Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અમેરિકાને ઈન્ડિયન ટેલેન્ટ વિના ચાલે તેમ નથી?

અમેરિકાને ઈન્ડિયન ટેલેન્ટ વિના ચાલે તેમ નથી?

I Am Gujarat 18 hrs ago

અમેરિકા દુનિયાનો એક મહાન દેશ છે તેમાં કોઈ શંકા ના હોઈ શકે, પરંતુ તેને મહાન બનાવવામાં ઈમિગ્રન્ટ્સે આપેલા યોગદાનને પણ અવગણી શકાય તેમ નથી. જોકે, છેલ્લા બે-અઢી વર્ષથી અમેરિકામાં એવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે કે જાણે તેને ઈમિગ્રન્ટ્સની કોઈ જરૂરી નથી રહી. અમેરિકામાં રહેતા અને કામ કરતા ઈન્ડિયન્સની જ વાત કરીએ તો દુનિયાભરમાં જેમના નામનો ડંકો વાગે છે તેવી ઘણી અમેરિકન કંપનીઓની કમાન ભારતીય મૂળના CEOsના હાથમાં છે.

ભારતીય મૂળના સાયન્ટિસ્ટ, ડોક્ટર્સ તેમજ અન્ય ટેલેન્ટેડ લોકોની કોઈ કમી નથી. હવે જ્યારે ડોનલ્ડ ટ્રમ્પની સરકારમાં H-1B હોલ્ડર્સ પર તવાઈ બોલાવાઈ રહી છે અને સ્ટૂડન્ટ્સને મળતા વિઝાની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે.

હાલની સ્થિતિ એવી છે કે અમેરિકાથી જાણે રિવર્સ માઈગ્રેશન શરૂ થઈ રહ્યું હોય તેમ યુએસ જનારા અને ત્યાંથી આવનારા ઈન્ડિયન્સ વચ્ચેનો ગેપ ઓછો થઈ રહ્યો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો આમ જ ચાલતું રહ્યું તો આવનારા દિવસોમાં અમેરિકા જનારા કરતા પાછા આવનારા લોકોની સંખ્યા વધી જશે. જો ખરેખર આવું થાય તો ઈન્ડિયન્સને નુક્સાન થવાનું જ છે, પણ શું અમેરિકાને તેનાથી કોઈ ફાયદો થશે ખરો? અમેરિકાને કેમ ઈન્ડિયન ટેલેન્ટ વિના ચાલે તેમ નથી અને ઈન્ડિયન વર્કર્સ યુએસમાં કેટલી મજબૂત સ્થિતિમાં છે તે સમજીશું આ આર્ટિકલમાં. આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી અમેરિકન મેગેઝીન ધીએટલાન્ટિકમાં પબ્લિશ થયેલા મિનાક્ષી અહેમદના એક ઓપિનિયન પર આધારિત છે.

અમેરિકામાં દુનિયાભરના દેશોના લોકો રહે છે, પણ જ્યારે વાત કમાણીની અને એજ્યુકેશનની આવે ત્યારે ઈન્ડિયન કોમ્યુનિટી તેમાં ટોપ પર આવે છે. યુએસમાં રહેતા ભારતીય પરિવારોની વાર્ષિક સરેરાશ આવક 1,51,200 ડોલર જેટલી થાય છે, જ્યારે તેની સરખામણીએ વ્હાઈટ અમેરિકન પરિવારો 92,530 ડોલરની વાર્ષિક આવક ધરાવે છે, તેવી જ રીતે 25 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા ઈન્ડિયન અમેરિકન્સમાંથી 75 ટકા લોકો બેચલર્સ ડિગ્રી ધરાવે છે જ્યારે અમેરિકાની નેશનલ એવરેજ 38 ટકા જેટલી જ છે. તેવી જ રીતે ઈન્ડિયન-અમેરિકન્સમાં ગરીબીનો દર પણ માત્ર છ ટકા જેટલો નીચો છે અને સાથે જ ગુનાખોરીનું પ્રમાણ પણ અત્યંત નીચું છે. તેમ છતાંય ઈન્ડિયન સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે તેમની કોઈ વેલ્યૂ જ ના રહી હોય.

યુએસમાં ઈન્ડિયન્સને સમ્માનની નજરે જોવામાં આવે છે, પણ હવે સ્થિતિ બદલાઈ રહી છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના ટાર્ગેટ્સ પર ઈમિગ્રન્ટ્સ છે અને તેમાંય H-1B હોલ્ડર્સની સ્થિતિ રોજરોજ મુશ્કેલ બની રહી છે. અમેરિકામાં કામ કરતા 70 ટકા H-1B હોલ્ડર્સ ઈન્ડિયન્સ છે. અમેરિકાને એક મહાન દેશ બનાવવામાં ઈન્ડિયન્સનો ફાળો જરાય નાનોસૂનો નથી. છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાને ઈન્ડિયન્સની જરૂર પડી છે અને આવનારા સમયમાંય રહેવાની છે, પણ આ વાતનું મહત્વ ના સમજનારા લોકો ઈન્ડિયન્સ માટે અમેરિકાના દરવાજા બંધ કરી રહ્યા છે અને જે લોકો પહેલાથી અમેરિકામાં છે તેમને પણ ઘરભેગા કરવાની વાતો થઈ રહી છે.

