Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મેરેજ ગ્રીન કાર્ડ ધરાવતા લોકો પર પણ ડિપોર્ટેશનનો ખતરો?

મેરેજ ગ્રીન કાર્ડ ધરાવતા લોકો પર પણ ડિપોર્ટેશનનો ખતરો?

I Am Gujarat 2 weeks ago

મેરિકન સિટીઝન કે પછી ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે મેરેજ કરીને જેમણે કાચું ગ્રીન કાર્ડ મેળવ્યું હોય તેવા હજારો પરમેનન્ટ રેસિડેન્ટ્સ પર ડિપોર્ટેશનની તલવાર લટકી રહી છે. નિયમ પ્રમાણે કાચું ગ્રીન કાર્ડ મળ્યા બાદ બે વર્ષ પછી 10 વર્ષનું પાકું ગ્રીન કાર્ડ મેળવી શકાય છે જેના માટે I-751 ફોર્મ સબમિટ કરાવવાનું રહે છે. જોકે, ઈમિગ્રેશન એટર્નીઝનું માનીએ તો અત્યારસુધી રૂટિન ગણાતી આ પ્રોસિજર હવે ખૂબ જ રિસ્કી બની રહી છે.

જે એપ્લિકન્ટનું I-751 અપ્રુવ ના થાય તેમની પાસે જો કોઈ સ્ટેટસ ના હોય તો તેમને ડિપોર્ટેશનનો સામનો પણ કરવો પડી શકે છે.

તાજેતરમાં જ બનેલા કેટલાક કેસોનો હવાલો આપીને અમેરિકામાં પ્રેક્ટિસ કરતા ઈમિગ્રેશન લૉયર્સ સોશિયલ મીડિયા પર જણાવી રહ્યા છે કે જે એપ્લિકન્ટ્સ પોતાના મેરેજ જેન્યુઈન છે તે પુરવાર ના કરી શકે તેના કારણે જ નહીં પરંતુ જે લોકો USCISની નોટિસ મિસ કરી ગયા હોય કે પછી સમયસર તેનો જવાબ ના આપ્યો હોય તેમને પણ રિમૂવલ પ્રોસેસમાં મૂકી દેવાય છે. જેમની પિટિશન રિજેક્ટ થાય તેમને તુરંત જ નોટિસ ટુ અપિયર એટલે કે NTA ઈશ્યૂ કરી દેવામાં આવે છે જેના કારણે તેમને ઈમિગ્રેશન જજ સામે હાજર થવું પડે છે અને તેમની ડિપોર્ટેશન પ્રોસિડિંગ્સ પણ તેની સાથે જ શરૂ થઈ જાય છે.

હાલમાં જોવા મળી રહેલા ટ્રેન્ડ્સના આધારે ઈમિગ્રેશન એટર્નીઝ જણાવી રહ્યા છે કે I-751 રિજેક્ટ થયું હોય તેવા મોટાભાગના કેસમાં એડમિનિસ્ટ્રેટિવ ઈશ્યૂ જવાબદાર હોય છે જ્યારે મેરેજમાં સર્જાયેલી સમસ્યાને કારણે રિજેક્શન આવ્યું હોય તેવા કેસ પ્રમાણમાં ઓછા છે. જે એપ્લિકન્ટ્સને આ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે તેમાંના ઘણા લોકોને ઈન્ટરવ્યુની નોટિસ મળી જ નથી કારણકે તેમનું એડ્રેસ બદલાઈ ગયું છે અને તેમણે USCISમાં નવું એડ્રેસ અપડેટ નથી કરાવ્યું.

આ ઉપરાંત જેમણે અપોઈન્ટમેન્ટ નોટિસની નોંધ ના લીધી હોય કે પછી પોતાના કેસનું સ્ટેટસ ઓનલાઈન ચેક ના કર્યું હોય તેવા એપ્લિકન્ટ્સ પણ હવે ફસાયા છે. જે લોકો ઈન્ટરવ્યુમાં હાજર ના રહી શકે તેમની I-751 પિટિશન રિજેક્ટ થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે અને ત્યારબાદ તુરંત જ તેમને ઈમિગ્રેશન કોર્ટમાં હાજર થવાની નોટિસ પકડાવી દેવાય છે. એક્સપર્ટ્સનું માનીએ તો હવે મેરેજ જેન્યુઈન છે તેવું પુરવાર કરવાની સાથે પાકું ગ્રીન કાર્ડ હાથમાં ના આવી જાય ત્યાં સુધી તમામ પ્રોસિજરને ફૉલો કરવી પણ એટલું જ મહત્વનું બની ગયું છે.

