ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને H-1B વિઝા પર ફરી 1,03,205 ડોલર ફી લાગુ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. આ વખતે તેનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે જેના કારણે અમેરિકન એમ્પ્લોયર્સ માટે ફી ભરવાથી બચવું મુશ્કેલ બની રહેશે. ગયા વર્ષે જ H-1B પર એક લાખ ડોલર ફી લેવાનું શરૂ કરાયું હતું પરંતુ કોર્ટે જૂન 2026માં જ આ ફીને ગેરકાયદે ગણાવી તેને રદ કરી નાખી હતી.
જોકે, તે વખતે સરકારે ફેડરલ કોર્ટના આ નિર્ણય સામે અપીલ કરવાની જાહેરાત ચોક્કસ કરી હતી. જોકે, આ મામલો આગળ વધે તે પહેલા જ લીગલ ચેલેન્જિસ રહેલી હોવા છતાંય ફરી એક વાર H-1B પર ફી લાદવાની તૈયારી શરૂ કરાઈ છે. જો આ ફી લાગુ કરવામાં આવી તો તેની અસર ઘણી જ વ્યાપક હશે.
સપ્ટેમ્બર 2025માં H-1B પર ફી લેવાનું શરૂ કરાયું તેમાં અમેરિકામાં જ હોય તેવા ગ્રેજ્યુએટ્સ સહિતના લોકોને બાકાત રખાયા હતા. મતલબ કે, જે લોકો યુએસની બહાર હોય અને પહેલીવાર અમેરિકામાં કામ કરવા આવતા હોય તેમના સ્પોન્સર પાસેથી જ આ ફી વસૂલવામાં આવતી હતી. જેના કારણે અમેરિકાની મોટાભાગની કંપનીઓ આ ફી ભરવાથી બચી ગઈ હતી કારણકે તેમના મોટાભાગના ફોરેન વર્કર્સ અમેરિકામાં ભણેલા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ કે પછી યુએસમાં પહેલાથી જ મોજૂદ હોય તેવા લોકો હતા. જોકે, સોમવારના રોજ રજૂ કરાયેલી નવી દરખાસ્ત અનુસાર જે ફોરેન વર્કર્સ પહેલાથી જ અમેરિકામાં મોજૂદ છે તેમને હાયર કરવા માટે પણ ફી ચૂકવવાની રહેશે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો આ ફી લાગુ થઈ તો તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી શકે છે. પરંતુ તેમાં સમસ્યા એ છે કે કોર્ટ આવા મામલામાં ફાઈનલ જજમેન્ટ આપવામાં ઘણા મહિના કાઢી નાખે છે અને ત્યાં સુધી ઘણા લોકોને ફીને લીધે જોબ નથી મળી શકતી.
USCISએ આ અંગે જે સત્તાવાર જાહેરાત કરી છે તેમાં જણાવ્યું છે કે નવી ફી H-1B વિઝાની એન્યુઅલ કેપ હેઠળ કરાતી દરેક પિટિશન્સ પર લાગુ પડશે. અમેરિકા દર વર્ષે 85 હજાર H-1B વિઝા ઈશ્યૂ કરે છે, જેની સામે તેની ડિમાન્ડ વધારે રહેતી હોવાથી લોટરી સિસ્ટમ હેઠળ આ વિઝાની ફાળવણી કરાય છે. 2026માં જ H-1B માટે 2,11,000થી પણ વધુ રજિસ્ટ્રેશન્સ થયા હતા. DHSનો અંદાજ છે કે આ ફી લાગુ કરવામાં આવી તો તેનાથી દર વર્ષે 8.8 બિલિયન ડોલરની આવક પ્રાપ્ત થશે. DHSએ એવું પણ જણાવ્યું છે કે H-1Bની એન્યુઅલ કેપમાંથી જેમને બાકાત રાખવામાં આવ્યા છે તેવા એમ્પ્લોયર્સને આ ફી નહીં ભરવી પડે જેમાં નોનપ્રોફિટ યુનિવર્સિટી અને હોસ્પિટલ્સનો સમાવેશ થાય છે.
