જો આપની પાસે ગ્રીન કાર્ડ હોય તો એવું ના સમજી લેશો કે ભવિષ્યમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણકે ઈલીનોયમાં રહેતી એક ગ્રીન કાર્ડ હોલ્ડર મહિલા સાથે જે થયું છે તે કોઈની પણ સાથે થઈ શકે છે. શિકાગો ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર બિઆટા સિમિઓંકોવિક્ઝ નામની એક મહિલા છેક 2003થી ગ્રીન કાર્ડ પર અમેરિકામાં રહે છે પરંતુ ગયા વર્ષે જ ICE દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી જે આજ દિન સુધી જેલમાં છે.
મૂળ પોલેન્ડની બિઆટા હાલ નોર્ધન કન્ટકીમાં આવેલા ડિટેન્શન સેન્ટરમાં કેદ છે અને તે ક્યારે બહાર આવશે તેના કોઈ ઠેકાણા નથી. તેની બંને દીકરીઓ અમેરિકન સિટીઝન હોવા છતાંય ICEવાળા તેને છોડવા તૈયાર નથી.
બિઆટાએ પોતાના પેપરવર્કમાં કોઈ જ ચૂક ના થાય તેનું પૂરતું ધ્યાન રાખ્યું હતું તેમજ સિટીઝનશિપ લેવા માટે પણ અપ્લાય કરી દીધું હતું પરંતુ તેમ છતાંય ઓગસ્ટ 2025માં તેની ધરપકડ કરવામા આવી હતી. તેના ફેમિલી મેમ્બર્સનો દાવો છે કે તે 1995માં લીગલી અમેરિકા આવી હતી અને થોડા જ સમયમાં ઈલીનોય મૂવ થઈ હતી. એક અમેરિકન સિટીઝન સાથે લગ્ન કર્યા બાદ તેણે 2003માં ગ્રીન કાર્ડ મેળવ્યું હતું અને લગ્નજીવન દરમિયાન બે દીકરીને જન્મ આપ્યા બાદ તેના ડિવોર્સ થઈ ગયા હતા. બિઆટાની મોટી દીકરી 25 વર્ષની છે જ્યારે નાની દીકરીની ઉંમર 21 વર્ષ છે, મતલબ કે બંને તેની માતાને સ્પોન્સર કરી શકે તેમ છે પરંતુ અનેક પ્રયાસો બાદ પણ આ બંને યુવતી માતાને જેલમાંથી નથી છોડાવી શકી. ગયા વર્ષે શિકાગોમાં ઓપરેશન મિડવે બ્લિટ્ઝ શરૂ કરાયું ત્યારે જે સાતેક હજાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાં બિઆટાનો નંબર પણ આવી ગયો હતો.
DHSના જણાવ્યા અનુસાર બિઆટાએ સપ્ટેમ્બર 2005માં એક સ્ટોરમાંથી ચોરી કરી હતી અને ત્યારબાદ ઓક્ટોબર 2011માં રિટેલ થેફ્ટના અન્ય એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને કેસમાં તેની સામે મિસડિમિનર ચાર્જિસ લગાવાયા હતા કારણકે ચોરીની રકમ 150 ડોલરથી ઓછી હતી. DHSનો એવો પણ દાવો છે કે 2001 પહેલા ઈમિગ્રેશન મેળવવા માટે બિઆટાએ નકલી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ તેણે મેરેજના આધાર પર ગ્રીન કાર્ડ મેળવ્યું હતું. જોકે, બિઆટાની દીકરીઓનું કહેવું છે કે બે વર્ષ પહેલા જ તેમની માતાએ ફાઈન ભરવાની સાથે સુપરવાઈઝ્ડ રિલીઝની સજા ભોગવીને પોતાનો રેકોર્ડ ક્લીયર કરાવી દીધો હતો.
શિકાગો ટ્રિબ્યૂન સાથે વાત કરતા બિઆટાની ફેમિલીએ એવું પણ કહ્યું હતું કે તેમની માતા કપરી આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે તેમના માટે કપડાંની ચોરી કરી હતી. જોકે, DHSનું એવું કહેવું છે કે અમેરિકાની સરકાર પાસે કાયદાનો ભંગ કરનારા કોઈપણ એલિયનનું ગ્રીન કાર્ડ રદ કરવાની સત્તા છે. હાલ બિઆટાને ક્રિમિનલ્સ સાથે રાખવામાં આવી છે જેમાંથી અમુક લોકો પર તો હત્યાનો પ્રયાસ કરવાના પણ આરોપ છે. બિઆટાની સાથે જ આયર્લેન્ડની ડોના હ્યુગસ નામની અન્ય એક ગ્રીન કાર્ડ હોલ્ડર મહિલાની પણ કન્ટકીની જેલમાં હતી, તે ડબ્લિનથી શિકાગો લેન્ડ થઈ તે જ વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. બિઆટાની માફક તેની પણ મિસડિમિનર ચાર્જિસ હેઠળ દસેક વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેનો કેસ ફેડરલ કોર્ટમાં ગયો ત્યારે કોર્ટે એવું જજમેન્ટ આપ્યું હતું કે તેણે ડિપોર્ટેબલ ક્રાઈમ ના કર્યો હોવાથી ICE તેને કસ્ટડીમાં ના રાખી શકે.