જેમણે છેલ્લા એકાદ વર્ષમાં પાકું ગ્રીન કાર્ડ લેવા માટે એપ્લાય કર્યું છે તેવા ઘણા એપ્લિકન્ટ્સને હવે એડિશનલ એવિડન્સ સબમિટ કરાવવાની તક આપ્યા વિના સીધું રિજેક્શન આપવામાં આવી રહ્યું છે. અત્યારસુધી જો કોઈ પિટિશન શંકાસ્પદ લાગે તો તેને રિજેક્ટ કરતા પહેલા USCIS રિક્વેસ્ટ ફોર એવિડન્સ એટલે કે REF અથવા તો નોટિસ ઓફ ઈન્ટેન્ટ ટુ ડિનાય એટલે કે NOID નોટિસ ઈશ્યૂ કરતું હતું. જોકે, હવે ઘણા લોકોને આવી કોઈ તક નથી અપાઈ રહી, જેથી તેમના પર ડિપોર્ટેશનનો ખતરો વધી જાય છે.

જો USCISને લાગે કે I-751 સાથે અપાયેલા એવિડન્સ પૂરતા નથી કે પછી એપ્લિકન્ટ પાકું ગ્રીન કાર્ડ મેળવવાને હક્કદાર નથી તો બીજી કોઈ કાર્યવાહી કરવાને બદલે કે પછી એપ્લિકન્ટને કોઈ ચાન્સ આપવાને બદલે પિટિશન જ ડીનાય કરી દેવાઈ રહી છે. હાલના ટ્રેન્ડને ધ્યાનમાં લેતા ઈમિગ્રેશન એટર્નીઝ પાકાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરતા દરેક લોકોને ઈન્ટરવ્યુની ડેટ ક્યારે આવે છે તેના પર નજર રાખવા અને એડિશનલ એવિડન્સ તૈયાર રાખવા માટે સલાહ આપી રહ્યા છે. તેમનું એવું પણ કહેવું છે કે દરેક એપ્લિકન્ટે સ્ટ્રીક્ટ રિવ્યૂ માટે પહેલાથી જ તૈયાર રહેવું જોઈએ જેથી છેલ્લી ઘડીએ કોઈ સમસ્યા ઉભી ના થાય.

I-751 ફાઈલ કરતી વખતે કયા ત્રણ ક્રિટિકલ સ્ટેપ્સ ધ્યાનમાં રાખવા જોઈએ તે અંગે એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે સૌ પહેલા તો એપ્લિકન્ટ્સે પોતાની પિટિશનનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરતા રહેવું જોઈએ અને પોસ્ટલ ઈમેલ પર જ નિર્ભર ના રહેવું જોઈએ. બીજી મહત્વની વાત એ છે કે જો કોઈનું એડ્રેસ ચેન્જ થયું હોય તો તુરંત જ USCISને તેની જાણ કરવી જોઈએ. USCIS તેની પાસે જે એડ્રેસ હોય તેના પર જ નોટિસ મોકલતી હોય છે, એડ્રેસ ચેન્જને કારણે પોતાને નોટિસ નથી મળી તેવું બહાનું આપીને પણ હવે રિજેક્શનથી બચવું મુશ્કેલ છે. આ ઉપરાંત, USCIS કહે તે પહેલા જ I-751 સાથે મેરેજ જેન્યુઈન છે તેવું સાબિત કરતા તમામ પુરાવા રજૂ કરી દેવા જોઈએ.

