2016માં ડોનલ્ડ ટ્રમ્પ પહેલીવાર પ્રેસિડેન્શિયલ ઈલેક્શન લડી રહ્યા હતા ત્યારે તેમે એવી વાતો કરી હતી કે પોતે આઠ વર્ષમાં અમેરિકાનું દેવું ઝીરો કરી નાખશે અને દેશનો ઈકોનોમિક ગ્રોથ આસમાનને આંબશે. જોકે, ટ્રમ્પની આ વાતો માત્ર ફાંકા ફોજદારી સાબિત થઈ છે કારણકે 2016થી અત્યારસુધીમાં અમેરિકાનું જાહેર દેવું ડબલ થઈ ગયું છે અને તેમાંય ટ્રમ્પની સેકન્ડ ટર્મમાં તેનો આંકડો 40 ટ્રિલિયન ડોલરની રેકોર્ડ સપાટી પર પહોંચી ચૂક્યો છે.
દેવું ઘટાડવા ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી જેવા ધૂપ્પલ પણ શરૂ કર્યા હતા પરંતુ ઈરાન વૉર, ટેક્સ કટ્સ તેમજ ટેરિફ રિફંડને કારણે દેવામાં ઘટાડો થવાને બદલે જંગી વધારો થઈ છે અને જો આ સિલસિલો આ રીતે જ ચાલતો રહ્યો તો ડોલરનું વર્ચસ્વ પણ ખતરામાં આવી શકે છે.
હાલની સ્થિતિએ અમેરિકાનું જાહેર દેવું દેશની જીડીપીના 123 ટકા જેટલું થાય છે, મહત્વની વાત એ છે આ દેવું ચૂકતે કરવા માટે પાછું રોજેરોજ લાખો-કરોડો ડોલરનું નવું દેવું કરવામાં આવી રહ્યું છે જેના હેઠળ 2026માં બે ટ્રિલિયન ડોલરથી વધુની રકમ ઉધાર લેવામાં આવશે. સતત વધી રહેલું દેવું અમેરિકા માટે સમસ્યા છે જ, પરંતુ તેનાથી પણ મોટી સમસ્યા હવે એ થઈ છે કે અમેરિકાની સરકાર દેવા પર જે વ્યાજ ચૂકવે છે તેનો રેટ સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દાયકાથી યુએસ ગવર્મેન્ટ મિલિટરી, સોશિયલ સિક્યોરિટી તેમજ ટેક્સ કટ પાછળ થતાં ખર્ચાને પહોંચી વળવા માટે કંઈ લાંબુ વિચાર્યા વિના બેફામ ઉધારી કરી રહી છે જેનો ભાર આખરે તો દેશની જનતા પર જ આવવાનો છે.
ટ્રિલિયન્સ ઑફ ડોલર્સનું દેવું અમેરિકા માટે ગંભીર સમસ્યા છે કે પછી તે દેશની મજબૂત આર્થિક સ્થિતિને દર્શાવે છે તે ચર્ચાનો વિષય છે, પરંતુ આ મુદ્દો અમેરિકાના પોલિટિક્સમાં અવારનવાર ચમકતો રહે છે. ખાસ તો રિપબ્લિકન્સ સત્તામાં ના હોય ત્યારે તેઓ આ મામલે પોલિટિક્સ કરવાનો કોઈ મોકો નથી છોડતા, પરંતુ સત્તામાં આવતા જ તેને ભૂલી જાય છે. હાલ વર્લ્ડ ઈકોનોમીમાં ડોલરનો જે દબદબો છે તે પણ વધતા જતા દેવાને કારણે ખતરામાં આવી શકે છે. એક્સપર્ટ્સનું માનીએ તો અમેરિકા ભલે દુનિયાની સૌથી મોટી ઈકોનોમી હોય પરંતુ જો તેનું દેવું આ જ ગતિએ વધતું રહ્યું તો અમેરિકન બોન્ડમાં રોકાણ કરનારા ઈન્વેસ્ટર્સ વધુ વ્યાજ માગશે અને સમય જતાં એવા સવાલ પણ ઉભા થશે કે શું અમેરિકાની ઈકોનોમી ખરેખર એટલી મજબૂત છે કે તેના બોન્ડમાં આટલું જંગી રોકાણ કરી શકાય? જો આગળ જતાં આ બાબત વધુ ગંભીર બને તો અમેરિકન બોન્ડ ખરીદતા દેશો અને સંસ્થાઓનો યુએસ ઈકોનોમી પરનો ભરોસો ડગમગી શકે છે જેની સીધી અસર ડોલરના આધિપત્ય પર જોવા મળશે.
