ઈરાન વૉર જેમ-જેમ લાંબું ખેંચાઈ રહ્યું છે તેમ-તેમ દુનિયાભરની એરલાઈન્સની હાલત ખરાબ થઈ રહી છે. ટ્રમ્પ રોજેરોજ જે અવનવી વાતો લઈ આવે છે તેનાથી ક્રુડના ભાવ ઉપર-નીચે થયા કરે છે પરંતુ હકીકત એ છે કે જેટ ફ્લુઅલની કિંમત હાલ રેકોર્ડ સપાટી પર પહોંચી ગઈ છે જેના કારણે લગભગ તમામ એરલાઈન્સ ક્રાઈસિસ મોડમાં સપડાઈ ચૂકી છે. ઈન્ડિયા જેવા દેશમાં પણ હવે લોકોને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવા અને પેટ્રોલ-ડીઝલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સલાહ અપાઈ રહી છે.
જેટ ફ્યુઅલની કિંમતમાં થયેલા ધરખમ વધારા ઉપરાંત તેની શોર્ટેજ ઉભી થવાથી સેંકડો ફ્લાઈટ્સ રોજેરોજ કેન્સલ થઈ રહી છે અને આ સંખ્યા આગામી દિવસોમાં હજુય વધશે તેવી પૂરી આશંકા છે. એક્સપર્ટ્સનું માનીએ તો હવે આ ઈશ્યૂ શોર્ટ ટર્મ નથી રહ્યો અને તેના જલ્દી ઉકેલાવાની પણ કોઈ શક્યતા નથી દેખાઈ રહી. દુનિયામાં અગાઉ ક્યારેય આવી સ્થિતિ નથી સર્જાઈ, યુરોપમાં તો જૂન સુધીમાં જેટ ફ્યુઅલનો સ્ટોક માંડ 23 દિવસ સુધી ચાલે તેટલા સ્તરે પહોંચી જાય તેવી આશંકા છે. તેવી જ રીતે, એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાની હાલત પણ વત્તાઓછા અંશે આવી જ થઈ શકે છે.
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે એર ઈન્ડિયા ખર્ચા ઘટાડવાના ભાગરૂપે પોતાની સેંકડો ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવાની છે. તો બીજી તરફ, ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો 2026માં એર ટ્રાફિક અને કેપેસિટીમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે, હાલ જેટ ફ્લુઅલના ભાવ જે સ્તરે પહોંચ્યા છે તેમાં કોઈ ખાસ ઘટાડો થવાના ચાન્સ ના બરાબર હોવાથી ચાલુ વર્ષમાં એરલાઈન્સને કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.
મે મહિનામાં જ દુનિયાભરમાં 13,000 જેટલી ફ્લાઈટ્સ ઈરાન વૉરને કારણે કેન્સલ કરવામાં આવી છે જેમાં મ્યુનિક અને ઈસ્તાંબુલ સૌથી વધુ પ્રભાવિત થનારા ડેસ્ટિનેશન્સ હતા. આ કેનસ્લેશનને કારણે 11 મેજર ગ્લોબલ માર્કેટ્સમાંથી 9.3 મિલિયન સીટ્સ ઓછી થઈ ચૂકી છે. જો હોર્મુઝની ખાડી આવતીકાલે ખૂલી જાય તો પણ સ્થિતિ સામાન્ય બનતા ઓગસ્ટ સુધી રાહ જોવી પડી શકે છે.
અમેરિકામાં સમર વેકેશન સીઝનના ટાણે જ એરલાઈન્સના શિડ્યૂલ્સ અસ્ત-વ્યસ્ત થઈ જતાં લોકો પણ પોતાનો પ્લાન યથાવત રાખવો કે પછી આ વર્ષે વિદેશ જવાનું પડતું મૂકવું તેને લઈને મૂંઝવણમાં મૂકાયા છે. એક તરફ યુકેના ટ્રાવેલર્સને પોતાનો પ્લાન કન્ટિન્યુ રાખવા જણાવાઈ રહ્યું છે ત્યારે યુરોપમાં એવિએશન સેક્ટરની હાલત કફોડી બની રહી છે. જેના કારણે ટ્રાવેલર્સ જે-તે દેશમાં પહોંચ્યા બાદ ત્યાં જ ફસાઈ જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
જેટ ફ્યુઅલની કિંમત હાલ જે સ્તર પર પહોંચી છે તેના કારણે ઘણા દેશો માટે તેની ઈમ્પોર્ટ યથાવત રાખવાનું મુશ્કેલ બની ગયું છે, જેના કારણે ઓછું ફોરેન રિઝર્વ ધરાવતા દેશોની હાલત સૌથી વધુ ખરાબ થવાની છે. આવા દેશોમાં થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તેમજ સાઉથ અમેરિકન કન્ટ્રીઝનો સમાવેશ થાય છે, કારણકે તેઓ મોટાભાગનું જેટ ફ્યુઅલ ઈમ્પોર્ટ કરે છે. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાએ પણ ડોમેસ્ટિક ફ્લાઈટ્સને રાહત આપવા માટે જેટ ફ્યુઅલની કિંમતો સ્થિર રાખી છે, પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને આવી કોઈ રાહત ના મળતી હોવાથી તેમના માટે કામકાજ ચાલુ રાખવું મુશ્કેલ બની ગયું છે.