મોટાભાગના કપલ એવું માનવાની ભૂલ કરી બેસતા હોય છે કે તેમણે I-751 સાથે તમામ જરૂરી એવિડન્સ અને ડોક્યુમેન્ટ્સ સબમિટ કરી દીધા હોવાથી હવે વધારાના કોઈ એવિડન્સ આપવાની જરૂર નથી રહેતી. જોકે, ઈમિગ્રેશન એટર્નીઝનું કહેવું છે કે આમ કરવું મોટી ભૂલ સાબિત થઈ શકે છે. મેરેજ જેન્યુઈન છે તે સાબિત કરવા માટે જે ડોક્યુમેન્ટ્સ સૌથી મહત્વના છે તેમાં જોઈન્ટ બેન્ક અકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ, મોર્ગેજ અને લીઝ એગ્રિમેન્ટ્સ, યુટિલિટી બિલ, ઈન્શ્યોરન્સ પોલિસી, ટેક્સ રિટર્ન, ટ્રાવેલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ, જો બાળકો હોય તો તેમના બર્થ સર્ટિફિકેટ્સ અને કપલ સાથે જ રહે છે તેને લગતા અન્ય વધારાના ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે.

જોકે, આમ છતાંય કોઈની I-751 પિટિશન રિજેક્ટ કરી દેવામાં આવે તો ડિપોર્ટેશનથી બચવા શું કરી શકાય તે જાણવું પણ જરૂરી છે. એક્સપર્ટ્સનું માનીએ તો I-751 ડિનાય થતાં ઓટોમેટિકલી રિમૂવલ પ્રોસિજર શરૂ નથી થઈ શકતી. આ કાર્યવાહી શરૂ થયા બાદ પણ એપ્લિકન્ટ્સ પાસે કેટલાક લીગલ ઓપ્શન્સ રહે છે. જેમાં ઈમિગ્રેશન જજને I-751નો રિવ્યૂ કરવા માટે વિનંતી કરી શકાય છે જેમાં જજ શરૂઆતથી લઈને પિટિશન રિજેક્ટ થઈ ત્યાં સુધીની તમામ પ્રોસિજરનો રિવ્યૂ કરે છે. આ પ્રોસેસ દરમિયાન એપ્લિકન્ટ એડિશનલ એવિડન્સ રજૂ કરી પોતાના મેરેજ જેન્યુઈન છે તે પુરવાર કરી શકે છે. જો જજ એવું જણાવી દે કે મેરેજ જેન્યુઈન છે તો પણ I-751નું અપ્રુવલ મેળવવાનું બાકી રહે છે.

જોકે, તેમાં સમસ્યા એ છે કે આ પ્રોસિજર ખૂબ જ લાંબી અને ખર્ચાળ છે. તેના બદલે જો USCISમાં જ મેટર પૂરી કરી દેવાય તો લાંબી પળોજળ નથી થતી. જો કોઈની સામે રિમૂવલ પ્રોસિડિંગ્સ શરૂ કરી દેવાઈ હોય તો તેના માટે અમેરિકાની બહાર ટ્રાવેલ કરવું ખૂબ જ જોખમી બની શકે છે. આવા કેસમાં એપ્લિકન્ટ અમેરિકાની બહાર જાય તો એવું માની લેવામાં આવે છે કે તેણે પોતાનો કેસ પડતો મૂકીને સ્વેચ્છાએ ડિપોર્ટેશન લીધું છે. અમેરિકામાં હાજર ના હોવાના કારણે જો કોઈ ઈમિગ્રેશન કોર્ટમાં ગેરહાજર રહે તો પહેલી જ મુદ્દતમાં તેના નામનો રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ થઈ જાય છે.

પાકું ગ્રીન કાર્ડ આવતા પહેલા જ જો કોઈના ડિવોર્સ થઈ જાય કે પછી પતિ-પત્ની સાથે ના રહેતા હોય તો શું થઈ શકે? અમેરિકાના ઈમિગ્રેશન લૉ અનુસાર જેમણે અગાઉ જોઈન્ટલી I-751 ફાઈલ કર્યું હોય પરંતુ પછી તેમના ડિવોર્સ થયા હોય તો તેઓ નવું I-751 સબમિટ કરી શકે છે. જોકે, આવા કેસમાં USCIS નહીં પરંતુ ઈમિગ્રેશન કોર્ટ આખરી નિર્ણય કરતી હોય છે. એપ્લિકન્ટ કોર્ટમાં એવી પણ રજૂઆત કરી શકે છે કે જ્યાં સુધી USCIS તેમની એપ્લિકેશન પર આખરી નિર્ણય ના લે ત્યાં સુધી તેમને ડિપોર્ટેશન સામે પ્રોટેક્શન આપવામાં આવે.