અમેરિકાની હાલત અત્યારે એવી છે કે તેને રોજબરોજના સરકારી કામો ચલાવવા સહિતના ખર્ચા માટે પણ દેવું કરવું પડે છે. આ સ્થિતિ માટે રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ બંને જવાબદાર છે. દેશના હેલ્થ પ્રોગ્રામ્સ પાછળ બિલિયન્સ ઓફ ડોલર્સનો ખર્ચો થાય છે, ઈકોનોમી જરાક ડગુમગું થાય તો સરકાર અબજો ડોલરના સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરી દે છે.. તેના સિવાય કુદરતી આપત્તિઓને કારણે થતાં નુક્સાનની ભરપાઈમાં પણ જંગી ખર્ચો કરવો પડે છે અને અમેરિકા પોતાની મિલિટરી પાછળ પણ મગજ ચકરાવે ચઢી જાય તેટલો મોટો ખર્ચો કરે છે.
પોતાની સેકન્ડ ટર્મની શરૂઆતમાં ટ્રમ્પે સરકારી ખર્ચામાં એક ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરવાના ટાર્ગેટ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી શરૂ કરી ઈલોન મસ્કને તેની કમાન સોંપી હતી. જોકે, આ ડિપાર્ટમેન્ટ અત્યારસુધી સરકારી ખર્ચમાં માત્ર 200 બિલિયન ડોલરનો ઘટાડો કરી શક્યું છે, પરંતુ તેની સામે ટ્રમ્પે ટેક્સ કટ્સ અને ઈરાન વૉર પાછળ અબજો ડોલરનો ધૂમાડો કરી નાખ્યો છે. આ સિવાય ટ્રમ્પે આડેધડ ટેરિફ ઝીંકીને 160 બિલિયન ડોલરથી પણ વધુની આવક ઉભી કરી હતી પરંતુ તેના કારણે અમેરિકામાં મોંઘવારીમાં ભડકો થયો હતો અને સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ગણાવતા સરકારને અબજો ડોલર રિફંડ કરવાની ફરજ પડી હતી.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ 2028 સુધીમાં બજેટમાં રહેલી ખાધને જીડીપીના ત્રણ ટકા સુધી લાવવા માગે છે જે હાલ છ ટકાની આસપાસ છે. જોકે, ઈરાન વૉરને કારણે તેમના આ પ્લાન પર હાલ પૂરતું તો પાણી ફરી વળતું દેખાઈ રહ્યું છે કારણકે મિલિટરી પાછળ થતો ખર્ચો ખૂબ જ વધી ગયો છે અને તેની સાથે-સાથે ટેરિફ રિફંડ પણ અતિશય ખર્ચાળ સાબિત થયું છે. આટલું ઓછું હોય તેમ ઈરાન વૉરને લીધે મોંઘવારીમાં થયેલા વધારાથી ઈકોનોમી પ્રભાવિત થઈ રહી છે, જેની નકારાત્મક અસર ટેક્સની આવક પર પણ જોવા મળશે તે નક્કી છે. આ ચેઈન રિએક્શનને કારણે અમેરિકાનું દેવું સતત વધતું રહેશે તેવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે.
યુએસ ગવર્મેન્ટને ભલે એવો કોન્ફિડન્સ હોય કે ઈકોનોમી જલ્દી સ્થિર થઈ જશે, પરંતુ અમેરિકન બોન્ડમાં રોકાણ કરનારા લોકોને આ વાત પર ખાસ ભરોસો નથી. જેથી બોન્ડ સસ્તા થઈ રહ્યા છે અને તેને વેચવા માટે સરકારને વધારે વ્યાજ ઓફર કરવું પડી રહ્યું છે. ચાલુ અઠવાડિયે જ 30 વર્ષના બોન્ડનો વ્યાજનો દર 20 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. બોન્ડ યિલ્ડ વધે તો સરકાર માટે તો દેવું કરવું મોંઘું થાય જ છે, પરંતુ તેની સાથે-સાથે તમામ પ્રકારની લૉન પરનો વ્યાજ દર પણ વધી જાય છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે. અમેરિકાએ તાજેતરમાં જ ડોલરનું ડિવેલ્યુએશન થતું અટકાવવા માટે જાપાનીઝ યેનને નબળો પડતો અટકાવવા સક્રિય પ્રયાસ કર્યા હતા, જેની પાછળનો હેતુ જાપાનને અમેરિકન બોન્ડનું વેચાણ કરતા અટકાવવાનો હતો.
અમેરિકાની સરકાર ચાહીને પણ પોતાના ખર્ચામાં કાપ મૂકી શકે તેમ નથી. ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સોશિયલ સિક્યોરિટી, મેડીકેર અને મેડીકેડ જેવા બિલિયન્સ ઓફ ડોલર્સના પ્રોગ્રામ કંઈ ઉપર-નીચે કરવું જોખમી સાબિત થઈ શકે છે અને કોઈપણ પક્ષ આ રિસ્ક લેવા માટે તૈયાર નથી. તેવી જ રીતે રાજકારણીઓ ટેક્સના દરમાં વધારો કરીને પણ પ્રજાને નારાજ કરવા નથી માગતા. જોકે, તેના કારણે રોજેરોજ વધી રહેલા દેવાનું મીટર જે ગતિએ ફરી રહ્યું છે તે એક દિવસ આખીય દુનિયાને ચકરાવે ચઢાવશે તે વાત નક્કી છે.