જો ટ્રમ્પ સરકાર આ ફી લાગુ કરવામાં સફળ રહી તો તેની સૌથી વધુ અસર ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ પર પડવાની છે. ગયા વર્ષે જે ફી લાગુ કરાઈ હતી તેમાં સ્ટૂડન્ટ્સને બાકાત રખાયા હતા, પરંતુ આ વખતે USCISએ એવી સ્પષ્ટતા કરી છે કે એડવાન્સ્ડ ડિગ્રી એક્ઝમ્પ્શન માટે એલિજિબલ હોય તેમના સહિતના લોકોને હાયર કરવા માટે આ ફી ચૂકવવાની રહેશે. જો આમ થયું તો સ્ટૂડન્ટ્સ માટે અમેરિકામાં નોકરી શોધવું લગભગ અશક્ય બની જશે. આમેય ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન OPT ખતમ કરવાની વાતો કરી રહ્યું છે અને સ્ટૂડન્ટ્સને ચાર વર્ષના ફિક્સ ટેન્યોર ધરાવતા વિઝા અપાઈ રહ્યા છે તેવામાં લાખો રૂપિયાનો ખર્ચો કરી અમેરિકા ભણવા જવાનો હવે કોઈ મતલબ ના રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1Bમાં ધરખમ ફેરફારો કરવાના પ્રયાસ કરી રહ્યું છે, સરકારનો દાવો છે કે આ વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરીને અમેરિકાની કંપનીઓ સસ્તા ફોરેન વર્કર્સને જોબ આપી અમેરિકન્સ સાથે ભેદભાવ કરે છે. H-1B પર યુએસમાં કામ કરનારા ફોરેન વર્કર્સમાં ઈન્ડિયન્સની સંખ્યા સૌથી વધારે છે અને હવે અમેરિકામાં આ મુદ્દો રાજકીય રંગ ધારણ કરી ચૂક્યો છે. H-1Bમાં મોટાપાયે ફ્રોડ ચાલતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે અને આ વિઝા અપાવવા માટે ઈલીગલી લાખો રૂપિયાનો ચાર્જ પણ વસૂલવામાં આવે છે. જોકે, અમેરિકામાં હાલ જોબ ક્રાઈસિસ જેવી સ્થિતિ હોવાથી H-1B પર ત્યાં કામ કરવા જનારા ઈન્ડિયન્સની સંખ્યામાં ખાસ્સો ઘટાડો આવ્યો છે અને જે લોકો અમેરિકા જાય છે તેમને પણ જોબ શોધવાના ફાંફા પડી રહ્યા છે, જેના કારણે ઘણા કંટાળીને ઈન્ડિયા પાછા પણ આવી ગયા છે.
અત્યારસુધી દુનિયાભરના ટેલેન્ટેડ લોકો H-1B પર અમેરિકા આવતા હતા, યુએસને સુપરપાવર બનાવવામાં H-1B હોલ્ડર્સનું મહત્વપૂર્ણ યોગદાન છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રોગ્રામનો ભરપૂર ગેરફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. ખાસ તો અમેરિકામાં કામ કરવા માગતા ઈન્ડિયન્સને ત્યાં કોઈ પ્રોજેક્ટ પૂરો કરવાના બહાને મોકલવામાં આવે છે અને ખરેખર તો એવો કોઈ પ્રોજેક્ટ હોતો જ નથી. ઘણા કેસમાં તો અમેરિકામાં રજિસ્ટર્ડ કોઈ કંપનીમાં માત્ર ઓનપેપર કામ કરતા H-1B હોલ્ડર પોતાનો પેરોલ ચાલુ રાખવા માટે ટેક્સની રકમ ચૂકવતા હોય છે અને કામ બીજે જ ક્યાંક કરતા હોય છે. ટેક્સસમાં તો અમુક કહેવાતા એક્ટિવિસ્ટ H-1B ફ્રોડ કરનારા લોકોને હાલના દિવસોમાં તેમના લોકેશન્સ પર જઈને એક્સપોઝ કરી રહ્યા છે અને જેમને એક્સપોઝ કરવામાં આવી રહ્યા છે તે મોટાભાગનાં ઈન્ડિયન્સ જ છે.