જોકે, આ રસ્તો પણ આસાન નથી, કારણકે હાલના દિવસોમાં એવું જોવા મળી રહ્યુ છે કે જો સેપ્રેટ પ્રોસેસને પૂરી થવામાં છ મહિનાથી વધુનો સમય લાગે તેમ હોય તો ઈમિગ્રેશન કોર્ટ્સ ડિપોર્ટેશન સામે પ્રોટેક્શન નથી આપતી અને ફરી સબમિટ કરાયેલા I-751 પર કોર્ટ શું નિર્ણય લેશે તે અંગે કંઈ પણ કહેવું ખૂબ જ મુશ્કેલ છે.

જેમણે માત્ર ગ્રીન કાર્ડ માટે જ અમેરિકામાં મેરેજ કર્યા છે અને પાકું ગ્રીન કાર્ડ મળતા પહેલા જ પતિ-પત્ની એકબીજાથી અલગ થઈ ગયા છે તેમના માટે હવે 10 વર્ષનું ગ્રીન કાર્ડ લેવું જરાય આસાન નથી રહેવાનું. ખાસ તો જો તેમના સ્પાઉસ USCIS સમક્ષ મેરેજ માત્ર ઈમિગ્રેશન બેનિફિટ્સ લેવાના ઈરાદે જ કરવામાં આવ્યા હતા તેવી રજૂઆત કરી દે તો મામલો ઘણો ગંભીર બની શકે છે. જોકે, જેમના મેરેજ જેન્યુઈન છે તેમને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આ બાબતને હળવાશથી લેવાની ભૂલ પણ ના કરવી જોઈએ.

એક્સપર્ટ્સની સલાહ મુજબ I-751ને ગ્રીન કાર્ડની સમગ્ર પ્રોસેસનો સૌથી મહત્વનો ભાગ ગણી તેમાં કોઈ ગફલત ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો કોઈ પોતાનું સ્ટેટસ ઓનલાઈન ચેક કરવાનું ભૂલી જાય, એડ્રેસ અપડેટ ના કરાવે કે પછી મહત્વના ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવવાના રહી જાય તો હવે તેનું ખૂબ જ ગંભીર પરિણામ આવી શકે છે.

મેરેજ કરીને અમેરિકા આવતા ઈમિગ્રન્ટ્સને બે વર્ષનું શરતી ગ્રીન કાર્ડ મળે છે અને ત્રીજા વર્ષે તેઓ પાકું ગ્રીન કાર્ડ લેવા માટે એલિજિબલ થાય છે. 2025 પહેલા કોઈ ઈન્ટરવ્યુ કે પછી વેરિફિકેશન વિના જ ઘણા લોકોને ટેમ્પરરી ગ્રીન કાર્ડ આપી દેવાતું હતું. જોકે, જે લોકો હાલ કાચું ગ્રીન કાર્ડ લઈને બેઠા છે તેમાંના ઘણા લોકોને હવે પ્રોબ્લેમ થઈ રહી છે. તેવામાં જેમને પાકાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવાનો સમય થઈ ગયો છે તેમને ઈમિગ્રેશન લૉયરની સલાહ લઈને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા, ઈન્ટરવ્યુની તૈયારી કરવી તેમજ કોઈપણ સંજોગોમાં એકબીજાની સાથે રહેવું ખૂબ જ જરૂરી છે. જો I-751 સાથે મહત્વના ડોક્યુમેન્ટ્સ પણ અટેચ કર્યા હશે અને કોઈ અપોઈન્ટમેન્ટ કે પછી નોટિસ મિસ નહીં કરી હોય તો પાકું ગ્રીન કાર્ડ રિજેક્ટ થવાના ચાન્સ પણ ઘટી જશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: I Am Gujarat