1960ના અરસામાં અમેરિકા આવનારા ઈમિગ્રન્ટ્સમાં 75 ટકા લોકો યુરોપના હતા પણ 2010 આવ્યું ત્યાં સુધીમાં તેમનો હિસ્સો ઘટીને માંડ 12 ટકા પર આવી ગયો. યુએસ સેન્સસ બ્યૂરો ડેટા અનુસાર 1990માં એકાદ મિલિયનથી પણ ઓછો ઈન્ડિયન્સ અમેરિકામાં રહેતા હતા, જ્યારે તેના દસ વર્ષમાં તેમની સંખ્યા લગભગ ડબલ થઈ ગઈ, તેનું કારણ હતું ભારતીય એન્જિનિયર્સની અમેરિકામાં મોટાપાયે થઈ રહેલી ભરતી. હાલ અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સની સંખ્યા 5.2 મિલિયન જેટલી થાય છે જેમાંથી 60 ટકાથી વધુ લોકો ઈન્ડિયામાં જન્મેલા છે.

જોકે, અમેરિકાની કુલ વસ્તીમાં ઈન્ડિયન્સનું પ્રમાણ માંડ દોઢેક ટકા જેટલું છે, પરંતુ ઈન્ડિયન્સ જે હદે સફળ થયા છે તેના કારણે તેઓ લોકોની નજરોમાં આવી રહ્યા છે.ગૂગલ, માઈક્રોસોફ્ટ, IBM અને અડોબી જેવી કંપનીઓના CEO મૂળ ઈન્ડિયન છે, પરંતુ હાલ AIને કારણે થઈ રહેલા ફેરફાર અને છટણીઓને કારણે તેઓ અમેરિકન્સના ટાર્ગેટ પર છે. તો બીજી તરફ વિવેક રામાસ્વામી, કમલા હેરિસ અને ઝોહરાન મમદાણી જેવા નેતાઓ પણ ઓનલાઈન અને રિયલ લાઈફ હેટનો શિકાર બની રહ્યા છે.

અમેરિકાને જ્યારે જરૂર હોય ત્યારે તે ઈમિગ્રન્ટ્સને આવકારે છે પરંતુ જ્યારે ગરજ પૂરી થઈ જાય ત્યારે તેમને ટાર્ગેટ કરાય છે, આ ટ્રેન્ડ કંઈ આજકાલનો નથી, 1850માં અમેરિકાએ પોતાની માઈન્સ, ખેતરો અને રેલવે ટ્રેક પાથરવા માટે ચાઈનીઝ વર્કર્સને બોલાવ્યા હતા પરંતુ 1870માં જ્યારે દેશની ઈકોનોમી નબળી પડી ત્યારે આ જ ચાઈનીઝ વર્કર્સ અમેરિકન્સની જોબ છીનવી રહ્યા છે તેવા આક્ષેપ શરૂ થયા હતા. 1882માં તો અમેરિકાની સરકારે ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ પણ બનાવી દીધો હતો જેના હેઠળ 60 વર્ષ માટે ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સને માટે અમેરિકા આવવા પર સખ્ત પાબંધી મૂકી દેવાઈ હતી.

ત્યારપછી જાપાન અને કોરિયન વર્કર્સ સાથે પણ કંઈક આવું જ થયું હતું. ઈમિગ્રેશન એક્ટ ઓફ 1917 હેઠળ એશિયાના મોટાભાગના દેશોના લોકો માટે અમેરિકા આવવાનું લગભગ અશક્ય બનાવી દેવાયું. વિદેશીઓને અમેરિકામાં એ હદે ટાર્ગેટ કરાઈ ચૂક્યા છે કે 1929ની મહામંદીની આસપાસ ઈટાલી અને ઈસ્ટર્ન યુરોપથી આવતા વ્હાઈટ લોકોને પણ લોકો તુચ્છ નજરે જોવા લાગ્યા હતા. આ નિયંત્રણોને કારણે 1910માં અમેરિકામાં રહેતા 14.7 ટકા લોકો વિદેશમાં જન્મેલા હતા જ્યારે 1960માં તેમનું પ્રમાણ ઘટીને 5.4 ટકા પર આવી ગયું હતું.

