કોમ્પિટિશન પણ ઓછું હોય છે. જોકે, તેમ છતાંય ઓછી આવક ધરાવતા લોકો હાલ મકાન ખરીદવાનું રિસ્ક લેવા નથી માગતા કે પછી તેમની પાસે મકાન લેવા પૈસા નથી. બીજી એક મહત્વની વાત એ છે કે યુએસમાં મકાનોના ભાડાં સતત વધી રહ્યા છે અને મોંઘવારી પણ વધી રહી હોવાથી લૉઅર ઈનકમની કેટેગરીમાં આવતા લોકોના બજેટ ડામાડોળ થઈ ગયા છે અને તેમના માટે ડાઉનપેમેન્ટ માટે સેવિંગ્સ કરવું પણ અતિશય મુશ્કેલ બની રહ્યું છે.
તો બીજી તરફ, 2 મિલિયન જેટલી ઉંચી કિંમત ધરાવતા મકાનોનું વેચાણ મે 2025ની સરખામણીએ 6.2 ટકા જેટલું વધ્યું છે. ઝિલોના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ટ્રેન્ડ વધતી જતી આર્થિક અસમાનતાને દર્શાવે છે, સ્ટોક માર્કેટમાં જોવા મળેલા જબરજસ્ત ઉછાળાને પરિણામે મોંઘા મકાનોની ડિમાન્ડ અને કિંમત બંને વધી રહ્યા છે. આ દરમિયાન પ્રોપર્ટીઝની કિંમતોમાં થઈ રહેલો વધારો ધીમો પડતાં તેની વચ્ચેની કિંમત જૂન 2026માં 4,40,600 ડોલરના ઓલટાઈમ હાઈ લેવલ પર પહોંચી હતી જે કોવિડ સમયની એટલે કે જૂન 2020ની સરખામણીએ 49.2 ટકા જેટલી વધારે છે તેવું નેશનલ અસોસિએશન ઓફ રિયાલ્ટર્સના રિપોર્ટમાં જણાવાયું છે. ગયા વર્ષની સરખામણીએ પણ જૂન 2026માં મકાનોની મેડિયન પ્રાઈસમાં 1.8 ટકાનો વધારો નોંધાયો હતો પરંતુ તેની પહેલાના વર્ષોમાં અને ખાસ તો કોવિડ પેન્ડેમિક બાદ જોવા મળેલી હાઉસિંગ બૂમ વખતે આ વધારો દર વર્ષે ડબલ ડિજિટમાં એટલે કે 10 ટકા અથવા તેનાથી વધારે રહેતો હતો.
પોતાનું મકાન ખરીદવા ઈચ્છતા લોકો માટે મોર્ગેજના ઉંચા રેટ્સ પણ મોટી સમસ્યારૂપ બની રહ્યા છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે ગત બુધવારે 30 વર્ષની ફિક્સ-રેટ મોર્ગેજનો એવરેજ રેટ 6.7 ટકા જેટલો હતો, ફેબ્રુઆરીમાં વ્યાજ દર ઘટીને 6 ટકાની નીચે પહોંચી ગયો હતો પરંતુ ઈરાન વૉરને કારણે તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ફુગાવાનો દર ઉંચો હોવાથી ફેડ પાસે પણ વ્યાજના દર ઘટાડવાની મોકળાશ લગભગ નથી રહી અને સાથે જ બોન્ડ યિલ્ડ પણ વધી રહી હોવાથી હોમ લોનનું વ્યાજ આવનારા દિવસોમાં સાત ટકા સુધી પહોંચી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જો મોર્ગેજ રેટ્સ 5 ટકાથી ઓછા થાય તો માર્કેટમાં ડિમાન્ડ વધી શકે છે.
જો આમ થયું તો મકાન વેચનારા કરતાં ખરીદનારા વધી જશે અને ફરી મકાનોના ભાવમાં વધારો પણ થઈ શકે છે. જોકે, હાલની સ્થિતિને જોતાં મોર્ગેજ રેટ્સ 5 ટકાની આસપાસ આવે તે લગભગ અશક્ય છે. હાલના 6.75 ટકાના વ્યાજદર સાથે જો કોઈ 30 વર્ષ માટે 2 લાખ ડોલરની લોન લે તો તેને દર મહિને ઓછામાં ઓછો 1,310 ડોલરનો હપ્તો ભરવો પડે, પણ જો વ્યાજનો દર પાંચ ટકા હોય તો હપ્તાની રકમ પણ ઘઠીને 1,084 થઈ જાય અને જો ત્રણ ટકાના વ્યાજે હોમ લોન મળતી હોય તો તેનો હપ્તો માંડ 852 ડોલર આવે. આ જ કારણસર ટ્રમ્પ વ્યાજના દરમાં ધરખમ ઘટાડો કરવા માગે છે પરંતુ તેમની જ આર્થિક નીતિઓ અને ઈરાન વોરને કારણે મોંઘવારીમાં થયેલા વધારાને લીધે ફેડ રિઝર્વના હાથ પણ બંધાયેલા છે.