આ જજમેન્ટ બાદ ડોના તો જેલમાંથી બહાર આવી ગઈ હતી પરંતુ બિઆટા હજુય અંદર જ છે. કોર્ટ રેકોર્ડ્સ અનુસાર બિઆટા ગ્રીન કાર્ડ હોલ્ડર હોવા છતાંય ડિસેમ્બર 09, 2025ના રોજ ઈમિગ્રેશન જજે તેને ડિપોર્ટ કરી દેવાનો આદેશ આપ્યો હતો, તેની સામે અપીલ પણ ફાઈલ કરવામાં આવી હતી. જોકે, DHSએ આ અંગે શિકાગો ટ્રિબ્યૂનને આપેલા સ્ટેટમેન્ટમાં એવું જણાવ્યું હતું કે ડિપોર્ટેશનની પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી બિઆટા ડિટેન્શન સેન્ટરમાંથી બહાર નહીં આવે. ડોનાનું કહેવું છે કે જો વર્ષો જૂના મિસડિમિનર કેસમાં તેને રાહત મળી હોય તો બિઆટાને પણ તેના આધાર પર રાહત મળવી જ જોઈએ.
બિઆટાની બંને દીકરીઓ હાલ ઈલીનોયના સેનેટર ડીક ડર્બિન સાથે મળીને તેમની માતાને છોડાવવા માટે પ્રયાસ કરી રહી છે. ડોનાએ જે વકીલ રોક્યો હતો તે જ વકીલ હાલ બિઆટાનો કેસ લડી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેને કોઈ રાહત નથી મળી શકી. બિઆટાને છોડાવવા માટે તેની દીકરીએ ભણવાનું છોડી દીધું છે અને તેની મોર્ગેજ ઉપરાંત અન્ય બિલ્સ પે કરવાની સાથે વકીલની ફી ચૂકવવા માટે તેણે જોબ શરૂ કરી છે. બિઆટાનો આ કેસ દર્શાવે છે કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સને વર્ષો પહેલા કરેલી એક નાનકડી ભૂલ પણ હવે કેટલી ભારે પડી શકે છે.
અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવતા ઘણા ઈન્ડિયન્સની પણ જે-તે સમયે આ પ્રકારના કેસમાં ધરપકડ કરવામાં આવી હોવા છતાંય તેમને પરમેનન્ટ સ્ટેટસ મળી ગયું છે. જોકે, DUI, ડોમેસ્ટિક વાયલન્સ કે પછી બેડ ચેક સહિતના મામલામાં જેમના નામ કોર્ટના રેકોર્ડમાં ચઢી ચૂક્યા છે તેમને હવે ગમે ત્યારે મુસીબતનો સામનો કરવા તૈયાર રહેવું પડે તેવી સ્થિતિ છે. ખાસ તો આવા કોઈ ગ્રીન કાર્ડ હોલ્ડર જો અમેરિકાની બહાર ટ્રાવેલ કરે તો તેમને રિ-એન્ટ્રી વખતે પ્રોબ્લેમ થઈ શકે છે. આમ તો ગ્રીન કાર્ડ હોલ્ડર અમેરિકામાં એન્ટર થવાનો હક્ક ધરાવે છે પરંતુ જો તેઓ એરપોર્ટ પર ગ્રીન કાર્ડ સરેન્ડર ના કરે તો તેમને જેલમાં પણ મોકલવામાં આવી શકે છે અને તેમનો કેસ ઈમિગ્રેશન કોર્ટમાં જઈ શકે છે. ખાસ તો મોરલ કેરેક્ટરના આધાર પર યુએસ ગવર્મેન્ટ કોઈપણ ગ્રીન કાર્ડ હોલ્ડરને સિટીઝનશિપ આપવાનો ઈનકાર કરી તેની સામે ડિપોર્ટેશનની પ્રોસેસ શરૂ કરી શકે છે.
થોડા મહિના પહેલા જ આવા એક મામલામાં નકલી ચીજવસ્તુઓ વેચતા પકડાયેલા ચાઈનીઝને રિ-એન્ટ્રી વખતે એરપોર્ટ પર અટકાવાયા બાદ તેની પાસે ગ્રીન કાર્ડ હોવા છતાંય તેને કન્ડિશનલ એન્ટ્રી આપવામાં આવી હતી અને આ કેસમાં તેણે ગુનો કબૂલ કર્યો ત્યારબાદ તેને ડિપોર્ટ કરી દેવાનો ઓર્ડર અપાયો હતો. બ્લાંક વર્સિસ લાઉનો આ મામલો અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો પરંતુ ત્યાંથી પણ તેને કોઈ રાહત નહોતી મળી શકી. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આ મામલે સરકારની તરફેણમાં ચુકાદો આપી ગ્રીન કાર્ડ હોલ્ડર્સના ડિપોર્ટેશનને પણ આસાન બનાવી દીધું છે. તેના કારણે હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા ગ્રીન કાર્ડ હોલ્ડર્સ માટે પોતાનું સ્ટેટસ રિન્યૂ કરાવવાની સાથે સિટીઝનશિપ લેવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