જોકે, 1965માં અમેરિકાને ફરી સ્કીલ્ડ ઈમિગ્રન્ટ વર્કર્સની જરૂર પડી ત્યારે ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટમાં છૂટછાટો આપી ઈમિગ્રેશન પર લગાવાયેલા નિયંત્રણો હળવા કરવામાં આવ્યા. કોલ્ડ વૉરના અરસામાં 1957માં સોવિયેત યુનિયને સ્પુતનિક સેટેલાઈટ લોન્ચ કર્યો ત્યારે અમેરિકા ખાસ્સું ટેન્શનમાં આવી ગયું હતું, રશિયા પોતાનાથી આગળ ના નીકળી જાય તે માટે તેણે સાયન્સમાં જંગી રોકાણ કરવાનું શરૂ કર્યું અને રિસર્ચ યુનિવર્સિટીઝને જોઈએ તેટલું ફંડ અપાયું. 1960ના દાયકામાં રશિયા અને અમેરિકા વચ્ચેની રેસ વધુ તીવ્ર બની અને અમેરિકામાં એન્જિનિયર્સની તંગી સર્જાઈ. તે જ વખતે એટલે કે 1950ની આસપાસ ઈન્ડિયામાં વર્લ્ડ ક્લાસ એન્જિનિયરિંગ સ્કૂલ્સ એટલે કે IITs શરૂ કરવામાં આવી હતી અને તેમાંથી પાસઆઉટ થયેલા લોકોમાં જાણે અમેરિકા જવાની હોડ લાગી હોય તેવો માહોલ હતો, કારણકે ઈન્ડિયામાં તે વખતે ખાસ તકો નહોતી જ્યારે અમેરિકામાં તગડો પગાર ઓફર થઈ રહ્યો હતો. IITમાંથી પાસ આઉટ થયેલા ઈન્ડિયન એન્જિનિયર્સને 1965માં અમેરિકામાં મોટાપાયે અપોર્ચ્યુનિટીઝ મળી અને પછી 90ના દાયકામાં તેનો સેકન્ડ રાઉન્ડ જોવા મળ્યો.

ઈન્ડિયન એન્જિનિયર્સની સાથે અમેરિકાને ઈન્ડિયન ડોક્ટર્સ વિના પણ ચાલે તેમ નથી. 1965માં અમલી બનેલા મેડીકેર એન્ડ મેડીકેડ એક્ટ હેઠળ 20 મિલિયન અમેરિકન્સ હેલ્થ કેર માટે એલિજિબલ બન્યા, પરંતુ હોસ્પિટલોમાં સ્ટાફની તીવ્ર તંગી હતી. વિયેતનામ વૉર સતત ખેંચાઈ રહ્યું હતું અને ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે અમેરિકાના ડોક્ટર્સને વિયેતનામ મોકલાઈ રહ્યા હતા. તેવી જ રીતે વિયેતનામથી ઘાયલ અવસ્થામાં પાછા આવેલા સૈનિકોને પણ લાંબી સારવારની જરૂર રહેતી હતી. તે વખતે ફરી અમેરિકાએ ઈન્ડિયન ડોક્ટર્સ પર નજર દોડાવી. 80ના દાયકામાં અમેરિકામાં એઈડ્સે હાહાકાર મચાવ્યો ત્યારે ઈન્ડિયન ડોક્ટર્સ જ લોકોની સારવાર કરી રહ્યા હતા અને તેવી જ સ્થિતિ કોવિડ પેન્ડેમિક વખતે પણ જોવા મળી હતી.

અમેરિકાને ઈન્ડિયાથી આવતા ટેલેન્ટેડ વર્કર્સની સ્કીલને કારણે એજ્યુકેશન સેક્ટરમાં જંગી રોકાણ કર્યા વિના જ ખૂબ ફાયદો થાય છે. ઘણા ફોરેન વર્કર્સ અમેરિકામાં જ ભણ્યા છે પરંતુ તેમાના ઘણાંની ટ્રેનિંગ ઈન્ડિયામાં થઈ છે અથવા તો તેમને ઈન્ડિયામાં કામ કરવાનો સારો અનુભવ છે. બીજા શબ્દોમાં કહીએ તો અમેરિકા ઈન્ડિયા સહિતના ગરીબ દેશો અમેરિકાને સબસિડાઈઝ્ડ રેટ્સ પર વર્કર્સ અથવા પ્રોફેનલ્સ પૂરા પાડી રહ્યા છે. અમેરિકાના દરેક પ્રેસિડેન્ટ દેશની પ્રજાને એક નારો આપતા હોય છે જેના આધારે ઈતિહાસ તેમનું મૂલ્યાંકન કરે છે. ટ્રમ્પે અમેરિકાને ફરી મહાન બનાવવાનો વાયદો આપ્યો છે, પરંતુ તેમના દેશને મહાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ફોરેન વર્કર્સને તેઓ નકામા અને અમેરિકન્સની જોબ ખાઈ જનારા ગણાવી રહ્યા છે? આપને શું લાગે છે, અમેરિકાને હવે ખરેખર ફોરેન ટેલેન્ટની કોઈ જરૂર નથી રહી કે પછી તેની ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ ફેરફારની જરૂર છે?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: I Am Gujarat